જૂનાગઢનાં વેપારીએ નિર્માણ કરેલી ફિલ્મ 'બહુરૃપી' કાલે થશે પ્રસારિત

27 Dec, 2014

ગઝલ સમ્રાટ જગજીતસિંઘે આ ફિલ્મમાં ભજન ગાઇ પોતાની કારકિર્દીની શરૃઆત કરી હતી

જૂનાગઢના વેપારીએ ૧૯૬૯-૭૦નાવર્ષમાં નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મ 'બહુરૃપી' તા.૨૮ના રવિવારે અમદાવાદ દૂરર્શન કેન્દ્ર પરથી પ્રસારીત થશે. ગઝલ સમ્રાટ જગજીતસિંઘે આ ફિલ્મમાં ભજન ગાઇ પોતાની કારકિર્દીની શરૃઆત કરી હતી.
જૂનાગઢના વેપારી સ્વ. શિવલાલ તન્ના તેમજ તેના નાનાભાઇ મનસુખભાઇ તન્ના દ્વારા ૧૯૬૯-૭૦માં 'બહુરૃપી' ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રાગજી ડોસા દ્વારા ગુજરાતની પરંપરાગત ભવાઇ કલા પર લખાયેલી પટકથા આધારિત ફિલ્મમાં ગુજરાતી ઉપરાંત હિન્દી ફિલ્મના નામાંકિત કલાકારો જેવા કે અમજદખાનના પિતા જયંત, શ્રીકાંત સોની, શેખર પુરોહિત, નારાયણ રાજગોર, સરોજનાયક જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો.
આ અંગેસ્વ. શિવલાલ તન્નાના પુત્ર જીતેન્દ્રભાઇ તન્નાએ જણાવ્યું હતું કે ગઝલ સમ્રાટ જગજીતસિંઘે લાગી રામ ભજનની લગન ભજન ગાઇ પોતાની કારકિર્દીની શરૃઆત કરી હતી. અસાઇન ઠાકરની ભવાઇકલા પર આધારિત આ ફિલ્મમાં ઝુંડા ઝુલણ, અડવા, છેલબટાઉના વેશ સમાવેશ કરાયો હતો. તા.૨૮ના રવિવારે બપોરે ૩.૩૦ વાગ્યે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થશે. આ ફિલ્મને ભારત સરકાર દ્વારા ૨૭ રાજ્યોમાં કરમુક્તિ આપી છે. પરંતુ ગુજરાતમાં કરમુક્તિ મળી ન હતી.