આ ગુજરાતી બાળાઓની ઈમાનદારી પર ગર્વ કરો

09 Jan, 2015

આર્થિક રીતે નબળા પરિવારની હોવા છતાં રસ્તામાંથી મળેલા બે હજાર રૂપિયા પોલીસ-સ્ટેશનમાં જમા કરાવ્યા : પોલીસે કર્યું સન્માન, આજે સ્કૂલ કરશે

નાનપણથી મળેલા સંસ્કાર બાળકોને ઈમાનદારીના માર્ગે લઈ જાય છે. ગઈ કાલે આવો જ કિસ્સો મુલુન્ડ (વેસ્ટ)માં બન્યો હતો. નવભારત હાઈ સ્કૂલના ઇંગ્લિશ મિડિયમમાં ભણતી બે બહેનો અને તેમની સહેલી રસ્તામાંથી રોકડા બે હજાર રૂપિયા મળતાં તેમણે એ રૂપિયા પોતાની પાસે રાખવાને બદલે નજીકમાં જ આવેલા મુલુન્ડ પોલીસ-સ્ટેશનમાં જમા કરાવી દીધા હતા. મુલુન્ડ પોલીસની ટીમે આટલી નાની વયનાં બાળકોની ઈમાનદારીની કદર કરતાં તે ત્રણેય બાળકોનું ફૂલોના બુકે અને ચૉકલેટ આપીને સન્માન કર્યું હતું. આ બાળકોને આજે તેમની સ્કૂલમાં સન્માનિત કરવામાં આવશે.

વાત એવી બની હતી કે નવભારત હાઈ સ્કૂલના ફિફ્થ સ્ટાન્ડર્ડમાં ભણતી રિયા શાંતિલાલ મનાની અને તેની સાથે જ ભણતી તેની બહેન ભૂમિ મનાની તેમની સાતમા ધોરણમાં ભણતી સહેલી ક્રિષ્ના જયેશ સાપરિયા સાથે ગઈ કાલે સવારે સ્કૂલમાં આવી રહ્યાં હતાં. એ સમયે તેમને સ્કૂલ નજીક ઊભેલી એક કાર નીચેથી એક હજારની બે નોટ પડેલી મળી હતી. તેમણે પળભરનો પણ વિલંબ કર્યા વગર એ બે હજાર રૂપિયા મુલુન્ડ પોલીસ-સ્ટેશનમાં જમા કરાવી દીધા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે ત્રણેયના પરિવાર આર્થિક રીતે સાવ જ નબળા છે. રિયા અને ભૂમિના પિતા કડિયાકામ કરીને ગુજરાત ચલાવે છે અને ક્રિષ્નાના પિતા ટેમ્પરરી નોકરી પર છે.

આ બાબતમાં મુલુન્ડ પોલીસ-સ્ટેશનના ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આર્થિક રીતે નબળા પરિવારનાં હોવા છતાં આ ત્રણેય બાળકોની ઈમાનદારી જોઈને અમે ખુશ થઈ ગયા હતા. ત્યાં એ સમયે હાજર અમારી પૂરી ટીમે તેમને સન્માનિત કરવાનો નિર્ણય લીધો અને બુકે તથા ચૉકલેટ આપીને તેમનું સન્માન કર્યું હતું.’

નવભારત હાઈ સ્કૂલના ઇંગ્લિશ મિડિયમનાં પ્રિન્સિપાલ વિજયા પવારે આ બાળકોની ઈમાનદારીને વધાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણેય બાળકોના આ સમાચાર જ્યારે અમને મળ્યા ત્યારે અમે શીખવેલા સંસ્કારના પાઠ લેખે લાગ્યાનો અમને અહેસાસ થયો હતો. અમે આજે આ ત્રણેય બાળકોનું સ્કૂલમાં સન્માન કરીશું.’