સોમનાથ મંદિરમાં ભક્તે 500 ગ્રામ સોનું ધર્યું, 51 કિલોનો સંકલ્પ કર્યો પૂર્ણ

06 Nov, 2014

જગ વિખ્યાત પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગનો જાણે પ્રારંભ થયો હોય તેમ મુંબઇ અને સુરતનાં  શિવભકત લાખી પરિવારે ગત વર્ષે મહાદેવના ગૃભગૃહ તથા ડમ્મરૂ, ત્રિશુલ, પાટ માટે સુવર્ણનું દાન કરી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વર્તમાન વડાપ્રધાન મોદીના હસ્તે શિવાપર્ણ કરી તેમને મહાદેવને કરેલ 51 કિલો સોનું ચડાવવાનો સંકલ્પ લીધો હતો. આજે કાર્તિકી પૂર્ણિમાનાં શુભ દિને બાકી રહેતા 500 ગ્રામ સોનાના દાગીના મહાદેવની અર્પણ કરી આ સંકલ્પ પૂર્ણ કરતાં જય સોમનાથનાં નાદ સાથે પરિવાર પણ ભાવવિભોર બની ગયો હતો.

સુરતના લાખી તથા ધામેલીયા પરિવાર દ્વારા આજે કાર્તિકી પૂર્ણિમાના દિવસે 500 ગ્રામ સોનાના દાગીના સોમનાથ મંદિરને અર્પણ કરવામાં આવેલ જેમાં એક મંગળસુત્ર, એક નેકલેસ, બે બંગડીનો સમાવેશ થાય છે. આજે મહાદેવને અર્પણ કરાયેલ સોનાના દાગીના સાથે મહાદેવની મહાપૂજા આજે દાતા પરિવારના સભ્યો સાથે ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતનાઓની હાજરીમાં મહાપૂજા કરવામાં આવેલ હતી. આ અગાઉ પણ આ જ પરિવારે પ્રથમ સોમનાથ ગૃભગૃહને સોનેથી મઢયા બાદ ગત ફેબ્રુઆરી માસમાં  વર્તમાન પ્રધાનમંત્રી મોદીના હસ્તે સોનાનું ડમરૂ, ત્રિશુલ તથા પાટ સહિતની સોગાતો સોમનાથ મંદિરને આપવામાં આવેલ હતી.