ગુજરાતી ખેડૂતનો કમાલ: વિદેશમાં થતાં “મટુંડા” નામના ફળની કરી સફળ ખેતી

03 Nov, 2014

આજના સમયમાં ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી જુદા-જુદા ફળોની સફળ ખેતી કરવા પ્રેરાયો છે. અનેક ફળો સંશોધન દ્વારા બારે માસ મળતા થયા છે. ત્યારે તેવું જ એક ફળ “મટુંડા” ની ખેતી પોરબંદરની બાજુમાં આવેલા અડવાણા ગામના એક ખેડૂત લખમણ દેવશી ઓડેદરા 5 વર્ષથી કરે છે. પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતા અને બાગાયત ક્ષેત્રે અવનવા સંશોધનો કરીને સફળ ખેડૂત તરીકે એક આગવી ઓળખ ઉભી કરનાર લખમણભાઈ ઓડેદરાએ ખારેકની ખેતીમાં સફળતા મેળવ્યા બાદ હવે તેઓએ કમ્પાલા, યુગાન્ડા અને કેનિયામાં થતું “મટુંડા” નામના ફળની સફળ ખેતી કરી છે.

આ અંગે વધુ વિગત આપતા લખમણભાઈ એવું જણાવ્યું હતું કે, કમ્પાલા, યુગાન્ડા અને કેનિયામાં થતો આ મટુંડાનો છોડ વેલાના સ્વરૂપમાં થાય છે અને તેમના પાકનો સમય 7 મહિનાનો છે. વર્ષની અંદર તેમાં 50 થી વધુ ફળો આવે છે. આ મટુંડા ઔષધિની દ્રષ્ટીએ તેમનું જ્યુસ બનાવવામાં આવે છે અને તેમનો ઉપયોગ દેશી ઔષધી તરીકે એસીડીટી અને કબજીયાતમાં કરવામાં આવે છે. અને આ છોડ 5 થી 10 વર્ષ સુધી ટકી રહે છે. આમ, આજના ખેડૂતો આવી ખેતી તરફ વળ્યા છે અને સારી એવી આવક તેમાંથી પ્રાપ્ત પણ કરે છે.

1000 જેટલા રોપા ઉછેર્યા

અડવાણાના ખેડૂત લખમણભાઈએ મટુંડાનું સફળ ઉત્પાદન કર્યા બાદ તેઓએ પોતાની વાડીમાં મટુંડાના 1000 જેટલા રોપાનો ઉછેર કર્યો છે. જેના એક રોપાની કિંમત રૂા. 50 જેવી થવા જાય છે. પોરબંદર ઉપરાંત જામનગર, રાજકોટ અને જૂનાગઢના ખેડૂતો પણ મટુંડાના રોપની ખરીદી કરીને મટુંડાની ખેતી તરફ વળ્યા છે.


કઈ રીતે બને છે મટુંડાનું જ્યુસ ?

પાઈનેપલ, ઓરેન્જ સહિતના જ્યુસ બજારમાં મળે છે. વદિેશમાં થતા મટુંડા નામના ફળના જ્યુસનો સ્વાદ પણ લોકોને પસંદ આવે છે. મટુંડાનો જ્યુસ બનાવવા માટે ફળને કાપી, માવો તથા બીચ પાણીમાં નાખી છાલ બહાર કાઢી, માવા અને બીચને મીક્સરમાં ક્રશ કર્યા બાદ જ્યુસ તૈયાર થાય છે. તેમાં ખાંડ તથા અડધી ચમચી નિમક નાખવાંથી આ જ્યુસ માઝા જેવું સ્વાદિષ્ટ તૈયાર થાય છે.