પટેલ ખેડૂતે પાડ્યો નવો ચિલો: એક વિઘામાં 60 મણ બાસમતી રાઈસ ઉગાડ્યાં

16 Nov, 2014

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાસમતી રાઈસનું ઉત્પાદન જવલ્લે જ જોવા મળી રહ્યું છે. કોઈક કોઈક ખેડૂત આ રાઈસનું ઉત્પાદન કરે છે, પરંતુ આપણા વિસ્તારમાં આવેલી રાઈસ મિલો બાસમતી ડાંગરની છાંટવાની પ્રક્રિયા કરતી ન હોવાથી અહીં કોઈ ઉત્પાદન લેતું નથી. જો કે અહીં રાઈસ મિલોને પ્રોત્સાહન આપવામાં આવે અને બાસમતી ચોખાનું ઉત્પાદન લેવા માટે ખેડૂતોને પ્રેરણા આપવામાં આવે તો સારું એવું ઉત્પાદન બાસમતી રાઈસનું થઈ શકે છે . અગાઉ માંડવી તાલુકાના એક ખેડૂતે બાસમતી રાઈસનું ઉત્પાદન લીધું હતું.

ત્યારબાદ હવે વાંસદા તાલુકાના એક નાના સિમાંત ખેડૂતે બાસમતી રાઇસનું ઉત્પાદન લઈ ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. તેની સાથે રાઈસ મિલોએ પણ આગળ આવવું જોઇએ તેવું તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું.

 વાંસદા તાલુકાના ઉનાઈ ગામના રહીશ અને સર્વેયર તરીકે 32 વર્ષની ફરજ બજાવી નિવૃત્ત થયેલા હસમુખભાઈ ઉર્ફે બાબુભાઈ રતનજી પટેલે ખેતીને પોતાનો શોખ તરીકે અપનાવ્યો છે. તેમના પુત્રએ પણ હસમુખભાઈને બરાબરનો સાથ આપી રહ્યાં છે. તેમણે પોતાના એક વિઘા ખેતરમાં બાસમતી રાઈસનું ઉત્પાદન લઈને આદિવાસી ખેડૂતોને ખાસ્સીએવી પ્રેરણા પૂરી પાડી છે.

 વાંસદા તાલુકામાં જ્યાં બાસમતી ભાતનું ઉત્પાદન જવલ્લે જ જોવા મળે છે ત્યાં મબલખ બાસમતી ભાતનું ઉત્પાદન કર્યું છે. ઉનાઈના માછીવાડમાં રહેતા હસમુખભાઈ પટેલને તેમના મિત્ર પાસેથી બધા કરતા કંઈક નવું કરી સારી આવક મેળવવાની પ્રેરણા મળી હતી. આ બળે તેઓ પોતાના ખેતરમાં કંઈક નવું કરવાની તમન્ના સાથે તે દિશામાં આગળ વધી બાસમતી રાઈસ રોપવાનો વિચાર કર્યો હતો. પ્રથમ તેમણે વાંસદાના જ અંબાજી એગ્રો.ના રોની ગોસ્વામી પાસેથી પંજાબથી પાંચ કિલો બાસમતી રાઈસનું બિયારણ મગાવ્યું હતું. ત્યારબાદ એક વીંઘા જમીનમાં પ્રાયોગિક ધોરણે બાસમતી ભાતનું ઉત્પાદન કેટલું થાય, કેવી રીતે કરી શકાય અને જીવાત તેમજ રોગોની અસર તેના પર કેવી અસર થાય તે જાણવા માટે ઉત્પાદન લેવાનું નક્કી કર્યું હતું.

 તેમણે જુલાઈ માસની શરૂઆતમાં ધરુની રોપણી કરી હતી. તેમણે પોતાના ખેતરમાં જ પાંચ કિલો બિયારણ ધરૂ તરીકે વાવવામા આવ્યું હતું. આ ધરૂ 30 દિવસનું  તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આકાશી વરસાદના પાણીથી કાદવ પાડી જમીન તૈયાર કરી કરવામાં આવી હતી. સ્થાનિક ખેડૂતોની પદ્ધતિથી એટલે કે દોરી પદ્ધતિથી તૈયાર કરેલી જમીનમાં રાસાયણિક ખાતર ડાય જમીનમાં પાડેલા કાદવ સાથે મિક્સ કરી હતી. ત્યારબાદ બાસમતી રાઈસની રોપણી કરવામાં આવી હતી.

રોપણી કર્યાના 20 દિવસ બાદ નિંદામણ કરી વધારાનું ઉગેલા ઘાસને નિંદામણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હસમુખભાઈનો પુત્રએ પણ પિતાને મદદ કરવા બાસમતી પાક વિશે જુદી જુદી માહિતી ઈન્ટરનેટ થકી ભેગી કરી હતી, જેમાં તેણે ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી પિતાને લોકલ ચોખામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા ન પડે, જ્યારે બાસમતીમાં યોગ્ય પાણીનો સંગ્રહ કરવો પડે તેવી માહિતી મળતાં તેમણે આ રીતે પાક લેવાનું શરૂ કરી દીધું હતું. આટલી મહેનત બાદ આજે બાસમતી રાઈસનું ઉત્પાદન જોઈને હસમુખભાઈના મોઢા હાસ્ય ખીલી ઉઠ્યું હતુ.

કારણ કે બાસમતી રાઈસની  ખેતી તેમના માટે ખૂબ જ કારગત સાબિત થઈ હતી. બાસમતીનો પાક તૈયાર થઈ ગયા બાદ સારો ઉતાર જોવા મળ્યો હતો.એક વીંઘામાં કરેલા બાસમતી પાકમાં 60 મણ જેટલો ઉતાર જોવા મળ્યો હતો. જેમાં બાસમતીનો દાણો ભરાવદાર અને વજનદાર જોવા મળ્યો હતો. તેમનું માનવું છે કે આપણા વિસ્તારમાં જો બધા ખેડૂતો ભાતના પાકની સારી જાતો જો રોપવામાં આવે તો આપણને ઘરબેઠા સારી આવક સાથે બાસમતી જેવા ભાત ઘર વપરાશ માટે સહેલાઈથી મળી શકે છે.
બાસમતી રાઈસના ઉત્પાદનમાં સર્વ પ્રથમ એક વીંઘા જમીનમાં ડાય નાંખવામાં આવ્યું જેની માત્રા 50 કિલો હતી. જેનો ખર્ચ આશરે 1200 રૂપિયા થયો હતો. ત્યારબાદ 20 દિવસના તૈયાર થયેલા પાકમાં મિશ્ર ખાતર બે બોરી એટલે કે 100 કિ.ગ્રા. છંટકાવ કર્યો હતો. જેનો ખર્ચ 1600 રૂપિયા થયો હતો અને બીજો ત્રણેક હજારનો ખર્ચ મજૂરીનો ગણીએ તો કુલ ખર્ચો પાંચેક હજારનો થાય છે. તેની સામે એક મણના બાસમતી ભાત 900 રૂપિયા લેખે 18000ની ઉપજ મને માત્ર 90 દિવસમાં એક વીંઘા જમીનમાં મળી હતી. જેનાથી હસમુખભાઈ ખૂબ જ ખુશ છે અને આ વિસ્તારના બીજા ખેડૂતો પણ તેનું ઉત્પાદન કરતા થાય તેવી ઈચ્છા દર્શાવી હતી. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ આ અનુભવ કરવા જેવો ખરો.

ખેડૂતોને પ્રોત્સાહન જરૂરી
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જયા, ગુર્જરી જેવા ભાત થતાં હોવાથી બાસમતી ભાતને આપણા વિસ્તારમાં આવેલી રાઈસમિલોમાં છાટવામાં આવતું નથી, પરંતુ આપણા વિસ્તારમાં બાસમતી રાઈસનું ઉત્પાદન મોટા પાયે લેવામાં આવે તો બાસમતી ડાંગરને છાંટવાની પ્રક્રિયા રાઈસ મિલો કરી શકે છે. તેવું વાંસદા વિસ્તારની એક રાઈસ મિલની મુલાકાત લેતા સમયે માલૂમ પડ્યું હતું. તેમણે નામ નહીં છાપવાની શરતે જણાવ્યું કે જો બાસમતી ચોખાનું ઉત્પાદન આપણા વિસ્તારમાં વધારે કરવામાં આવે તો રાઈસ મિલોમાં આ બાસમતી ચોખાના ડાંગરને છાડવામાં આવશે. આથી આદિવાસી વિસ્તારના ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે તો નહીંવત ખર્ચે આપણે બાસમતી રાઈસનું ઉત્પાદન લઈને ઘણી આવક મેળવી શકીએ તેમ છીએ.

Loading...

Loading...