એશિયાનું સૌથી સ્વચ્છ ગામ મેઘાલયમાં છે

20 Nov, 2014

મોવલિનોંગ (મેઘાલય) – મેઘાલય રાજ્યનું મોવલિનોંગ નાનકડું ગામ છે. અહીં દરેક ઘરમાં શૌચાલય છે. ગામના દરેક રસ્તા પર વાંસની બનાવેલી કચરા ટોપલીઓ મૂકવામાં આવી છે જેથી કોઈ રસ્તા પર કચરો જોવા મળતો નથી. બાળકો ચાર વર્ષની ઉંમરના થાય ત્યારથી જ એમને શીખડાવવામાં આવે છે કે તેમણે એમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી.

મોવલિનોંગ ગામમાં સ્વચ્છતા ઊડીને આંખે વળગે એવી છે. આ ગામમાં માત્ર ૫૦૩ જણની વસ્તી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત ઝુંબેશ કે ક્લીન ઈન્ડિયા કેમ્પેનની જાહેરાત કરી તેના ઘણા પહેલાથી જ મોવલિનોંગ ગામમાં સ્વચ્છતાના પગલાં લેવાઈ રહ્યા છે.

20-11-meh1આ ગામને ૨૦૦૩માં ઈન્ડિયા ડિસ્કવરી મેગેઝિને ‘એશિયાના સૌથી સ્વચ્છ ગામ’નું બિરૂદ આપ્યું હતું.

આ ગામના રહેવાસીઓએ ૨૦૦૭માં જ જાહેરમાં શૌચ પર જવાની પ્રથાને બંધ કરી હતી અને નિર્મલ ભારત મિશન અંતર્ગત તે વખતે પ્રત્યેક ૯૧ ઘરોમાં શૌચાલય બાંધ્યા હતા.

રેમડોર ખોંગોશ્રેમ નામના એક રહેવાસીનું કહેવું છે કે હું મારા નાનપણથી આ ગામને સ્વચ્છ જોઉં છું. ગામને સ્વચ્છ રાખવાની પ્રત્યેક ગામવાસીની જવાબદારી છે.