અમદાવાદઃ ટ્રાફિક નિયમોને પાળશો તો મળશે એક લિ. પેટ્રોલ ફ્રી

16 Nov, 2014

અમદાવાદ પોલીસ દ્વારા એક પ્રભાવશાળી ઓફર આપવામાં આવી રહી છે, જે અનુસાર જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તેમને એક લિટર પેટ્રોલ નિશૂલ્ક આપવામાં આવશે. અમદાવાદના રામોલ વિસ્તારના પોલીસ કર્મીઓ દ્વારા આ પહેલ એટલા માટે કરવામાં આવી છે, જેથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરાય.
આ નવી પહેલ અંગે જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી સોલંકીએ કહ્યું કે, શહેરના રામોલ વિસ્તારમાં અમને 58 જેટલા એવા લોકો મળ્યા કે જેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યાં હતા, તેમને એક લિટર પેટ્રોલ નિશૂલ્ક આપવામાં આવ્યું હતું.

સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જરૂરી દસ્તાવેજો જેમકે લાયસન્સ અને આરસી બૂક તેમજ જે લોકોએ હેલમેટ અને સીટ બેલ્ટ પહેર્યું હતું તેમને અમારા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા આ પગલું લોકોમાં ટ્રાફિક પ્રત્યેની જાગૃતિ લાવવાનું હતું અને લોકો તરફથી સકારાત્મક પ્રતિભાવો પણ મળી રહ્યાં છે. અમે આ ટ્રાફિક જાગૃતિ અભિયાન વધુ ત્રણ દિવસ સવારે આઠ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી ચલાવીશું.

પોતાના આ વિચાર અંગે તેમણે જણાવ્યું કે, આ વિચારને વહેતો મુકવા માટે અમે પહેલા શહેરના બે પેટ્રોલ પમ્પ માલિકોનો સંપર્ક કર્યો અને તેમને અમારી પહેલ અંગે જણાવ્યું, તેમણે અમારી પહેલને આવકારી હતી અને અમને સહયોગ કર્યો હતો.

12 નવેમ્બરના રોજ રખિયાલ પોલીસ મથક દ્વારા એક યુનિક વિચારને વહેતો કરવામાં આવ્યો હતો, જેમાં જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યાં હતા તેમને ગિફ્ટ ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવ્યા હતા.