મોદીનું સફાઈ અભિયાન: વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાતમાં કરી સફાઈ

09 Nov, 2014

આણંદ નજીક લાંભવેલ ગામમાં રવિવારે સવારના વિદેશી વિદ્યાર્થીઓને સફાઇકામ કરતાં જોઇને ગ્રામજનો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. અમેરિકન ફિલ્ડ સર્વિસ (એએફએસ) દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લાંભવેલ ગામમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્રણ કલાક દરમિયાન આખા ગામમાં સફાઇ કરીને સ્વચ્છ બનાવી દેવામાં આવ્યું હતું.એએફએસ દ્વારા લાંભવેલ ગામમાં રવિવારે હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં એએફએસના સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ આવેલા જર્મનીની લેયા, જાપાનની અખિહો,યુએસએની રેમી તથા સ્વીઝરલેન્ડની એના સહિત આણંદ, વિદ્યાનગર અને કરમસદના 50 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.
 
લાંભવેલ ગામના પ્રવેશદ્વારથી સવારના 7.30 કલાકે સફાઇકાર્ય શરૂ કરીને 10.30 કલાક સુધીમાં પૂર્ણ કર્યુ હતું.એએફએસના સભ્ય અને આયોજક મહેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરાઇનો લાંભવેલ ગામમાં સફાઇ કાર્ય કર્યુ હતું. જેમાં વિદેશી વિદ્યાર્થીઓએ વિશેષ રસ દાખવ્યો હતો. તેઓએ પંચાયતના સફાઇ કામદારોને સફાઇકાર્યની પદ્ધતિઓ સમજાવી હતી. તેમજ દુકાનદારોને દુકાન આગળ સ્વચ્છતા રાખવાનું માર્ગદર્શન આપવા સાથે ડસ્ટબીન રાખવા સૂચન કર્યું હતું.

વિદેશી વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકથી ઘણા પ્રભાવિત થયા હતા. પરંતુ ભારતમાં સ્વચ્છતાનો અભાવ તેઓને નિરાશ કરી રહ્યો હતો. તેથી લાંભવેલ ગામમાં જાતે સફાઇ કરીને ગ્રામજનોને સફાઇકાર્ય માટે પ્રેરણા પૂરી પાડવા સાથે સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવી હતી.’ ગામમાં વિદેશી વિદ્યાર્થીઓને સફાઈકામ કરતાં જોઇને ગ્રામજનો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેઓનો ઉદ્દેશ્ય સમજ્યા બાદ ગ્રામજનોએ સંસ્થાને સહકાર આપ્યો હતો. 
 
દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જ્યારે એનઆરઆઈ હબ ગણાતાં આણંદમાં પણ આ ઝુંબેશને આવકારી લેવામાં આવ્યું છે. હવે એનઆરઆઈ સાથે વિદેશી નાગરિકો પણ જોડાઈ રહ્યાં છે, ત્યારે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે.