ગુગલે બદલ્યો LOGO, હવે દરેક પ્રોડક્ટ્સ પર દેખાશે આ નવો LOGO

02 Sep, 2015

 ભારતીય મૂળના સુંદર પિચાઇ ગુગલના સીઇઓ બન્યાની સાથે જ હવે ગુગલમાં નવા નવા ફેરફાર થવાની શરૂઆત થઇ ગઇ છે. આલ્ફાબેટ કંપનીના નેતૃત્વમાં શરૂ થતા ગુગલમાં સૌથી મોટો ફેરફાર લોગોમાં કર્યો છે, ગુગલે પોતાનો LOGO લોગો મંગળવાર રાતથી લૉન્ચ કરી દીધો છે. ગુગલે 17 વર્ષમાં કેટલાય ફેરફારો કર્યા છે પણ આ LOGO બદલવાનો ફેરફાર એ કંપનીનો સૌથી મોટો બદલાવ છે. નવી ડિઝાઇન સાથે બનેલો આ LOGO હવે કંપનીની દરેક પ્રોડક્ટ્સ પર દેખાશે.

 
ગુગલે મંગળવારે રાત્રે પોતાના ઓફિશીયલ બ્લોગમાં આ વાતની માહિતી શેર કરી હતી. હવે ગુગલ ડૉટ કોમ ટાઇપ કરવાની સાથે જ આ નવો લોગો દેખાશે અને સાથે સાથે તેને કેવી રીતે અને કેમ બનાવ્યો છે તેની પણ ખબર પડી જશે.
 
ચાર રંગોવાળા 3D લેટર 
 
ગુગલે આ નવા LOGOમાં ચાર રંગોવાળા 3D લેટરનો ઉપયોગ કર્યો છે. આમાં બે અક્ષર વાદળી, બે અક્ષર લાલ, એક પીળો અને એક લીલો અક્ષરનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત કંપનીએ ગુગલના છેલ્લા અક્ષર "ઇ"ને થોડો વાંકો કર્યો છે.
 
ગુગલની દરેક પ્રોડક્ટ્સ પર દેખાશે આ LOGO 
 
ગુગલે પોતાના આ નવા LOGOમાં થયેલા ફેરફાર વિશેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દેખાડ્યું છે કે છેલ્લા 17 વર્ષોમાં ગુગલે કયા કયા ફેરફારો કર્યા છે.
 
ગુગલ ક્રોમમાં પણ ફેરફાર
 
LOGOમાં ફેરફાર કર્યાની સાથે ગુગલે 1 સપ્ટેમ્બરથી પોતાના ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં પણ ફેરફાર કર્યો છે. કંપનીએ ક્રોમ ચલાવનારા ફ્લેશ કન્ટેન્ટ કે જેમાં એડ વગેરે વગેરે વસ્તુઓ આવતી હતી તેને બાય ડિફોલ્ટ બ્લોક કરી દીધું છે.