મૃત્‍યુ પછી પણ પાંચ દેહમાં રાજકોટની ‘હિરલ' જીવંત છે

08 Nov, 2014

ભગવાને માણસના દેહની રચના એ રીતે કરી છે કે, મૃત્‍યુ બાદ પણ તે અન્‍યના ઉપયોગમાં આવી શકે. રાજકોટનાં હીરલ પાનસેરિયાએ બીમારીની ટૂંકી સારવારમાં પોતાનો જીવ ગુમાવ્‍યો પણ તે આજે પાંચ વ્‍યક્‍તિઓના દેહમાં એક અંગ રૂપે અને સ્‍મરણ રૂપે જીવંત છે. મૃત્‍યુબાદ હીરલની બે આંખ, બે કિડની અને એક લિવર અન્‍ય જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરાતાં આ પાંચ વ્‍યક્‍તિઓનું જીવતર સુધરી ગયું છે.

   પ્રસિદ્ધ ભજન ‘મર કર ભી અમર નામ હૈ, ઉસ જીવ કા જગ મેં'ની પંક્‍તિ હીરલના જીવન સાથે બિલકુલ બંધ બેસતી આવે છે. રાજકોટની ૨૮ વર્ષીય હીરલ અને અલ્‍પેશભાઈના લગ્નને માત્ર હજુ બે વર્ષ થયાં હતાં. હીરલ અતિશય એનિમિક હોવાથી તેમનામાં આયર્નની ઉણપ હતી. આ ઉણપ પૂરી કરવા માટે તેને સુક્રોઝનું ઇન્‍જેકશન અપાયું હતું, પરંતુ આ ઇન્‍જેકશનનું કોઇ કારણોસર રિએક્‍શન આવતાં હીરલનું હૃદય બંધ પડી ગયું હતું અને તે કોમામાં ચાલી ગઇ હતી.

   હીરલના પતિ અલ્‍પેશભાઈ પોતે ડોક્‍ટર છે. તેઓ હીરલનું બંધ હૃદય ફરીથી શરૂ કરવામાં સફળ થયા, પરંતુ તે દરમિયાન લગભગ ૩ મિનિટ સુધી મગજને ઓક્‍સિજન ન મળવાને કારણે હીરલનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું. આવી પરિસ્‍થિતિમાં હીરલના પિતા સવજીભાઈ અને પતિ અલ્‍પેશભાઈએ મન કઠણ કર્યું અને હીરલના જુદાં જુદાં અંગો દાન કરવાનો એકદમ ત્‍વરિત અને સમયસર નિર્ણય કર્યો. રાજકોટની ખાનગી હોસ્‍પિટલના ડોક્‍ટર દિવ્‍યેશે અમદાવાદની ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ કિડની ડિસિઝ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર - ડો. એચ.એલ.ત્રિવેદી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન સાયન્‍સનો સંપર્ક કર્યો અને IKDRC-ITCના ડોક્‍ટરોની ટીમ હીરલનાં અંગો પ્રોક્‍યોર કરવા રાજકોટ પહોંચી ગઈ હતી.

   હીરલની બંને આંખોને રાજકોટની સ્‍થાનિક આંખની હોસ્‍પિટલમાં ડોનેટ કરવામાં આવી અને તેની બે કીડની અને લીવર અમદાવાદ લાવવામાં આવ્‍યા હતા. એક કીડની ૩૦ વર્ષીય મહિલાને આપવામાં આવી અને બીજી કિડની ૫૦ વર્ષીય પુરુષ દર્દીને મળી છે. જયારે તેનું લીવર ૩૪ વર્ષીય એક યુવાનને આપવામાં આવ્‍યું છે. હાલ આ ત્રણે દર્દીઓની તબિયત વણસતી અટકી ગઈ છે અને તેઓ દરેક શ્વાસે સ્‍વર્ગસ્‍થ હીરલ અને તેમના જાગૃત સ્‍વજનોનો આભાર માની રહ્યા છે.

   ૩૦ દર્દી જીવનની રાહ જુએ છે

   દર્દીની બંને કીડની ફેલ થઈ હોય તો દર્દીને ડાયાલિસિસની સારવાર આપી શકાય છે, પરંતુ લીવરના દર્દીઓ માટે ડાયાલિસિસ જેવી કોઈ સુવિધા શક્‍ય નથી. સમયસર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવામાં ન આવે તો લીવર ફેલ થવાના કારણે દર્દીનું અવસાન થઇ શકે છે. બીજા વિકલ્‍પ તરીકે લીવર ફેલ્‍યોરના દર્દીને જીવાડવા માટે સગાસંબંધી પોતાનું અડધું લિવર દર્દીને દાનમાં આપી જીવન બચાવી શકે છે. જે દર્દીને કુટુંબમાંથી કોઈ લિવર આપી શકે એમ ન હોય અને તેની પાસે કેડેવર લીવર મેળવવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ ન હોતો નતી. અમદાવાદની સિવિલ હોસ્‍પિટલના કેમ્‍પસમાં આવેલી IKDRC-ITCમાં આવા ૩૦ દર્દીઓ હાલ કોઇના લિવર દાનની રાહ જોઇ રહ્યા છે.

   સ્‍વજનના મૃત્‍યુ સમયે  યોગ્‍ય નિર્ણય કરો...

   સમાજમાં ભણેલા ગણેલા વ્‍યક્‍તિઓ એક્‍સિડેન્‍ટલ ડેથના સમયે અંગદાનનો સમયસર નિર્ણય કરે તો હીરલ જેવું અમરત્‍વ મેળવી શકે છે. કિડની અને લિવર ફેલ થવાના દર્દીઓમાં વધારો થઈ રહ્યોં છે. હાલમાં IKDRC-ITCમાં ૪૦૦ દર્દીઓ કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે વેઈટિંગમાં છે. સ્‍વર્ગ અને નર્ક પૃથ્‍વી પર જ છે, વ્‍યક્‍તિના મૃત્‍યુ બાદ પરિવારે મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિને કયાં મોકલવી છે તે નક્કી કરી શકે છે, તેમ પ્રોફેસર એન્‍ડ HOD - યુરોલોજી એન્‍ડ ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન સર્જરી ડો. પ્રાંજલ મોદીએ જણાવ્‍યું હતું.