ભુજનો આજે ૪૬૭મો જન્મદિવસ : હેપ્પી બર્થ-ડે ડિયર ભુજ

27 Nov, 2014

ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું એક વખતની કચ્છની રાજધાની એવું ભુજ આજે તેનો ૪૬૭મો જન્મદિવસ ઉજવશે. પોણા પાંચ સદીની ભુજની સફર વિશે ઘણું બધુ કહેવાઈ ગયું છે. અનેક આસમાની સુરતાની અને માનવ સર્જિત થપાટો ખાધા બાદ પણ એ જ ખુદારી, એ જ ખુમારી અને એ જ જિંદાદિલીથી નગરથી મહાનગર તરફનું પ્રયાણ થઈ રહ્યું છે અને ભુજિયા ડુંગરની સાક્ષીએ અહીં અનેક ઈતિહાસ રચાયા છે. ગાથાઓ ગવાઈ છે તેમજ સતત પરિવર્તનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ભુજના જન્મદિવસે પરંપરાગત ખીલીપૂજન હવે સીમિત થઈ જાય તે પહેલાં શહેરીજનો પોતાનો જ પ્રસંગ સમજે તે પણ જરૃરી છે. ભુજમાં વિકાસની સાથો સાથ ઘણી બધી ખૂટતી કડીઓ પણ છે, જો તેની પૂર્ણતા થાય તો શહેર આગવી ઓળખ મેળવે તે દિવસો દૂર નહીં હોય. મોગલ સૈન્યની ચડાઈ હોય કે સિંધ તરફ થતા આક્રમણ હોય જેનો સામી છાતીએ ભુજના લોકોએ સામનો કર્યાે છે. અનેક વખત પડીને ટટ્ટાર ઊભું રહ્યું છે. ભુજના હરણફાળ વિકાસની વાત કરીએ તો ધરતીકંપ પછી જાણે કિસ્મત ખુલ્લી ગયા હોય તેમ અનેકાનેક વિકાસકામો થયા છે. પુનઃવસન વખતે બનેલા વિશાળ રસ્તાઓ અને તેની સમીપે રિંગરોડ હોઈ શહેરની સુખાકારી માટે ઉપયોગી બન્યા છે. પ્રવાસનના વિકાસ સાથે રોજગારીની નવી તકો ખૂલી તો નજીકના સ્થળોમાં સ્થપાયેલા ઉદ્યોગના કારણે ધંધા-વ્યાપાર પણ બળવત્તર બન્યા જેની સીધી અસર જોવા મળી અને લોકો આર્થિક રીતે સદ્ધર થવા લાગ્યા, ભૌતિક સુખ સુવિધામાં વધારો થયો, વાહન વ્યવહારો વધ્યા, કોર્પાેરેટ કંપનીઓના અધિકારીઓની અવરજવરથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હોટલ-ઉદ્યોગ પણ વિકસ્યો, શહેરમાં જોવાલાયક સ્થળોનો વિકાસ થયો, હિલગાર્ડન હોય કે સ્વામિનારાયણ મંદિર હોય અસંખ્ય લોકો તેની મુલાકાતે આવે છે. શહેરના હ્ય્દય સમા હમીરસર તળાવની પાળે વોક-વે પણ બન્યો, જ્યાં લોકો શહેર છોડી જતા રહેતા હતા ત્યાં રોકાણ પુનઃ શરૃ થયું. ખાસ કરીને કચ્છીઓની આ મામલે વિચારસરણી બદલી પરિણામે કલ્પનાતિત ભાવ એવી જમીનના ઉપજવા લાગ્યા. જેની તરફ કોઈ નજર સુદ્ધાં કરવા તૈયાર નહોતા અને બાંધકામ ક્ષેત્રે તેજીનું સામ્રાજય રહ્યું. આ તો થઈ ભુજના વિકાસની વાત. હવે નગરથી મહાનગરની ઓળખ માટે જે ખૂટતી કડીઓ છે તેના તરફ નજર કરીએ તો જિલ્લા મથક હોવા છતાં ભુજમાં આરોગ્ય ક્ષેત્રે સુવિધા માટે ઝંખવું પડે છે. ઘણા બધા દર્દીઓને રાજકોટ અથવા તો અમદાવાદ ખસેડવા પડે છે. શહેરની પ્રાથમિક સુવિધામાં પણ ઘણી બધી ખૂટતી કડીઓ છે. હ્ય્દયસમા હમીરસરનું જોઈએ તેવો વિકાસ નથી થયો. વોક-વેની હાલત હજુ સુધી સુધારવામાં આવી નથી. જિલ્લા કક્ષાના મથકમાં જે પ્રમાણેનું બસ સ્ટેન્ડ હોવું જોઈએ તેની પણ સુવિધા નથી. કચ્છ જોવા સેંકડો લોકો જિલ્લા મથકે આવે છે ત્યારે બસ સ્ટેશનની અને તેની પાસેના વિસ્તારની હાલત જોઈ એક નકારાત્મક છાપ મનમાં લઈ જાય છે. કચ્છ જોવા આવતા પ્રવાસીઓને સુવિધા સાચવવા માટે તંત્ર દ્વારા જોઈએ તેવી કામગીરી થઈ નથી. ટ્રાફિક વ્યવસ્થા હોય કે પછી પાણી જેવી પ્રાથમિક સુવિધા જે માટે નગરજનોને રીતસર પરેશાની ભોગવવી પડે છે. અમુક વસ્તુની પરિપૂર્ણતા થાય તો ભુજને મહાનગર બનતા કોઈ રોકી શકે નહીં, જો પૂરતું ઈન્ફ્રાસ્ટ્રકચર મળે તો અહીં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બની શકે તેમાં કોઈ બેમત નથી. જરૃર છે એક માત્ર નિર્ધારની અને સારા શહેરીજન હોવાની કટિબદ્ધતા પુરવાર કરવાની. જો ભુજવાસીઓ નક્કી કરે કે અમારે આ જોઈએ તો તે નિર્ધાર પરિણામમાં પલટાઈ શકે. કારણ કે, પોણા પાંચ સદીનો ઈતિહાસ પણ આવું જ કહે છે. ત્યારે આજ અને આવતીકાલ પણ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે પોતાનું સ્થાન ચોક્કસ લેશે.

Loading...

Loading...