જુનાગઢના સ્ટુડન્ટે કરી દેશમાં કોઈએ ન કરી હોય એવી શોધ

04 Feb, 2015

જુનાગઢનાં એક ઇજનેરી છાત્રએ માનવીનાં ડીએનએ પ્રોફાઇલીંગની સરખામણી ઝડપથી કરી શકે એવું સોફ્ટવેર વિકસાવ્યું છે. આની મદદથી માત્ર ૧૦ સેકન્ડમાં ડીએનએ ટેસ્ટ કરી પરિણામ મેળવી શકાશે.

જુનાગઢની નોબલ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા નિકુંજ શ્યામકુમાર કારીયાને એક વિચાર આવ્યો કે કેદારનાથમાં થયેલી હોનારત વખતે હજારો લોકોનાં મોત થયા બાદ વિકૃત થઇ ગયેલા મૃતદેહોની ઓળખ મેળવવા માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવે. તેણે આખરે એવું સોફ્ટવેર તૈયાર કર્યું જેનાથી માત્ર થોડીક જ મિનીટ માં ડીએનએનો રિપોર્ટ અને વ્યક્તિની ઓળખ મેળવી શકાય. આ સોફ્ટરવેરને તેણે ડીએનએ પ્રોફાઇલ ટુલ નામ આપ્યું છે. હાલ ડીએનએ પ્રોફાઇલની સરખામણી મેન્યુઅલી કરવામાં આવે છે.

આ સોફ્ટવેર શોર્ટ ટેન્ડમ રિપીટ વેલ્યુ પર સરખામણી તેમજ પ્રોસેસ કરી શકે છે. નિકુંજ આ સોફ્ટવેરની પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સોફ્ટવેર માત્ર સરખામણી કરવા પૂરતો જ નહીં પરંતુ તેનો ઉપયોગ નેશનલ ડીએનએ ડેટા બેઇઝ ક્રિએટ કરવા માટે પણ થઇ શકે એમ છે. એનો ઉપયોગ આનુવંશિકતાની સરખામણી કરવા, ગેંગરેપ સિવાયનાં રેપકેસ, અજાણ્યા મૃતદેહની ઓળખ તેમજ ગુનેગારોની ઓળખ મેળવવા પણ થઇ શકે છે.

માત્ર ડિગ્રી અને પૈસા કમાવા માટે ભણતા વિદ્યાર્થીઓને આ નિકુંજે દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની સાચી દિશા કંડારી આપી છે.