માનવતાની મહેક : જાત વેચવા મજબૂર યુવતીને USમાં રહેતા ગુજરાતીએ મદદની તત્પરતા દર્શાવી

28 Nov, 2014

સરકારના મહિલા સશકતીકરણના પ્રયાસો વચ્ચે લકવાગ્રસ્ત માતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા પિતાની સારવાર તથા પરિવારનું ગુજરાન ચલાવવામાં આર્થિક  સંકડામણ અનુભવી રહેલી વડોદરાની યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાની જાતના સોદો કરતું લખાણ મુકવાની નોબત આવી છે. આ યુવતીની હ્રદયદ્રાવક કથનીનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા બાદ વાઘોડિયા રોડ વિસ્તારના નિવૃત્ત નાગરિકોના સંગઠન વડીલ વિસામા દ્વારા યુવતીને તમામ મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં દિવ્યભાસ્કરના અમેરિકાના વાંચકે પણ ઓનલાઈન સમાચાર વાંચ્યા બાદ દિવ્યભાસ્કરને ફોન કરીને યુવતીને મદદ કરવાની તત્પરતા દાખવી હતી.
 
શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી એક યુવતીએ આર્થિક સંકડામણથી ત્રસ્ત બનીને પોતાની જાતનો સોદો કરતું લખાણ સોશિયલ મીડિયામાં લખ્યુ હતુ. લકવાગ્રસ્ત માતા અને થોડા સમય પહેલા પડી જવાથી ઘાયલ થયેલા પિતાની અવસ્થાના કારણે આ યુવતીને નોકરી છોડી દેવી પડી હતી જેથી ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. માતા પિતાની સારવારનો ખર્ચ અને ગુજરાન ચલાવવા માટે નાણાંની તંગી ઉભી થઇ હતી. આ યુવતીએ આર્થિક સંકડામણમાં આવીને આખરે પોતાના શરીરનો સોદો કરતું લખાણ સોશિયલ મીડિયામાં લખ્યુ હતું.
 
યુવતીની હ્રદયદ્રાવક સ્થિતિ અંગે બુધવારે દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.આ અહેવાલ વાંચીને વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી સિનિયર સિટીઝન્સની સંસ્થા વડીલ વિસામો દ્વારા યુવતીને તમામ પ્રકારની મદદની જાહેરાત કરવામાં આવી છે. વડીલ વિસામો સંસ્થાના રમેશ શાહે જણાવ્યું હતું કે દિવ્ય ભાસ્કરમાં આ યુવતી અંગેનો અહેવાલ વાંચ્યા બાદ વડીલ વિસામો દ્વારા યુવતીને જે મદદની જરુર હશે તે મદદ આપવાનું નક્કી કર્યુ છે. અમે શુક્રવારે આ યુવતીના ઘેર જઇશું અને જે જરૂર હશે તે મદદ આપવા પ્રયાસ કરીશું.

આ યુવતિ આ વિસ્તારમાં પ્રાણીઓના કલ્યાણ માટે વરસોથી કાર્ય કરતી રહી છે. રખડતા- ભટકતા પશુઓનું પાલન પોષણ કરવાની સાથે તેમને ભોજન પણ પુરુ પાડતી રહે છે. અને સમાજસેવીકા તરીકે પણ નામ ધરાવે છે. જો કે આજે એવી પરીસ્થીતી આવી છે કે તેને જ સમાજની મદદની જરૂર ઉભી થઇ છે. આ યુવતીએ બુધવારે જણાવ્યું હતુ કે તેણે જે પગલું ભર્યુ છે તે યોગ્ય નથી. પરંતુ  આ સિવાય તેની પાસે અન્ય કોઇ વિકલ્પ ન હતો. મદદ મળતી રહેશે તે તો તે કયારેય આવું કામ નહી કરે. હવે યુવતીને મદદ માટેના કોલ આવવાના શરૂ થયા છે.
 
દિવ્ય ભાસ્કરના અમેરિકાના વાચકે પણ ફોન કરીને મદદની તત્પરતા દર્શાવી
આ યુવતિની દર્દનાક કથની દિવ્ય ભાસ્કરમાં પ્રસદિ્ધ થયા બાદ મૂળ વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા અને હાલ અમેરિકામાં રહેતા ધર્મેન્દ્ર છાયાએ દિવ્ય ભાસ્કરની ઓન લાઇન એડિશનમાં યુવતીનો અહેવાલ વાંચ્યો હતો અને તેઓ લાગણીશીલ બની ગયા હતા. તેમણે ગુરુવારે દિવ્ય ભાસ્કરને ફોન કરીને આ ઘટના અંગે ઉંડું દુ:ખ વ્યકત કરી ભારપૂર્વક જણાવ્યું હત઼ુ કે તેમણે યુવતીને મદદ કરવાની તત્પરતા બતાવી હતી અને જણાવ્યુ હતુ કે યુવતીને તેના કુટુંબના નિભાવ માટે  જે જરુર હશે તે તમામ મદદ કરવા હું તૈયાર છું.
 
મને જાણકારી નથી : આનંદીબહેન પટેલ
શહેરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી આનંદી બહેન પટેલને પત્રકારોએ જ્યારે પુછ્યુ કે શહેરની એક યુવતીએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાની જાતને સોશ્યિલ મિડિયા પર વેચવા માટે કાઢી છે આ અંગે શુ પ્રતિક્રિયા આપશો. જેના જવાબમાં આનંદી બહેન પટેલે મને જાણકારી નથી તેમ કહ્યું હતું.