સિડની : મોદીની કોમ્યુનિટી રિસેપ્શન ઇવેન્ટ 10 દિવસ પહેલાં જ હાઉસફૂલ, ક્ષમતા કરતાં વધુ રજિસ્ટ્રેશન

07 Nov, 2014

અમેરિકામાં રહેતા NRIsએ વડાપ્રધાન મોદી માટે મેડિસન સ્ક્વેર ગાર્ડન સ્ટેડિયમ ખાતે ભવ્ય સત્કાર સમારંભ યોજ્યો હતો. કંઇક આવા જ પ્રકારના ભવ્ય કોમ્યુનિટી રિસેપ્શનની તૈયારી પીએમની ઓસ્ટ્રેલિયા વિઝિટ દરમિયાન સિડની ખાતે કરવામાં આવી છે. સિડની ઓલિમ્પિક પાર્કના ઓલફોન્સ એરિનાને 17મી નવેમ્બરે મોદીના ગ્રાન્ડ કોમ્યુનિટી રિસેપ્શન માટે બુક કરવામાં આવ્યું છે. કોમ્યુનિટી રિસેપ્શન ઇવેન્ટ માટે તૈયાર કરવામાં આવેલ વેબસાઇટ www.PMvisit.org.au અનુસાર, સિડની ઓલિમ્પિક પાર્ક ખાતે આયોજિત મોદીના ગ્રાન્ડ કોમ્યુનિટી રિસેપ્શનની ઇવેન્ટ હાઉસફુલ થઇ ચૂકી છે. ઓલફોન્સ એરિનાની ક્ષમતા 21,000 લોકોની છે જ્યારે ઇવેન્ટમાં હાજર રહેવા માટે 27,541 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
 
14,808 ટિકિટોની ફાળવણી થઇ ગઇ
 
PMvisit.org.auના ફેસબુક પેજ પર આપવામાં આવેલ માહિતી અનુસાર, ઇવેન્ટના આયોજનમાં 200થી વધુ સામાજિક સંસ્થાઓ જોડાઇ છે તથા ઇવેન્ટ માટે 27,541 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સિડની ખાતે મોદીની કોમ્યુનિટી રિસેપ્શન ઇવેન્ટનું આયોજન ઓસ્ટ્રેલિયા સ્થિત સ્વૈચ્છીક સંસ્થા ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન કોમ્યુનિટી ફાઉન્ડેશને કર્યું છે. ફેસબુક પેજ પરની પોસ્ટ અનુસાર, સિડની ખાતેની ઇવેન્ટની 14,808 જેટલી ટિકિટોની ફાળવણી થઇ ચૂકી છે.
 
મોદીનું ગ્રાન્ડ કોમ્યુનિટી રિસેપ્શન  સિડની ઓલિમ્પિક પાર્ક ખાતે 17મી નવેમ્બરે બપોરે 4 કલાકે યોજાશે.
 
28 વર્ષો પછી ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે
 
મોદી 15-18 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. મોદી 15 અને 16 નવેમ્બરના રોજ બ્રિસ્બેન ખાતે આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા જવાના છે. છેલ્લે 1986માં રાજીવ ગાંધીએ ભારતના વડાપ્રધાન તરીકે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. બાદમાં કોઇ પણ ભારતીય વડાપ્રધાને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી ન હતી. આમ, લગભગ 28 વર્ષો બાદ પહેલીવાર કોઇ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે.