Gujarat

તો ભૂજ આપશે ગોવાને ટક્કર: ‘હોમ સ્ટે’ દ્વારા કચ્છીઓ કરશે કરોડોની કમાણી

રાજ્ય સરકારે ગુજરાતમાં આવતા પ્રવાસીઓને ઓછા દરે સગવડતા, ઘર જેવો માહોલ તથા સંસ્કૃતિના આદાન-પ્રદાન હેતુથી "હોમ સ્ટે આવાસ યોજના’ 20 નવેમ્બરના જાહેર કરી છે, ત્યારે અન્ય રાજ્યોની જેમ ભુજના લોકો પણ આ આઇડિયાને અપનાવી લે, તો વેરાઓમાં રાહત સાથે આવક પણ રળી શકે એમ છે.

ગત વર્ષે કચ્છમાં દોઢ લાખથી પણ વધુ પ્રવાસી આવ્યા હતા, ત્યારે તેઓની ઘરમાં જ મહેમાનગતિ કરવા તરફ લોકો વિચારે તે કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે અગત્યનું પરિબળ સાબિત થશે. ભુજ 466 વર્ષેની તડકી છાંયડી જોઇને 467માં વર્ષેમાં આજે પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે ભવિષ્યના તેના પ્રવાસનક્ષેત્રના વિકાસને જોતા આ તબક્કે "હોમ સ્ટે’ને અપનાવાય, તો રાજસ્થાન, ગોવા જેમ રોજગારીની નવી તકો ઊભી થશે.

સરકારની પોલિસીમાં શું છે

વિદેશી, રાજ્ય બહારના કે જિલ્લા બહારના પ્રવાસીઓ સાથે સંસ્કૃતિનું આદાન-પ્રદાન થઇ શકે, પ્રવાસન સ્થળો પર યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા તથા યોગ્ય દરે શ્રેષ્ઠ સગવડ મળી રહે, તે હેતુથી હોમ સ્ટે પોલિસી બનાવાઇ છે, જે મુજબ આ પ્રકારની સગવડ આપતા ઘરોના રજિસ્ટ્રેશન કરાશે તેમજ તેઓનો સર્વે કરીને સગવડતા મુજબ તેને સિલ્વર અને ગોલ્ડ એમ બે કેટેગરી અપાશે. આ યોજનામાં જોડાવા ઇચ્છતા લોકોને લક્ઝરી ટેક્સ અને વેલ્યુ એડેડ ટેક્સ માફીનો લાભ મળવાપાત્ર થશે, જ્યારે વીજબિલ, મ્યુનિ.વેરો, મિલકત વેરો, પાણી વેરો પણ ડોમેસ્ટિક દરે જ વસૂલ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન સ્થાનિક પ્રવાસન વિભાગમાં કરાવવાનું રહેશે, જેથી હોમ સ્ટેની સંપર્ક વિગતો અને એડ્રેસ વેબસાઇટ પર તંત્ર મૂકી શકે. નાગરિકોએ પોલીસ તપાસ પણ કરાવવાની રહેશે.

"હોમ સ્ટે’ના ફાયદા
-  જે લોકો કચ્છ બહાર વસે છે કે એકલા છે ને ઘર મોટું છે, તેઓ પોતાના ઘરમાં એકથી વધુ રૂમ સ્ટે માટે ફાળવી શકે છે.
-  રોકાતા પ્રવાસીઓને નાસ્તા, ભોજન કે અન્ય સગવડતા પ્રમાણે ચાર્જ કરવાથી એક આવક ઊભી થશે.
-  આખું વર્ષ મકાન ભાડે આપવાથી જેટલી આવક થતી હોય તેટલી કે વધુ આવક પ્રવાસીઓની સીઝનમાં રળી શકાય છે.
-  રહેણાકની સુવિધા સાથે અન્ય વધારાની સુવિધા આપવાનો બિઝનેસ પણ ખુદ મકાનમાલિકો વિકસાવી શકે છે.
-  વિદેશી, રાજ્ય કે અન્ય જિલ્લાના યાત્રિકો સાથે ભાઇચારાની ભાવના, સંસ્કૃતિનું આદાન-પ્રદાન તથા નવા સંબંધો વિકસી શકે છે.
-  ધસારાના દિવસોમાં રહેવાના વિકલ્પો મળી રહેતાં યાત્રિકો વધશે, જેથી કચ્છની ઇકોનોમી ઉંચી જશે.

શું  છે ગેરફાયદા

-  હોમ સ્ટેની સુવિધા આપનારાઓને ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જેથી પોલીસ ચકાસણી થાય નહીં તો અસામાજિક તત્ત્વો આવા રહેવાસીનો ઉપયોગ કરી શકવાની શક્યતા નકારી શકાતી નથી.
-  રોકાણ કરનારા દરેક પ્રવાસીઓની વિગતો પોલીસ સ્ટેશનમાં નિયમિત પહોંચાડવી જેથી કોઇ અઘટિત ઘટનાની શક્યતા નિવારી શકાય.

એક ટ્રસ્ટે હોમ સ્ટેને આપ્યું હતું ઉત્તેજન
પશુ-પંખી ગૌચર સમિતિ દ્વારા બે વર્ષ પહેલાં કચ્છમાં હોમ સ્ટે માટે લોકો જાગૃતો થાય અને આવક ઊભી કરી શકે, તે હેતુ જાગૃતિ અભિયાન aશરૂ કરાયું હતું. આ અભિયાનની સાર્થકતા વિશે સમિતિના પ્રમુખ અને પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, અમે થોડો સમય આ અંગે કામગીરી કરી હતી, તેના પરિણામે અનેક એડ્રેસ અમને હોમ સ્ટે માટે મળ્યા હતા, તે સરનામા સહિતની વિગતો અમે અમારી વેબસાઇટ પર મૂકી હતી, જો માધ્યમો દ્વારા આ  મુદાને છેડીને લોકોને જાગૃત કરાય, તો ધીમે ધીમે કચ્છમાં ઘરની  મહેમાનગતિ  માણતા પ્રવાસીઓનો ટ્રેન્ડ સો ટકા સ્થાપિત થઇ જશે.

બન્ની-પચ્છમમાં છે હોમ સ્ટે

ભુજ કે અન્ય વિસ્તારના શિક્ષિત લોકો કચ્છમાં પ્રવાસન ઉદ્યોગના વેગની ઉજળી બાજુને પારખીને આવક રળવાની સૂઝ નથી કેળવી શક્યા, પણ બન્ની-પચ્છમના અશિક્ષિત લોકો સમયની સાથે તાલ મિલાવીને છેલ્લા 3-4 વર્ષથી વધારાના નવા ભૂંગાં બનાવીને પર્યટકોને રહેવા-જમવા સહિતની સુવિધા ઘરઆંગણે આપી રહ્યા છે. હાલે રણોત્સવ નજીક આવી રહ્યો છે, ત્યારે સફેદરણ તરફના લોકો ભૂંગાઓને સજાવા-ધજાવવા લાગી ગયા છે.

...તો યાત્રિકોને મળે વધુ વિકલ્પો, દિવાળી-નાતાલમાં હોય છે હાઉસફૂલ

ભુજમાં ઓક્ટોબર-ડિસેમ્બર માસમાં ભુજની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ ધાર્મિક કે જ્ઞાતિના ઉતારા હાઉસફૂલ હોય છે, ત્યારે પ્રવાસીઓને 2થી 3 કલાક માટે ન્હાવા-ધોવા માટે પણ કોઇ વ્યવસ્થા નસીબ થતી નથી. આવા સમયે વિકલ્પમાં ભુજમાં જો હોમ સ્ટે ઉપલબ્ધ હોય, તો કચ્છમાં ધસારાના દિવસોમાં પણ વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય. કચ્છમાં રહેવાની જગ્યા ટૂંકી પડતાં પર્યટકો સીઝનમાં આવવાનું ટાળી રહ્યા છે.

 
વધારાની આવક મેળવવા  ગાઇડ તરીકે  પણ ઘરની  વ્યક્તિ  કામ  કરી શકે

ઘરે પ્રવાસીઓને રહેવા-જમવાની સગવડ વિકસાવવા સાથે બીજી આવક પણ કરી શકાય છે, તે છે ગાઇડની. કચ્છમાં ગાઇડોનું પ્રમાણ રાજસ્થાન, ગોવા કે અન્ય રાજ્યોના પ્રવાસન સ્થળ કરતાં જુજ છે, ત્યારે હોમ સ્ટેનું સંચાલન કરનારા ગાઇડ તરીકે પણ સેવા આપી શકે છે, તે સાથે વાહનની સુવિધા અપાવવાથી લઇને અન્ય જગ્યાઓ પર સગવડ અપાવવાના સંપર્કો કેળવીને વધારે રોજગારી રળી શકે છે. આ કામ નિવૃત્તો કે યુવાનો આસાનાથી કરી શકે છે, જેથી તેઓને પ્રવૃત્તિ સાથે આવક પણ મળી રહે.

Releated News