Gujarat

જાન્યુઆરીમાં મોદી લેશે અમદાવાદની મુલાકાત, તંત્રએ આરંભી તૈયારીઓ

રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરીમાં વર્લ્ડ ટુરીસ્ટ ડેની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદેશીમાં વસતા ભારતીયો અમદાવાદની મુલાકાત લેશે. જેને પગલે તંત્ર દ્વારા અત્યારથી તૈયારીઓનું આયોજન કરી દેવાયું છે.
 
7 થી 13 જાન્યુઆરી ફ્લાવર શોનું આયોજન
 
અમદાવાદ કોર્પોરેશન દ્વારા દર વર્ષે 25 થી 29 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરાય છે જો કે આ વખતે રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ ટુરિસ્ટ ડે નિમિતે અમદાવાદ આયોજીત કાર્યક્રમને પગલે ફ્લાવર શો 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે યોજાશે. જેમાં પણ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. ગત વર્ષે 7.50 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
 
આ વર્ષે વર્લ્ડ ટુરિસ્ટ ડે પ્રસંગે મોટીસંખ્યામાં અમદાવાદની મુલાકાતે આવનારા એનઆરઆઈ પણ ફ્લાવર શોની મુલાકાત લે તેવો અંદાજ છે. લોકોને સંખ્યાને જોતા અને આયોજનના ખર્ચને પહોંચી વળવા માટે કોર્પોરેશન 10 રૂપિયા પ્રવેશ ફી તેમજ પાર્કિગ માટે પણ ચાર્જ વસુલશે.

ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી
 
ગુજરાતમાં જાન્યુઆરીમાં પ્રથમવાર યોજાનાર પ્રવાસી ભારતીય દિનની ઉજવણી ગાંધીજીના સ્વદેશ પરત ફરવાના 100 વર્ષની થીમ ઉપર કરાશે. દેશમાં દર વર્ષે યોજાતા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં વર્ષે ગુજરાત યજમાન બનવાનું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 7થી 9 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ઉજવણી થશે.  પ્રવાસી ભારતીય દિવસના આખરી દિવસે એટલેકે તા.૯મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી વિશેષ પ્રવચન આપશે. ૭-૯ જાન્યુઆરી ૨૦૧૫ દરમિયાન ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરના કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં એનઆરઆઈ,એનઆરજી સહિત લોકો ઉપસ્થિત રહેશે.
 
11મીથી 13 જાન્યુ. 2015 વાઈબ્રન્ટ સમિટ
 
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જે વાઇબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટને વૈશ્વિક નકશા પર મૂકી દીધી તેની સાતમી આવૃત્તિને તેમની ગેરહાજરીમાં પણ એટલી જ સફળ બનાવવા રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ આદરી છે.વાઇબ્રન્ટ સમિટ 2015ના ઉદઘાટનના દિવસે સાત પાર્ટનર કન્ટ્રીઝના ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિઓ તો હાજર રહેશે જ સાથે જ ચીન અને અમેરિકા પણ તેમાં જોડાશે.

જાન્યુઆરીમાં રાજ્ય સરકારની આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સૌપ્રથમ વાર અમેરિકા ભાગીદાર દેશ બનવા તૈયાર થયો છે. અમેરિકન કોન્સ્યુલેટ જનરલે મુંબઈથી પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના આમંત્રણને માન આપીને અમેરિકા જાન્યુઆરી 2015માં ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં એક પાર્ટનર દેશ તરીકે ભાગ લેશે.’
 
અમેરિકાના આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્ટેમ્બરમાં લીધેલી અમેરિકાની મુલાકાતની ફળશ્રુતિ તરીકે જોવામાં આવે છે. મોદી અને ઓબામા વચ્ચે થયેલી મુલાકાતના અંતે બંને દેશો વચ્ચેના વ્યાપારને વધારવા માટે જરૂરી પગલાં ભરવા અંગે સંમતિ સધાઈ હતી. બંને દેશના નેતાઓ સંમત થયા હતા કે ટકાઉ, સર્વ સમાવેશક અને રોજગાર પેદા કરી શકે તેવા વિકાસને પ્રાપ્ત કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોની ભૂમિકા મહત્ત્વની છે.
 
અમેરિકન કોન્સ્યુલેટ જનરલ ટોમ વાડાએ જણાવ્યું છે કે, બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધિત કરારોને વિકસિત કરવા એ પ્રાથમિકતા રહેશે. અમેરિકન કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. બંને દેશો વચ્ચેના આ નવા અધ્યાયને લઈને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. ગત ઓગસ્ટમાં ભારત ખાતેના અમેરિકન રાજદૂત કેથલિન સ્ટીફન્સે રાજ્યની મુલાકાત લીધી ત્યારે આનંદીબહેન પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાને આમંત્રણ આપ્યું હતું.

આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાઈ રહેલી સાતમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2015માં હવે અમેરિકા પણ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. આ અંગે સત્તાવાર માહિતી આપતાં પ્રવક્તા મંત્રીઓ નીતિન પટેલ અને સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેથલિન સ્ટિફન્સે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પત્ર પાઠવીને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2015માં સહભાગી બનવાના ગુજરાત સરકારના આમંત્રણનો સ્વીકાર કર્યો છે.
 
ગુજરાતને શું ફાયદો થવાની શક્યતા
 
અમેરિકા ગુજરાત સાથે ઔદ્યોગિક રોકાણો અને શિક્ષણના ક્ષેત્રે સહભાગી થયેલું છે. હવે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના મેન્યુફેક્ચરિંગ એક્સ્ટેન્શન પાર્ટનરશિપ (એમઈપી) કાર્યક્રમ હેઠળ અમેરિકામાં અભ્યાસ-સંશોધન અંગે ખાનગી ક્ષેત્રે લેબર વર્કફોર્સ અને સ્કિલ ડેવલપમેન્ટ નિર્માણના નવા આયામોમાં જોડાવામાં આવશે.
 
યૂએસની કંપનીઓને રોકાણ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય
 
વાજદાના જણાવ્યા અનુસાર, યૂએસની કંપનીઓને રોકાણ કરવા માટે ગુજરાત મહત્વનું પસંદગી સ્થળ બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાતને અમે ભારત-યૂએસના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ગણીએ છીએ. યૂએસમાં ભારતમાં રોકાણ કરવા અંગેનો રસ ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે. અને ભારતની વાત કરીએ તો તેમાં રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. 
 

Releated News