પિતા વગરની ૧૧૧ દીકરીઓના લગ્ન પાંચ લાખના કરિયાવર સાથે કરાવશે સુરતી પરિવાર

16 Nov, 2014

લોહી નહીં પરંતુ લાગણીઓનાં સંબંધોથી સવાણી પરિવાર ૧૧૧ દીકરીઓનાં લગ્ન કરાવશે. પિતા વગરની દીકરીઓના પાલક પિતા બની મહેશ સવાણી દરેક દીકરીઓને પાંચ લાખ રૃપિયાનું કરિયાવર ભેટમાં આપશે. કોઇપણ નાતજાતના ભેદભાવ વગર એક જ મંડપમાં ૧૧૧ દીકરીઓનાં લગ્ન હિંદુ શાસ્ત્રોતકવિધ મુજબ પોતપોતાના સમાજના રીતરિવાજો અનુસાર કરવામાં આવશે. આગામી ૩૦મી નવેમ્બરના રોજ અબ્રામા સ્થિત વિદ્યાસકુંલના ગ્રાઉન્ડમાં 'લાગણીના વાવેતર' સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

સવાણી પરિવાર દ્વારા પિતાની અથવા માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનાં લગ્નનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. પહેલા વર્ષે વિવાહ પાંચ ફેરા અંતર્ગત ૨૨ દીકરીઓ, બીજી વર્ષે સંબંધ ભવોભવમાં ૫૩ દીકરીઓ જ્યારે ત્રીજા વર્ષે લાગણીના વાવેતર અંતર્ગત ૧૧૧ દીકરીઓનાં લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૩૦મી નવેમ્બરના રોજ અબ્રામા સ્થિત વિદ્યાસકુંલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. કોઇપણ નાતજાતના ભેદભાવ વગર ૧૧૧ દીકરીઓ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રભૂતામાં પગલાં માંડશે. ૧૧૧ દીકરીઓમાં બે દીકરીઓનાં કોઇપણ જાતની રીતિ રિવાજ વગર માત્ર ફૂલહાર દ્વારા સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવામાં આવશે.

જ્યારે ૩ દીકરીઓ મુુસ્લિમ હોવાથી તેમના નિકાહ પઢવામાં આવશે. દરમિયાન ૨૯મી નવેમ્બરના રોજ મહેંદી રશમ અને રાત્રે સંગીત સંધ્યાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહેશ સવાણી આ તમામ દીકરીઓના પાલકપિતા બની તમામને પાંચ લાખ રૃપિયાનું કરિયાવર ભેટમાં આપશે. આ ઉપરાંત માંગલિક પ્રસંગની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવા ૨૯મી નવેમ્બરના રોજ મોટાવરાછા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક હજાર જેટલા લોકો જોડાઇને રસ્તા પર સફાઇ કરશે.