Gujarat

'મર્દાની' 40 છાત્રાએ છેડતી કરનારને ઘેરી દેખાડી દીધા દિવસે તારા

મુન્દ્રામાં જાહેરમાં પજવણી કરનારા લુખ્ખા શખ્સને છાત્રાઓએ એકઠી થઇને સરાજાહેર લમધારી નાખ્યો હતો. રોજેરોજ છેડતી કરનારાને છોકરીઓએ બરાબરનો મેથીપાક ભણાવી દીધાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુન્દ્રાના બંદર રોડ પર આ ઘટના બુધવારે બપોરે બન્યો હતો. આ રોડ પર એક છાત્રાલય છે, ત્યાંની વિદ્યાર્થિનીઓ નજીકમાં આવેલી સીકેએમ ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે. આ તરુણીઓ સ્કૂલમાં રજા પડતાં છાત્રાલયે જાય ત્યારે એક શખ્સ દરરોજ છેડતી કરતો હતો. છોકરીઓની મજાક-મશ્કરી કરી શરમમાં મૂકી દે એવા શબ્દો બોલતો હતો.

 એ શખ્સની પજવણીથી કંટાળી ગયેલી છાત્રાઓએ નક્કી કરી લીધું કે, આ  લુખ્ખાને પાઠ ભણાવવો. આ છાત્રાઓ બુધવારે બપોરે જ્યારે સ્કૂલ છૂટતાં છાત્રાલય તરફ જતી હતી, ત્યારે એ શખ્સ બાઇક હંકારીને પસાર થયો, ત્યારે તેને અટકાવીને તેને જાહેરમાં જ ફડાકા અને ગળદાપાટુથી માર મારી તેને સાન ઠેકાણે લાવી દીધી હતી. આશરે 20 તરુણીએ મર્દાની બનીને લુખ્ખા ઇસમને મેથીપાક ચખાડ્યાની આ ઘટના પંથકમાં ભારે ચર્ચાસ્પદ બની હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા શખ્સને જાહેરમાં મેથીપાક ચખાડાયાની આ ઘટના વિશે મુન્દ્રા પોલીસનો સંપર્ક કરતાં પોલીસ અજાણ માલૂમ પડી હતી.

નજીકમાં જ છે મરીન પોલીસ સ્ટેશન !

આમ તો વિદ્યાર્થિનીઓની સતત પજવણી થતી હતી, એ સ્થળ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક છે. જોકે, સત્તાવાર વિસ્તાર મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આવતો હોઈ મરીન પોલીસે આ કેસમાંથી જવાબદારી ખંખેરી લીધી હતી. છેવટે તરુણીઓએ જાહેરમાં શખ્સની ધોલાઈ કરી એ અંગે પૂછતાં મરીન પોલીસ સ્ટેશનના સૂત્રોએ એમ જણાવ્યું કે, અમને કંઇ જાણ નથી, જ્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે બનાવ બાદ મરીન પોલીસના કર્મચારી ત્યાં ચક્કર લગાવી આવ્યા હતા.

Releated News