નાસકોમ વડોદરામાં IT મેન્યુફેક્ચરિંગ સંમેલન યોજશે

19 Nov, 2014

વિદેશોમાં વેપાર કર્યા પછી સ્થાનિક આઇટી કંપનીઓને ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નાની કંપનીઓમાં તક દેખાઈ રહી છે. આઇટી ઉદ્યોગના રાષ્ટ્રીય સંગઠન નાસકોમ વડોદરામાં આગામી 20 નવેમ્બરે આઇટી સોલ્યુશન્સ પૂરી પાડતી કંપનીઓ અને આસપાસની મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કંપનીઓને એક મંચ પર લાવશે.
નાસકોમના તાજેતરના 'ડોમેસ્ટિક માર્કેટ ફોકસ' કાર્યક્રમ હેઠળ બેંગાલુરુ, પૂણે, ચેન્નાઈ અને વડોદરાને પસંદ કરવામાં આવ્યા છે. આ શહેરોની સ્થાનિક આઇટી કંપનીઓ ત્યાંની જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કંપનીઓને આઇટી સોલ્યુશન્સ પૂરા પાડે તેવું આયોજન છે.
આ માટે નાસકોમે ગુજરાતના આઇટી ઉદ્યોગ માટેના સંગઠન ગેસિયા, વડોદરાના ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફજીઆઇ) અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (બીએમએ) સાથે ભાગીદારી કરી છે. 20 નવેમ્બરના સુચિત કાર્યક્રમમાં આઇટી સોલ્યુશન્સ વળે વેપારને કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક કરતી સ્થાનિક કંપનીઓના કેસ સ્ટડિઝ રજુ કરવામાં આવશે, નિષ્ણાતો માર્ગદર્શન આપશે અને આઇટીના પ્રચલ્લન સામેની ગેરમાન્યતાઓ દુર કરશે.
આ સંમેલનમાં વડોદરાની આસપાસની 1,000થી વધારે કંપનીઓ એફજીઆઇની સભ્ય છે, જ્યારે ગેસિયાના 400થી વધારે સભ્યો છે. નાસકોમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્તરે કેમિકલ્સ, એન્જીનિયરિંગ, ફાર્મા, રિયલ્ટી, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત્ કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિદેશમાં સોદા ડોલરમાં થતા હોવાથી તે વધારે નફાકારક હોય છે. વળી વિદેશી ક્લાયન્ટ્સ નાણા ચુકવણીમાં પણ વધારે શિસ્તબદ્ધ હોય છે. આ કારણોસર સ્થાનિક કંપનીઓના કામ કરવા કરતા વિદેશી કંપનીઓના કામ કરવાનું વધારે પસંદ કરે છે.

Loading...

Loading...