'ગુલાબ ગેંગ' ફિલ્મને પણ ટક્કર મારે તેવો કિસ્સો: ગુજરાતી મહિલાઓ બની રણચંડી

11 Nov, 2014

કચ્છમાં છેલ્લા લાંબા સમયથી સ્ત્રી પર થતી હિંસા પાછળ જવાબદાર દારૂની બદી સામે મહિલાઓ હજી ગઈ કાલ સુધી પોલીસતંત્રને લેખિત રજૂઆત અને રેલી કાઢીને વિરોધ વ્યક્ત કરતી હતી, એ મહિલાઓ આજે ખરેખરી રણચંડી બની ગઈ છે. સંગઠિત બનેલી નારીઓએ દારૂના દૂષણને ડામવા માટે જાતે જ દરોડા પાડવાનું વહેલું જ શરૂ કરી દીધું છે. અત્યારસ સુધી બહેનોએ 18 સ્થળે દરોડા પાડયા છે, છતાં સુસ્ત સરકાર અને નમાલા પોલીસતંત્રને આ ચળવળને કારણે નારીશક્તિનો ગજબનો પરચો મળ્યો છે. એવું તે શું થયું કે, કાયદાના રક્ષકોનું કામ ખુદ બહેનોએ કરવું પડ્યું  આ સવાલનો જવાબ શોધવા જતાં ગૂંજની ચળવળનું રસપ્રદ બેકગ્રાઉન્ડ જાણવા મળે છે.

 બન્યું એવું કે, ગત માર્ચ માસમાં ગુલાબ ગેંગ ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે ભુજમાં કચ્છ વિકાસ મહિલા સંગઠને 80 સ્ત્રીને સિનેમાઘરમાં તા. 11 માર્ચે આ મૂવી બતાવી. ફિલ્મની સ્ટોરી પ્રમાણે સ્ત્રી હિંસા સામે ખુદ મહિલાઓ જ ગેંગ શરૂ કરે છે, લડત ચલાવે છે.  80માંથી 18 મહિલા આ ફિલ્મ જોઈને ભારે પ્રભાવિત થઈ ગઈ. તાત્કાલિક તેમણે નિર્ણય લીધો કે, લાંબા સમયથી આપણે રજૂઆતો અને રેલીઓ કરી, પણ એનું કોઇ પરિણામ આવ્યું નહીં. હવે સમય આવ્યો છે, જાતે જ કંઇક કરી બતાવવાનો છે. વિચારના આ તણખાએ એવી ચિનગારી પ્રગટાવી કે,  જોતજોતામાં એ જ્વાળા બનવા લાગી.

એક બાજુ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલતો હતો અને બીજી બાજુ ગૂંજની ઝુંબેશ જોર પકડવા લાગી. મુન્દ્રાના એક ગામમાં લાંબા સમયથી દારૂની બદીની વકરી હતી, ત્યાં મહિલાઓએ મળીને પહેલો છાપો માર્યો, ત્યારે કચ્છની જનતા દંગ બની ગઈ હતી. જનતા રેડ શબ્દ લોકોએ સાંભળ્યો હતો, પણ સ્ત્રીઓએ છાપો માર્યો હોય એવી ઘટના કદાચ પહેલીવાર બની હતી. દરોડાઓનો આ સિલસિલો પછી માંડવી, નખત્રાણા અને  ભુજ સુધી પણ પહોંચ્યો, જે આજ સુધી ચાલુ છે.ગુંજ સંસ્થાનું નામ પડે એટલે બૂટલેગરોના પસીના છૂટી જાય છે. આ અભિયાનને લોકો મોટાપાયે સમર્થન આપવું જોઇએ.

ગૂંજ સાથે જોડાયું મહાત્મા ગાંધીનું નામ


કચ્છ મહિલા વિકાસ સંગઠનના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને ગૂંજ ચળવળના સમર્થક મીનાબેન રાજગોર જણાવે છે કે, ગૂંજનો ઉદ્દેશ મહિલા સામેની હિંસા અટકાવવાનો છે. અમે જોયું કે, કચ્છમાં સ્ત્રીઓ સામેની ઘરેલુ હિંસા પાછળ દેશી દારૂ જવાબદાર છે, તો એ બદીને દૂર કરવા માટે મહિલાઓ સંગઠિત થઈ. આપણા રાજ્યમાં તો દારૂની બદી છે, છતાંય દારૂ વેચાય છે, એ વધારે ગંભીર છે. ગાંધીજીના પવિત્ર નામ સાથે આંદોલનને જોડીને ગાંધીની ગૂંજ એવું નામ રાખવામાં આવ્યું છે. શિક્ષકો, ડોક્ટરો જેવો બુદ્ધિજીવી વર્ગ આ ચળવળમાં સાથ આપે છે.


નેતાઓની પરીક્ષા લેવાઈ ગઈ

ગૂંજની ચળવળની શરૂઆતમાં તા. 13 એપ્રિલે ભુજમાં લોકસભાના મુખ્ય પક્ષના ચાર ઉમેદવારની જાણે પરીક્ષા લેવાઈ ગઈ હતી, જો તેઓ ચૂંટાઇને આવશે, તો મહિ‌લા તરફી શું રણનીતિ રહેશે, તે જાણવા એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં છ હજારની મેદની એકત્ર થઇ હતી. મહિ‌લાઓએ ઉમેદવારો સાથે સીધો સંવાદ કરીને ઉકેલ લાવે તેવા જવાબો માગ્યા હતા. શરાબની કૂટેવથી બરબાદ સ્ત્રીઓએ તેમની વેદના રજૂ કરીને બધાને ઢંઢોળ્યા હતા. જોકે, ઉમેદવારોએ માત્ર ગોળગોળ જવાબો જ આપ્યા હતા.

40 ગામલોકોએ મિલાવ્યો અવાજ
ગૂંજમાં જોડાયેલી મહિલાઓએ પાંચ મહિનામાં 40 ગામના લોકો સાથે સંગઠને સંપર્ક કરીને તેમનું સમર્થન મેળવ્યું છે, તો ગ્રામસભાઓની મદદથી 16 ગ્રામપંચાયતે દારૂ-મુક્ત ગામની મૂહિમને ટેકો આપ્યો છે. આગામી દિવસોમાં કચ્છના 200 ગામમાં પદયાત્રા પણ કરવામાં આવશે.

 

Loading...

Loading...