Gujarat

વાઇબ્રન્ટ સમિટના કારણે અમદાવાદ તથા ગાંધીનગરમાં વિદેશીઓનો રહેશે ધમધમાટ

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ, પ્રવાસી ભારતીય દિવસ, પતંગ મહોત્સવ સહિતના અનેક કાર્યકમો યોજાવાના છે. જેમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતા છે. જેથી મહેમાનોને રહેવા માટેની વ્યવસ્થા કરવા માટે રાજય સરકારે કવાયત શરૂ કરી છે. અમદાવાદ અને ગાંધીનગરની મોટા ભાગની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ ખાનગી આવાસો ભાડે મેળવવાના ઈરાદે રાજયના પ્રવાસન વિભાગ દ્વારા હોમ સ્ટે પોલિસી જાહેર કરીને ખાનગી બંગલા અને ફલેટ ભાડે મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેના પગલે શહેરની આસપાસ વેચાયા વગરના પડી રહેલા હજારો ફ્લેટના માલિકો અને બિલ્ડરોને જંગી ભાડાની આવક થકી રોકડી થવાની આશા જાગી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૭મી જાન્યુઆરીના રોજ પાટનગર ગાંધીનગર ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રવાસી ભારતીય દિવસનો પ્રારંભ થશે. ત્યાર બાદ ૧૧થી ૧૩ જાન્યુઆરીના રોજ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ યોજાશે. જેમાં વિશ્ર્વની ૫૦૦ જેટલી કંપની અને આઠ પાર્ટનર ક્ધટ્રીના વડાઓ તથા ૧૦૧ દેશોના મહાનુભાવો હાજરી આપવાના હોવાથી તેમના રહેવા માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. મોટી કંપનીઓના લકઝરી ગેસ્ટ હાઉસ, સરકારી સર્કિટ હાઉસો, હોટલોના શુટ બુક કરાવી દેવાયા છે. ૫થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન પ્લાસ્ટ ઈન્ડિયા મેગા ઈવેન્ટ યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં અંદાજે ૨૫ લાખ જેટલા પ્રવાસીઓ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લે તેવી શકયતા છે. વિવિધ કાર્યક્રમો અને લગ્નસરાની મોસમના કારણે હોટલોના સંચાલકોએ રૂમોના ભાડામાં ૨૦ ટકાનો વધારો કરી દીધો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મહેમાનો માટે સરળતાથી રહેવાની વ્યવસ્થા થાય તે માટે હોમ સ્ટે પોલિસી પણ જાહેર કરવામાં આવી છે.ગુજરાત છેલ્લાં કેટલાક વર્ષોથી આતંકવાદીઓના હિટ લિસ્ટમાં છે. તેમજ ગાંધીનગરમાં જાન્યુઆરીમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં દેશ-વિદેશના મહાનુભાવો આવવાના હોવાથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગરમાં સીસીટીવી કેમેરાની જાળ ગોઠવવામાં આવશે. તેમજ તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરીને તેમના આ સમયગાળા દરમિયાન સઘન પેટ્રોલિંગ અને વાહનચેકિંગ કરવા તાકીદ કરવામાં આવી છે.

Source By : Mumbaisamachar

Releated Events