હૈદરાબાદમાં ગૂગલ તેનું ત્રીજું સૌથી મોટું કેમ્પસ બનાવશે

23 Dec, 2014

હૈદરાબાદ- ઈન્ટરનેટનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલે અમેરિકા અને ઈંગ્લેન્ડ બાદ હવે ભારતમાં પણ કેમ્પસ બનાવવાની તૈયારી દર્શાવી છે.

ગૂગલ કેમ્પસ ભારતમાં સ્થાપવા માટે ગૂગલના અધિકારીઓ તેલંગાણા સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. તેલંગાણાની આઈટી, ઈલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશન સેક્રેટરી હરપ્રીત સિંહે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં ગૂગલના અધિકારી સાથે ફાઈનલ ડીલ સાઈન કરશે. ડીલ સફળ જતાં ભારતમાં ગૂગલનું ત્રીજું સૌથી મોટું કેમ્પસ બનશે.

નોંધનીય છે કે હૈદરાબાદમાં ગૂગલની ઓફિસ પહેલેથી ચાલી રહી છે, પરંતુ ગૂગલનું પોતાનું બિલ્ડિંગ નથી. હરપ્રીતે જણાવ્યું હતું કે હૈદરાબાદને વાઈ-ફાઈ સિટી બનાવવા માટે પણ સરકાર પ્રયત્ન કરી રહી છે અને આ માટે યોગ્ય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.