રિક્ષા ચલાવી સ્વમાનભેર જીવતી ગુજરાતી યુવતી

14 Nov, 2014

યુવાન વયે સેથાનું સીંદુર ભુસાઇ જાય, સાસરિયાં તરછોડી દે, માવતરની આર્થિક સ્થિતિ પણ નબળી હોય અને ઉપરથી ચાર વર્ષના પુત્રની જવાબદારી હોય ત્યારે તેવા સંજોગોમાં કોઇ પણ મહિલા હામ હારી જાય, જિંદગીથી થાકી જાય, સંજોગો સામે ઝૂકી જાય. પણ એવા જ એક સંજોગો સામે રાજકોટની એક યુવતીએ અભૂતપૂર્વ સંઘર્ષ માંડ્યો છે. પોતાનું ગુજરાન ચલાવવા, પુત્રને ભણાવવા તથા સ્વમાનભેર જીવવા માટે એ યુવતી રિક્ષા ચલાવી રહી છે.


અદભુત છે આ યુવતીની ગાથા.ફોરમ કનુભાઇ કાલાણી નામની એ યુવતીની અત્યારે ઉંમર છે માત્ર 23 વર્ષ. છ વર્ષ પહેલાં હુડકોમાં રહેતા અમિત જાદવ નામના યુવાન સાથે તેના લગ્ન થયા. એક વર્ષ બાદ પુત્ર યશનો જન્મ થયો. પરંતુ અચાનક વિધાતા રૂઠી. દોઢ વર્ષ પહેલાં પતિ અમિતે આર્થિક ખેંચથી કંટાળી આપઘાત કરી લીધો. નાની ઉંમરે ફોરમને વૈધવ્ય આવ્યું. સાસરિયાંએ કાંઇ મદદ ન કરી. ફોરમ આવી પોતાના પીયરે. ફોરમના માતા પ્રવિણાબેને બીજા લગ્ન કર્યા છે. ફોરમ તેમના પહેલાં ઘરની પુત્રી. એટલે પિતા તરફથી પ્રેમ તો ન મળ્યો પણ ક્યારેક મેણાં-ટોણાં અને અપમાનિત વ્યવહારો થવા લાગ્યા.

ફોરમ મૂંઝાઇ. તેનો અભ્યાસ હતો માત્ર 7 ધોરણ. નોકરી તો કોણ આપે ? ફોરમને જીવન અંધકારમય જણાતું હતું. પરંતુ તે હિંમત ન હારી. એક દિવસ તેણે માતાને કહ્યું, ‘મારે પગભર થવું છે અને તે માટે હું રિક્ષા ચલાવીશ.’ માતા બે ઘડી પુત્રી સામે જોઇ રહ્યા. પુત્રીની હિંમત તેમને સ્પર્શી ગઇ. માતા પ્રવીણાબેને પોતાની બચાવેલી મૂડીમાંથી રિક્ષા લઇ દીધી. ફોરમને સ્કૂટર આવડતું. પોતાની મેળે રિક્ષા શીખી ગઇ. રાજકોટનો એક-એક વિસ્તાર જોઇ લીધો.
 
ફોરમે પોતાની રિક્ષામાં જ આખા રાજકોટની નગરચર્યા કરી લીધી અને સાધુ વાસવાણી રોડ પર પોતાની ભાડાંની ઓરડી પાસે જ આઠ મહિના પહેલાં રિક્ષા રાખી ઊભી રહી ગઇ. પહેલાં તો કોઇ માની જ ન શક્યું કે એક મહિલા રિક્ષા ચલાવવાની છે. પરંતુ ધીમે-ધીમે સફળતા મળવા લાગી. ફોરમ કહે છે, ‘દરરોજ 300 રૂપિયા કમાઇ લઉ છું, વહેલી સવારથી ઢળતી સાંજ સુધી રિક્ષા ચલાવું છું. મારી રિક્ષામાં બેસતા મુસાફરો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને મારો આત્મવિશ્વાસ પણ ખૂબ વધી ગયો છે. ઓરડીનું 2500 રૂપિયા ભાડું ભર્યા બાદ હવે હું સારી રીતે મારું ગુજરાન ચલાવી શકું છું.’
 
બીજા લગ્ન નથી કરવા પુત્રને ભણાવવો છે

ફોરમ કહે છે કે, મારું એકમાત્ર લક્ષ્ય મારા પુત્રને સારી રીતે ભણાવવાનું છે. હું બીજા લગ્ન નથી કરવાની. મારી ઇચ્છા ભવિષ્યમાં મારી માલિકીની ખાનગી બસ ચલાવવાની છે