વડોદરામાં વડફેસ્ટ 2015ની તૈયારીઓ પુરજોશમાં, સ્વચ્છતાનો પ્રચાર કરવા ખાસ પ્લાનિંગ

08 Dec, 2014

વડોદરા ફેસ્ટીવલ ૨૦૧૫માં તા. ૨૪મીના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં પહેલાના સમયમાં ગામડામાં કોઇ જાહેરાત જેમ ઢોલ વગાડી કરાતી હતી તેમ ૧૦ હજાર બાળકો દ્વારા ડ્રમ વગાડી સ્વચ્છતાનું આહવાન કરાશે. જે કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાનના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપનાર હોવાનું જાણવા મળી રહયું છે.

વડફેસ્ટ ૨૦૧૫ વડોદરા માટે જ નહિ પરંતુ ગુજરાત માટે ગર્વની બાબત છે. ત્યારે આગામી તા. ૨૪મી જાન્યુઆરીના રોજ રિલાયન્સ સ્ટેડીયમ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં ૮થી ૧૫ વર્ષના ૧૦ હજાર બાળકો દ્વારા અનોખો વિશ્વ વિક્રમ કરવામાં આવનાર છે. જેમાં ૮થી ૧૫ વર્ષની ઉંમરના શાળાના બાળકો દ્વારા એક સાથે ડ્રમ વગાડી સ્વચ્છતાનું આહવાન કરશે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં સ્વચ્છતા અભિયાનની શરૃઆત કરી હતી. જેનો હાલ સમગ્ર ભારતમાં અમલ કરવામાં આવી રહયો છે.

ત્યારે પહેલાના સમયમાં રાજા રજવાડા દ્વારા ગામના લોકોમાં જાહેરાત કરવા ઢોલ વગાડવામાં આવતા હતા. તેમ વડફેસ્ટના આયોજકો દ્વારા સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનનું આહવાન કરવાનું આયોજન કરાયું છે. જેમાં શહેરની વિવિધ શાળાના ૧૦ હજાર વિદ્યાર્થીઓ એક સાથે ડ્રમ વગાડી સ્વચ્છતાનું આહવાન કરશે. જે કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે વડાપ્રધાન અને સ્વચ્છતા અભિયાનના પ્રણેતા નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
જેમાં ૪૫ મીનીટ સુધી ૨૫૦૦ વિદ્યાર્થીઓ કોર્પોરેશન સંચાલીત સરકારી શાળાના, ૨૫૦૦ સરકારી ગ્રાન્ટેડ શાળાના તેમજ ૫૦૦૦ બાળકો અન્ય કોઇ પણ શાળાના પસંદ કરવામાં આવશે. તે ઉપરાંત બાળકોના આ કાર્યક્રમનું મેનેજમેન્ટ પણ આઇલીડ સંસ્થાના ટ્રેન ચાઇલ્ડ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે. અંદાજે ૧૦૦ કરતા વધારે ટ્રેન બાળકો દ્વારા ૧૦ હજાર બાળકોનું સંચાલન કરવામાં આવશે. તેટલું જ નહિ તમામ બાળકોને ડ્રમ વડફેસ્ટના આયોજકો દ્વારા આપવામાં આવશે. જે કાર્યક્રમ પૂર્ણ થયા પછી ડ્રમ બાળકો પાસેથી પાછા ન લઇ તેમને ભેટ તરીકે આપવામાં આવશે.

નોંધનીય છે વડફેસ્ટ - ૨૦૧૫ના આયોજક અમિત ભટનાગરે વિશેષ માહિતી આપી છે કે સ્વચ્છતા આહવાન કાર્યક્રમમાં ૧૦ હજાર બાળકોને વડફેસ્ટ કમિટી તરફની ડ્રમ આપવામાં આવનાર છે. જે બાળકો પાસેથી પરત ન લઇ તેમના ઘરે લઇ જવા આપવામાં આવશે. જે પૈકી માત્ર ૧૦ બાળકો પણ ભવિષ્યમાં ડ્રમ શીખવા પ્રેરાય અને શીખી સંગીત ક્ષેત્રે આગળ આવે તો તેના કરતા મોટી ગર્વની વાત બીજી કોઇ ન હોય શકે.

Loading...

Loading...