નવી ઈમિગ્રેશન નીતિ: પાંચ વર્ષથી USમાં રહેતા લોકોને મળશે અસ્થાયી વિઝા

21 Nov, 2014

અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને ઈમિગ્રેશનની નવી નીતિની જાહેરાત કરી છે. આ નીતિથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને કાયદેસરની માન્યતા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 50 લાખ  જેટલા લોકો ગેરકાયદે રહે છે જેમાં ભારતમાંથી 4.50 લાખ લોકોનો પણ સમાવેશ થાય છે.

કઈ વ્યક્તિ અસ્થાયી રહેવા માટે અરજી કરી શકે છે?

ઓબામાએ કહ્યું કે, જે વ્યક્તિ પાંચ વર્ષ કરતા વધારે સમયથી અમેરિકામાં છે, જે વ્યક્તિના બાળકની નાગરિક્તા અમેરિકાની છે, એવી વ્યક્તિ કે જે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ઈન્વેસ્ટિગેશનમાંથી પસાર થયેલી છે અને યોગ્ય કર આપવા માટે તૈયાર છે, તે વ્યક્તિ ‘ડીપોર્ટ’ થવાના ડર વગર અમેરિકામાં અસ્થાયી રહેવા માટે અરજી કરી શકશે.
 
કોનો સમાવેશ કરવામાં નહીં

આ સાથે ઓબામાએ ચેતવણી પણ આપી કે, અમેરિકામાં અસ્થાયી રહેવા માટેની અરજી એવી વ્યક્તિ નહીં કરી શકે કે જે હાલમાં જ અમેરિકામાં આવી હોય. આ નીતિ એવા લોકોને લાગુ નહીં પડે કે જે ભવિષ્યમાં અમેરિકામાં ગેરકાયદેસર આવવા માગતા હોય. અહીં લોકોને કાયમી નાગરિક્તા આપવામાં આવતી નથી કે એવા લાભો આપવામાં નહીં આવે જે અહીંના નાગરિકોને મળે છે.
 
આ નીતિથી અમેરિકામાં વસતા ગેરકાયદેસર ભારતીયોને પણ ફાયદો થશે ખાસ કરીને ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરતા લોકોને કે જેમની પાસે એચ-1બી વિઝા છે. આ નીતિથી પચાસ લાખ લોકોને ફાયદો થશે. પીટીઆઇના અહેવાલ પ્રમાણે અમેરિકામાં 1.10 કરોડ લોકો ગેરકાયદેસર રહે છે.

ત્રણ નીતિ
રાષ્ટ્રને સંબોધન કરતા ગઈકાલે ઓબામાએ કહ્યું કે, સંસદમાં રીપબ્લિકન પાર્ટી દ્વારા ઈમિગ્રેશન કાયદા સુધારાના વિરોધ બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે ત્રણ મુખ્ય નીતિઓની જાહેરાત કરી હતી.
 
પ્રથમ, ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગતા લોકોને રોકવા માટે સરહદ પર સૈનિકોને વધુ મજબૂત કરવામાં આવશે. બીજું, બિઝનેસ લીડરના સૂચનોને ધ્યાનમાં રાખીને હાઈ સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ, ગ્રેજ્યુએટ અને ઉદ્યોગસાહસિકો માટે વિઝાનીતિ સરળ બનાવવામાં આવશે. ત્રીજું અમેરિકામાં વસતા ગેરકાયદેસર લોકો સાથે જવાબદારીપૂર્વક વર્તવામાં આવે તેવા પગલા લેવામાં આવશે.

80 ટકા ક્રિમિનલ્સ ડિપોર્ટ કરાયા
ઓબામાએ કહ્યું કે, અમેરિકા એ ઇમિગ્રન્ટ્સનો દેશ છે અને તે કાયદાનો પણ દેશ છે. અમેરિકામાં વસતા ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સ કે જેઓ દેશના નિયમોનું ઉલ્લંઘન કરીને આવ્યા છે તેમને તેની જવાબાદરીનો ખ્યાલ હોવો જોઈએ ખાસ કરીને એવા લોકો કે જે દેશ માટે ખતરા સમાન છે. એટલા માટે જ છેલ્લા છ વર્ષમાં દેશમાંથી ડિપોર્ટ કરાયેલા ક્રિમિનલ્સની સંખ્યા 80 ટકાએ પહોંચી છે. માટે જ અમે સુરક્ષાના કારણે તેના અમલીકરણ સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
 
જોકે, ઓબામાની ઇમિગ્રેશન નીતિમાં જે બાળકોની નાગરિકતા અમેરિકાની હોય તેને વિઝા આપવા અંગે રિપબ્લીકન પાર્ટીએ વિરોધ કર્યો હતો. તેવા બાળકને 'એન્કર બેબીસ' કહ્યા અને કહ્યું કે, બાળકની નાગરિકતાને કારણે ગેરકાયદેસર રહેતા તેના માતાપિતાને કેવી રીતે નાગરિકતા મળી શકે.

Loading...

Loading...