ભારતમાં સૌપ્રથમ વાર ક્રિકેટ ખંભાતમાં રમાઇ હતી

13 Feb, 2015

જો ભારતમાં ક્રિકેટ એ ધર્મ છે તો ખંભાત આ ધર્મનું જન્મસ્થળ છે. ભારત દેશમાં સૌપ્રથમ વાર ક્રિકેટ ૧૭૨૧માં ખંભાતના દરિયાકિનારે બ્રિટિશ નાવિકો રમ્યા હતા. ભારતીય ઇતિહાસમાં આ પહેલાં ક્રિકેટ રમાયાની કોઇ ઘટના નોંધાઇ નથી. આ કિનારા પર ક્રિકેટ રમનારાઓએ ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે ભારતમાં આ રમત આટલી બધી લોકપ્રિય થશે.

દુનિયામાં જેન્ટલમેન્સ ગેમ તરીકે જાણીતી રમત ક્રિકેટ એ અંગ્રેજોની ભેટ છે. ઇગ્લેન્ડની આ રમતને ભારતીયોએ તન, મન અને ધનથી ચાહી છે. હાલમાં જ્યારે દુનિયામાં ક્રિકેટનો વર્લ્ડ કપ રમાઇ રહ્યો છે અને આખા દેશની નજર ધોની એન્ડ કંપની પર છે ત્યારે આ ઇતિહાસનાં પાનાં ક્રિકેટની ઘણી રસપ્રદ કહાની બયાન કરે છે. અમદાવાદના વિકાસને ખંભાતનાં બંદરના આશીર્વાદ હતા. ખંભાત એ જમાનામાં ખૂબ અગત્યનું બંદર ગણાતું હતું. અમદાવાદના રાજાને પણ વિશ્વનાં લોકો કિંગ ઓફ કેમ્બે તરીકે ઓળખતા હતા. બંદર તરીકે ખંભાતના પતન બાદ સુરત ગુજરાતનાં મુખ્ય બંદર તરીકે ઉપસ્યું હતું.

તમામ ઇતિહાસકારો આ બાબતે સંમત છે કે લેફ્ટનન્ટ ક્લેમેન્ટ ડાઉનિંગનું ખંભાતમાં ક્રિકેટ રમવાનું વર્ણન અને નોંધ એ ભારતમાં ક્રિકેટ રમવાની પ્રથમ ઘટના હતી. ૧૭૩૭માં આ કપ્તાને તેણે ભારતમાં જોયેલાં યુદ્ધો અને અન્ય વસ્તુઓનાં વર્ણન કરતું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં - અ કોમ્પેડિયસ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન વોર્સ - આ જેન્ટલમેન ગેમ રમાયાની વાત છે. આ રમત એ વખતે નાવિકો રમ્યા હતા અને કુલીઓ તેનાં પ્રેક્ષકો હતા. આ કપ્તાન એક ફ્લિટ લઇને ખંભાત બંદરની બહાર નાવ લાંગરી અટક્યા હતા. આ ફ્લિટ પર સૈનિકો અને નાવિકો સવાર હતા. આ બધા ખંભાત થોડું રોકાયા હતા અને તમામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ હતા.

કેપ્ટનનાં આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, અમે ખંભાતમાં કેટલોક સમય રોકાયા હતા. અમે અહીંયાં લગભગ પંદર દિવસ ગાળ્યા હતા. આ દરમિયાન અમારી પાસે કરવા માટે કંઇ કામ નહોતું. રોજ અમે ભેગા થઇને આસપાસનો નજારો જોતા. કેટલીક કસરતો કરતા અને આ સમયગાળા દરમિયાન અમે ભેગા થઇને ક્રિકેટ રમતા. અમને રોજ ક્રિકેટ રમતા જોવા માટે બંદર પર કામ કરતા કુલીઓ પણ આવતા. આ રોજનો ઘટનાક્રમ બની ગયો હતો. આમ આ નાવમાં ક્રિકેટનો સામાન પણ આ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ લઇને આવ્યા હતા અને તેમને એ રમવાનો પહેલો મોકો ખંભાત બંદર પર મળ્યો.

જોકે હાલમાં ખંભાતમાં દરિયો શોધવો મુશ્કેલ છે. ખંભાતની ખાડી દુર્લભ બની છે. એક સમયે દુનિયાનાં સૌથી વ્યસ્ત બિઝનેસ સેન્ટર તરીકે જાણીતું ખંભાત હાલમાં બિસ્માર હાલતમાં છે. અમદાવાદનો મોટાભાગનો ધંધો એક સમયે ખંભાતથી જ ચાલતો. અમદાવાદમાં પહેલી મિલ બની તે સામાન પણ ખંભાત બંદર પરથી જ આવ્યો હતો. મહાન મુસાફર ઇબ્ન બતુતા અને અન્ય પણ ખંભાતની મુલાકાતથી ચકિત થયેલા. આ ખંભાતમાં દુનિયાનો દરેક સામાન મળતો. દરેક પ્રકારનાં વિદેશી હૂંડિયામણો સ્વીકારાતાં. વિદેશીઓ અહીંયાં વસવાટ કરતા. આ એજ ખંભાત છે કે જ્યાં આરબ અને તુર્કી વેપારીઓને આકર્ષવા માટે વસ્તુપાલ કે જે ખંભાતના બંદરના કમિશનર હતા તેમણે મસ્જિદો બાંધી હતી. ઇસ ૧૧૭૮થી ૧૨૪૨ની વચ્ચેની આ ઐતિહાસિક ઘટનાઓ છે. વૈશ્વિક બજાર એવું આ ખંભાત હજાર વર્ષથી જૂની વિરાસત છે. તો આ હતું ઇતિહાસનાં પાના પર રહી ગયેલું ખંભાત. હાલમાં તો આ ખંભાત શહેર પાસે પણ તેનો ભૂતકાળ જ ધરોહર સમાન છે.

 

Loading...

Loading...