આવી રહ્યો છે વિશ્વનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ, જુઓ એમેઝોનની તૈયારીઓ

28 Nov, 2014

પશ્ચિમના રાષ્ટ્રોના નાતાલની તૈયારી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. નાતાલની ઓફિશિયલ શોપિંગની શરૂઆત આગામી શુક્રવારથી શરૂ થશે. શુક્રવારે બ્લેક ફ્રાઈડે મનાવવામાં આવશે. જે દુનિયાનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ ગણાય છે. પશ્ચિમમાં લોકો આ દિવસથી નાતાલની ખરીદી કરતા હોય છે. જોકે, હવે જમાનો ઈન્ટરનેટ અને ઈ-શોપિંગનો છે. ને કરોડો લોકો ઈ-શોપિંગનો જ આગ્રહ રાખે છે. ત્યારે લોકોએ નોંધાવેલા ઓર્ડર્સને પહોંચી વળવા માટે ઈ-શોપિંગ જાયન્ટ એમેઝોન રાત દિવસ જોયા વગર કામમાં જોતરાઈ છે. બ્રિટનના આઠ વેરહાઉસીજમાં લાખો-કરોડો ઓર્ડર્સને પહોંચી વળવા માટે રાત-દિવસ કામ ચાલી રહ્યું છે. અહીંની પીટરબોરફ સાઈટ પર કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ડિલિવરીઝનું પેકિંગ કરી રહ્યાં છે. એમેઝોન અપેક્ષા સેવી રહ્યું છે કે શુક્રવારે ઓછામાં ઓછી 4 મિલિયન આઈટ્સમના ઓર્ડર આપી શકાય છે.

મહત્વપૂર્ણ છે કે એમેઝોન.કોમ દુનિયાની સૌથી પ્રખ્યાત ઓનલાઇન રિટેઇલર કંપની છે. ડિલિવરી પ્રોડક્ટ્સને રાખવા માટે એમેઝોન પાસે વિશ્વભરમાં 80 મહાકાય ગોડાઉન છે. આ વેરહાઉસ 1,11,484 ચો.મીટર સુધી ફેલાયેલા છે. અહીંયા કામ કરતાં કર્મચારીઓએ એક સેક્શનમાંથી બીજા સેક્શનમાં જવા માટે ને અન્ય કામો કરવા માટે રોજિંદા સરેરાશ 5 કિલોમીટર ચાલવું પડે છે. અહીંયા લોજિસ્ટિક સિસ્ટમને 'કેયોટિક સ્ટોરેજ' નામ આપવામાં આવ્યું છે. અહીંયા દરેક કામ કર્મચારીએ જાતે કરવાનું હોય છે.
પ્રોડક્ટ રાખવા માટે અહીંયા ઓર્ગેનિક શેલ્વિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. કોઇ વસ્તુનો કોઇ સ્પેશિયલ સેક્શન નથી હોતો. ગોડાઉનમાં આવતી દરેક વસ્તુઓને શેલ્ફ પર ખાસ બારકોડ સાથે લાવવામાં આવે છે. બારકોડને આધારે જ વસ્તુઓને ગોડાઉનમાં ગોઠવવામાં આવે છે.