વડોદરામાં નવો પ્રોજેક્ટ: ગુજરાતનું સૌથી મોટું AC માર્કેટ બનશે

27 Nov, 2014

ઐતિહાસિક નઝરબાગ પેલેસના સ્થાને નઝરબાગ શોપિંગ સ્ટ્રીટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 8 માળના રાજયના સૌથી મોટા સેન્ટ્રલી એ.સી. માર્કેટમાં 3 હજારથી વધુ દુકાન બનશે.ગાયકવાડ પરિવારમાં 2013માં થયેલા સમાધાનમાં અલૌકિક ટ્રેડિંગ કંપની સંગ્રામસિંહ ગાયકવાડના હિસ્સામાં આવી હતી. આ કંપની પાસે ઇન્દુમતિ પેલેસ, મકરપુરા પેલેસ, બગીખાના અને નઝરબાગ પેલેસ સહિતની મિલકતો આવી હતી. મકરપુરા પેલેસની આગળ આવેલી ખુલ્લી જમીનમાં વિંગ્સ નામથી કોમર્શિયલ પ્રોજેક્ટ મૂક્યો હતો. જે બાદ નઝરબાગ પેલેસ તોડી ત્યાં કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવવા હિલચાલ શરૂ થઈ હતી. મામલો કાનૂની ગૂંચમાં અટવાયા બાદ અડચણ દૂર થતાં નઝરબાગ શોપિંગ સ્ટ્રીટના નામથી પ્રોજેક્ટ ઉભો કરવાની જાહેરાત કરાઈ છે.

શું છે શોપિંગ સ્ટ્રીટના ફિચર્સ?

* 3 ફ્લોરમાં અલાયદું પાર્કિંગ
* 2 લાખ ફૂટથી વધુનો પાર્કિંગ વિસ્તાર
* 3 હજાર દુકાનનું સેન્ટ્રલી એ.સી. માર્કેટ
* સિટીના માર્કેટને અનુરૂપ નાની દુકાન
* જ્વેલરી, લેડીઝ, જેન્ટ્સ, ચિલ્ડ્રન માટે અલગ સેક્શન
* ખાણી-પીણી માટે ફૂડ ઝોન
* બાળકોના મનોરંજન માટે પ્લે એરિયા
* રોજ 10 હજાર લોકોનું વોકઇન

થ્રી લેયર પાર્કિંગ રહેશે
સિટી વિસ્તારમાં પાર્કિંગનો વિકટ પ્રશ્ન રહેતો હોય છે. જેને ધ્યાનમાં લઈ નઝરબાગ પેલેસના સ્થળે પાર્કિંગનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવા શોપિંગ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે ફ્લોર બેઝમેન્ટમાં પાર્કિંગ માટે જ બનાવવામાં આવશે.

5 ફ્લોરમાં દુકાનો બનશે
શહેરી વિસ્તારમાં નઝરબાગ પેલેસ કંપાઉન્ડમાં આકાર લેનાર નવા શોપિંગ કોમ્પ્લેક્ષમાં 5 ફ્લોરમાં દુકાનો બનશે. જેમાં દરેક ફ્લોર પર આવેલી  અંદાજે 600 જેટલી દુકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે આ જમીનમાં 3000થી વધુ દુકાનો બનાવવામાં આવશે.
 
એફોર્ડેબલ માર્કેટ બનશે
સિટી વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવાર માટે વિકલ્પ નવા શોપિંગ કોમ્પ્લેક્ષમાં પણ મળી રહે તે માટે માત્ર 100 ચો. ફૂટની દુકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની કિંમત પણ રૂ.15 લાખથી શરૂ થશે. જેથી તમામ લોકો ત્યાં ખરીદી કરી શકે. ટૂંકમાં એફોર્ડેબલ માર્કેટનું આયોજન કરાયું છે.
 
માર્ચ મહિનમાં પ્રોજેક્ટ લોન્ચ થશે
નઝરબાગ પેલેસ કંપાઉન્ડની જમીનમાં નઝરબાગ શોપિંગ સ્ટ્રીટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અલૌકિક ટ્રેડિંગ પ્રા. લિ. કંપની સાથે અમારી કંપનીએ કરાર કર્યા છે. જે અંતર્ગત શહેરને એક અલગ પ્રકારના શોપિંગ મોલની ભેટ આપવા પ્રયાસ થશે. ત્રણ મહિના બાદ માર્ચ મહિનામાં પ્રોજેક્ટ લોન્ચ કરાશે.
- ડાયરેક્ટર, એન.આર.એસ. પ્રોજેક્ટ પ્રા. લિ.

નઝરબાગ પેલેસની રેપ્લિકા બનાવાશે
વડોદરા. નઝરબાગ પેલેસનો ઇતિહાસ વડોદરા સાથે જોડાયેલો છે. તૂટી ગયા બાદ પણ નઝરબાગ પેલેસની ઓળખ જળવાઈ રહે તે રીતે સંગ્રામસિંહ ગાયકવાડ પરિવાર દ્વારા કાળજી લેવામાં આવી છે. જેમાં ખાનગી ડેવલોપર્સ સાથે થયેલા કરારમાં બનનાર કોમર્શિયલ કોમ્પ્લેક્ષનો આકાર નઝરબાગ પેલેસ જેવો આપવાનું નક્કી કરાયું છે. શોપિંગ સ્ટ્રીટ પેલેસની રેપ્લિકા જેવી બનશે. જે બહારથી આબેહહુબ નઝરબાગ પેલેસ હોય તેવો ભાસ કરાવશે.

Loading...

Loading...