આ કાઠિયાવાડી હીરે મેડિકલ ફિલ્ડમાં કરી જોરદાર શોધ, મેળવ્યું 61 લાખ રૂપિયાનું ઇનામ

04 Dec, 2014

મૂળ સૌરાષ્ટ્રના યુવાન સુલતાન ખેતાણીએ અમેરિકામાં તબીબી ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. એસઆરએમ ખાતે બાયોમેડિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અનુસ્નાતક વિદ્યાર્થી સુલતાન ખેતાણી તથા તેમના પ્રોજેક્ટ ઇન્સ્ટ્રકટર હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડો. શફી હાદીએ વર્ષ 2014 માટેનું બ્રાઈટ ફયુચર્સ ઇનામ જીત્યું છે. ખૂબ જ ઓછા ખર્ચની ફલેક્સિબલ માઈક્રોચિપનો ઉપયોગ કરીને એચઆઈવી/એઈડ્સને લડત આપવા માટે તેમણે કરેલા સંશોધન બદલ આ ઈનામ તેમણે જીત્યું છે.

આ સાધનની એવા શસ્ત્ર સાથે તુલના કરી શકાય જે એચઆઈવીના વ્યવસ્થાપનમાં વૈશ્વિકપણે ક્રાંતિ સર્જશે. કારણ કે તાકીદની જરૂર ધરાવતા લાખો લોકોમાં એચઆઈવીના ચેપનું ઝડપભેર, સરળ અને ખૂબ જ ઓછા ખર્ચે નિદાન માટેનો માર્ગ મોકળો કરશે. ડો. હાદી શફી અને સુલતાન ખેતાણીનું સંશોધન એવી ટેકનોલોજી પર ફોક્સ કરે છે જે ખૂબ જ ઓછો ખર્ચ  ધરાવતી, ફલેક્સિબલ માઈક્રોચીપના સ્વરૂપમાં છે જે એચઆઈવી વાયરલ લોડ પરીક્ષણમાં મદદરૂપ બને છે. વ્યાપક ઉપયોગો ધરાવતી આ અનોખી પ્લેટફોર્મ ટેકનોલોજી છે અને હેપેટાઈટિસ, ઇન્ફલૂએન્ઝા તથા હર્પીસ જેવા બહુવિધ ચેપી રોગોને શોધવા માટે પણ તેને અપનાવી શકાય.

નોંધનીય છે કે એક લાખ અમેરિકી ડોલર (આશરે 61 લાખ રૂપિયા)નું રોકડ ઈનામ ધરાવતા બ્રાઈટ ફ્યુચર્સ એવોર્ડ જીતવા માટે હાર્વર્ડ  અને એમઆઈટી  સંલગ્ન સંસ્થાઓ ખાતેથી 200 કરતાં વધુ ટીમોએ સ્પર્ધા કરી હતી. વિશ્વફરતે હાથ ધરાયેલા ઓનલાઈન વોટિંગના આધારે વિજેતા ટીમની પસંદગી કરાઈ હતી.