અમેરિકાન ભારતીયોને હવે અમૂલનો શ્રીખંડ સસ્તાં ભાવે મળશે

05 Nov, 2014

હવે અમેરિકામાં વસતાં બિન-નિવાસી ભારતીયોને પણ હવે અમૂલના વિવિધ ઉત્પાદનનો સ્વાદ માણવા મળશે. અમેરિકામાં સ્થપાયેલી અમૂલની ફેક્ટરીએ ઉત્પાદનની કામગીરી શરૂ કરતાં હવે ત્યાં વસતા NRIs હવે ઓછી કિંમત ચૂકવીને ઘી, શ્રીખંડ અને પનીરની મજા માણી શકશે.
અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો. કે રથનમે જણાવ્યું હતું કે અમે ગુજરાત સરકાર તરફથી મંજૂરી મેળવી લીધી છે અને ગત સપ્તાહે અમેરિકાના પ્લાન્ટમાં ઉત્પાદનની કામગીરી શરૂ કરી દીધી છે. આગામી છ મહિનામાં અમે આ પ્લાન્ટમાં વધુ પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કરીશું. આ પ્રોડક્ટ્સ ન્યૂ જર્સી ખાતે આવેલા પ્લાન્ટમાં તૈયાર કરાય છે, જેની સાથે અમૂલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયને થર્ડ પાર્ટી એગ્રિમેન્ટ કર્યો છે.

ન્યૂ જર્સી સ્થિત એનઆરઆઈ બિઝનેસમેન પીયૂષ પટેલ આ પ્લાન્ટની માલિકી ધરાવે છે, જેમણે ત્રણ એકરમાં પથરાયેલા આ પ્લાન્ટમાં ૯૦ લાખ ડોલરનું રોકાણ કર્યું છે. પ્રારંભિક ધોરણે આ પ્લાન્ટ દર મહિને ૫૦ ટન શ્રીખંડ, ૧૦૦ ટન પનીર તથા ૨૦૦ ટન ઘીનું ઉત્પાદન કરશે. સૂત્રોના મતે અમુલ શરૂઆતના તબક્કે ન્યૂ જર્સી, ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા ભારતીયોની વધુ વસતિ ધરાવતાં બજારોમાં વેચાણનો પ્રારંભ કરશે.

હાલ ભારતમાંથી આયાત કરાયેલા ઉત્પાદનો માટે ૨૦ ટકા જેટલી વધુ રકમની ચૂકવણી કરતાં એનઆરઆઈ સમુદાયમાં અમેરિકામાં ઉત્પાદિત અમૂલ પ્રોડક્ટ્સ અત્યંત લોકપ્રિય નિવડશે. જીસીએમએમએફ હાલમાં અમેરિકામાં વર્ષે ૩૫ કરોડની ડેરી પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

Loading...

Loading...