ગુજરાતમાં જીઆઇ ટેગ મેળવનારી જામનગરની બાંધણી નવમી પ્રોડક્ટ

10 Dec, 2014

ગુજરાત તેની પરંપરાગત ઓળખોને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ (જીઆઇ ટેગ) આપવાની દિશમાં સતત પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં ગુજરાતની નવમી પ્રોડક્ટને જીઆઇ ટેગ મળ્યું છે.

આ જીઆઇ ટેગ જામનગરની ઓળખ સમાન વિખ્યાત 'જામનગર બાંધણી'ને મળી છે. આ પ્રોડક્ટને જીઆઇ પેટન્ટ મળી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જીઆઇ પેટન્ટ માટેની અરજીને પેટન્ટ ઓફિસે મંજૂર કરી છે. આમ સંખેડા ફર્નિચર, ગીર કેસર કેરી, પાટણના પટોળા બાદ જીઆઇ પેટન્ટ મેળવનાર આ ગુજરાતની નવમી પેટન્ટ છે.

આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ શ્રેણિક મહેતાએ જણાવ્યું કે 'વર્ષ 2008માં અમે બાંધણીની જીઆઇ પેટન્ટ માટે અરજી કરી હતી, પરંતુ તે વખતે અમે ગુજરાત બાંધણી તરીકે અરજી કરી હતી, જે મંજૂર રહી ન હતી કારણ કે અમે જામનગરની વિશેષતાને સમગ્ર રાજ્યની વિશેષતા ન બતાવી શકીએ જેથી જામનગર બાંધણી (ટાઇડ એન્ડ ડાય) તરીકે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ફરી અરજી કરી હતી, જેને કાપડ મંત્રાલય અંતર્ગત આવતી પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક કચેરીએ મંજૂરી આપી છે. જામનગરની બાંધણીને જીઆઇ પેટન્ટ મળતા આ વિસ્તારની બાંધણીનું જામનગર બાંધણી તરીકે બ્રાન્ડિંગ કરી શકાશે.'

આ મંજૂરીને પગલે હવે રાજકોટ કે ભૂજ જેવા અન્ય વિસ્તારમાંથી કોઈ બાંધણી વેચનાર જામનગર બાંધણી તરીકે તેમની પ્રોડક્ટ વેચી નહીં શકે અને જામનગર બાંધણી તેની ઓળખ વધુ મજબૂત બનાવશે, જેના પગલે ઉદ્યોગો અને 40,000 જેટલા કારીગરોને ફાયદો થશે.

અત્યાર સુધીમાં ગુજરાતને કુલ નવ જ જીઆઇ પેટન્ટ મળી છે. જેમાં વર્ષ 2008-09માં સંખેડા ફર્નિચર, ખંભાતના અકીક અને કચ્છ એમ્બ્રોડરી નામની ત્રણ જીઆઇ પેટન્ટ મળી હતી. 2009-10માં તંગલિયા શાલને હેન્ડીક્રાફ્ટ કેટગરીમાં, વર્ષ 2010-11માં સુરત જરી ક્રાફટ, વર્ષ 2011-12માં ગીર કેસર કેરી, ભાલિયા ‌ઘઉં, વર્ષ 2012-13માં કચ્છી શાલ અને હવે વર્ષ 2014-15માં જામનગર બાંધણીને જીઆઇ પેટન્ટ મળી છે.

Loading...

Loading...