‘રમલી રિક્ષાવાળા’: રિક્ષા ચલાવતી આ ગુજરાતી યુવતી પર બનશે ફિલ્મ

18 Nov, 2014

યુવાન વયે વિધવા થયા બાદ ગુજરાન ચલાવવા માટે તથા પોતાના પાંચ વર્ષના પુત્રને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે રિક્ષા ચલાવવાનો વ્યવસાય અપનાવનાર રાજકોટની યુવતી ફોરમ કનુભાઇ કાલાણી અનેક બેરોજગાર યુવાનો અને યુવતીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે. આ યુવતીએ કરેલા સંઘર્ષ બદલ તેની ઉપર દેશભરમાંથી અભિનંદનના સંદેશાઓ આવી રહ્યા છે. અેટલું જ નહીં અે જ વિષયને કેન્દ્રમાં રાખી ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરનાર પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરે એ યુવતીને રોલ મોડેલ ગણી, ફિલ્મ નિર્માણના મુહૂર્ત વેળાએ તેનું સન્માન કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદની લક્ષ્ય ક્રિએશન નામની ફિલ્મ નિર્માણ સંસ્થા દ્વારા ‘રમલી રિક્ષાવાળા’ના નામે આધુનિક ગુજરાતી ફિલ્મનું નિર્માણ થવાનું છે. એ ફિલ્મના પ્રોડ્યૂસર મુકેશભાઇ ઓઝાએ રાજકોટની આ યુવતી અંગેનો અહેવાલ વાંચ્યા બાદ જણાવ્યું હતું કે, રાજકોટની આ યુવતીની જીવનગાથા સાથે અમારા ફિલ્મની સ્ટોરી ઘણી રીતે સામ્ય ધરાવે છે. અત્યારે ઘણા યુવાનો નોકરી ન મળતી હોવાની બૂમરાણો મચાવે છે, ઘણા યુવાનો બેકારીથી કંટાળી હતાશ થઇ આપઘાત કરી લેવા સુધીનો માર્ગ અપનાવે છે.

એ બધા માટે આ યુવતીએ કરેલો સંઘર્ષ તથા ગુજરાન માટે તેણે અપનાવેલ સન્માનભર્યો માર્ગ વાસ્તવમાં ઉદાહરણરૂપ સાબિત થવો જોઇએ. અમે અમારી ફિલ્મનો મુહૂર્ત શોટ 28મી તારીખે કરવાના છીએ. તેમાં અમદાવાદમાં રિક્ષા ચલાવતી 20 યુવતીઓ સાથે જ રાજકોટની યુવતીના હસ્તે પણ શોટ લેવામાં આવશે. એટલું જ નહીં એ પ્રસંગે આ યુવતીને પ્રસાર માધ્યમો સામે રજૂ કરી તેને રોલ મોડેલ તરીકે જાહેર કરવામાં આવશે.

મુકેશભાઇએ જણાવ્યું હતું કે, અમારી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતને નવી ઓળખ આપશે. વિષય રિક્ષા ચલાવતી યુવતીનો છે. પરંતુ અમે ફિલ્મને અસ્સલ બોલીવૂડ ટચ આપીએ છીએ.ફિલ્મની સ્ટોરી અત્યંત મસાલેદાર છે. તેમાં એક્શન, ઇમોશન, સ્ટંટ તથા માનવીય સંવેદનાઓનો સમન્વય છે. એક યુવતી રિક્ષા ચલાવે એ વિષયને અમે સમાજ માટે રાહ ચીંધનાર મુદ્દા તરીકે ઉપસાવવા માગીએ છીએ. આ ફિલ્મ રાજ્યભરના મલ્ટીપ્લેક્સ થિએટરમાં રજૂ થશે. ફિલ્મ માટે અમે ગંજાવર રકમની જોગવાઇ કરી છે. રમેશ કારોલકર આ ફિલ્મનું ડાયરેક્શન કરશે.

મુકેશ ઓઝાએ જણાવ્યું હતું કે, રાજકોટની યુવતીએ સંકટો સામે હારવાને બદલે રિક્ષા ચલાવવાનો નિર્ણય કરી નવી કેડી કંડારી છે. અમે અમારી ફિલ્મ દ્વારા એવો સંદેશો આપવા માગીએ છીએ કે યુવતીઓ બાઇક, કાર કે પ્લેન ચલાવી શકતી હોય તો રિક્ષા કેમ ન ચલાવી શકે ? અમદાવાદમાં અત્યારે 20 યુવતીઓ રિક્ષા ચલાવે છે અને મહિને 10,000 કરતા વધારે રકમ કમાઇ લે છે. મોટી સંખ્યામાં યુવતીઓ આ વ્યવસાયને અપનાવે તો તેમનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચુ આવે અને રિક્ષા ચલાવવાના વ્યવસાય પ્રત્યે અત્યારે પ્રવર્તતી સુગ કંઇક અંશે ઓછી થાય.
 

Loading...

Loading...