ગણેશજીનો રંગ છે લીલો ને લાલ, આ જ છે વિઘ્નહર્તાની 10 રહસ્યમયી વાતો

10 Jun, 2015

 ભગવાન શિવ અને પાર્વતિના પુત્ર ગણેશજી અવગુણ અને બાધાઓનો વિનાશ કરનાર માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજાથી વિદ્યા, જ્ઞાન, બુદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. ગણેશજી તે પાંચ પ્રમુખ દેવતાઓ (બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને દુર્ગા)માંથી એક છે જેમની મૂર્તિ પૂજા પંચાયતન પૂજાના સ્વરૂપમાં થાય છે. આજે અમે તમને આ લેખમાં ગણેશજી સાથે જોડાયેલ દસ એવી વાતો વિશે જણાવીશું જે તમે ક્યારેય જાણી નહીં હોય...

1- શિવપુરાણ મુજબ ભગવાન ગણેશની રચના કરવા માટે પાર્વતીની સખી જયા અને વિજયાએ નિર્ણય લીધો હતો. તેમણે જ પાર્વતીને સલાહ આપી હતી કે, જે રીતે નંદી શિવ ભગવાનના નિર્દેશોનું પાલન કરે છે. તેવી જ રીતે, અહીં એક એવો વ્યક્તિ પણ હોવો જોઇએ જે પાર્વતીના આદેશોનું પાલન કરે. આ વાત સાંભળીને પાર્વતીએ પોતાના શરીરના મેલથી ભગવાન ગણેશની રચના કરી.

2- શિવ મહાપુરાણ મુજબ, ભગવાન ગણેશજીના શરીરનો રંગ લીલો અને લાલ છે.
 
3- બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ, દેવી પાર્વતીએ બાળક માટે પુણ્યક ઉપવાસ રાખ્યો હતો. જેનું પરિણામ તરત જ આવ્યું અને ભગવાન કૃષ્ણ બાળકના સ્વરૂપમાં તેમના પુત્ર બનીને આવ્યાં.
 

 

4- બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ, જ્યારે બધા જ દેવતા આશીર્વાદ આપી રહ્યા હતા તો શનિદેવ માથું નમાવીને ઉભા હતાં, જ્યારે પાર્વતીએ તેનું કારણ પુછ્યું તો તેમણે ઉત્તર આપ્યો કે, જો હું ગણેશજીની સામે જોઇશ તો તેમનું મસ્તક ધડથી અલગ થઇ જશે. પરંતુ પાર્વતીએ જોર દઇને કહ્યું કે તમે મારા પુત્ર તરફ જુઓ કંઇ જ નહીં થાય. ત્યારે શનિદેવે પાર્વતી માતાની આજ્ઞાનું પાલન કર્યું અને ગણેશજીની સામે જોયું કે તરત જ ગણેશજીનું મસ્તક તેમના ધડથી અલગ થઇ ગયું.
 
5- બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ, જ્યારે શનિદેવે પાર્વતીના દબાવ પર જ્યારે ગણેશજીને જોયું અને ગણેશજીનું મસ્તક તેમના ધડથી અલગ થઇ ગયું ત્યારે તે સમયે જ ભગવાન શ્રીહરિએ પોતાના ગરૂડ પર ઉત્તર દિશામાં ઉડાન ભરી અને પુષ્પભદ્રા નદીની તરફ પહોંચ્યાં. જ્યાં એક હાથિની પોતાના નવજાત બાળકની સાથે સૂઇ રહી હતી. ત્યારે તેમણે તે હાથિનીના બાળકનું મસ્તક ઘડથી અલગ કર્યું અને ભગવાન ગણેશજીના ઘડ પર લગાવી દીધું અને તેમને નવું જીવન આપ્યું.
 
6- બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ, ભગવાન શિવ શંકરે એકવાર ગુસ્સે થઇને ભગવાન સૂર્ય દેવ પર ત્રિશૂળથી વાર કર્યો હતો. જેના કારણે સૂર્યના પિતાએ નિરાશ થઇને ભગવાન શિવને શ્રાપ આપ્યો કે તેમણે પણ પોતાના બાળકના શરીરનું એક દિવસ ખંડન જોવું પડશે.
 
7- બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ, એક દિવસ તુલસીદેવી ગંગાને પાર કરી રહી હતી તો તે સમયે ગણેશજી ત્યાં ધ્યાન કરી રહ્યા હતા, ગણેશજીને જોઇને તુલસીદેવી તેમની તરફ આકર્ષિત થઇ અને તુલસીજીએ તેમને લગ્ન કરવાનો પ્રસ્તાવ ગણેશજી સામે રાખ્યો. પરંતુ ગણેશજીએ એવું કરવાની મનાઇ કરી દીધી. જેનાથી નિરાશ થઇ તુલસીએ ગણેશજીને શ્રાપ આપ્યો કે તમારા લગ્ન ટૂંક સમયમાં થઇ જશે. આ શ્રાપની સામે ગણેશજીએ પણ તુલસીને શ્રાપ આપ્યો કે તમે એક છોડ બની જશો.
 
8- શિવ મહાપુરાણ મુજબ, ભગવાન ગણેશના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિની સાથે થયા હતા. તેમને રિદ્ધિ અને સિદ્ધિથી બે પુત્ર પ્રાપ્ત થયા જેનું નામ શુભ અને લાભ રાખવામાં આવ્યું.
 
9- શિવ મહાપુરાણ મુજબ, જ્યારે શિવ ભગવાન ત્રિપુરને નષ્ટ કરવા જઇ રહ્યા હતા ત્યારે એક આકાશવાણી થઇ કે જ્યા સુધી ગણેશની પૂજા નહી કરો ત્યાં સુધી તમે ત્રિપુરને નષ્ટ કરી શકશો નહીં. ત્યારે શિવ ભગવાને ભદ્રકાળીને બોલાવ્યા અને ગણેશની પૂજા કરી અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો.
 
10- બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ, જ્યારે પરશુરામ કૈલાશ પર્વત પર શિવ ભગવાનને મળવા ગયા હતા, ત્યારે તેઓ ધ્યાનમાં બેઠા હતાં. ત્યારે ગણેશજીએ પરશુરામને રોક્યા તો પરશુરામે નિરાશ થઇને ગણેશજી પર કુહાડીથી વાર કર્યો જે શિવ ભગવાન દ્વારા જ આપવામાં આવી હતી. જેનો વાર ક્યારેય ખાલી જતો નથી. આ હુમલાં દરમિયાન ભગવાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો. ત્યારથી જ ગણેશજીને એકદંત સ્વરૂપે ઓળખવામાં આવે છે.