ગુજરાતના આ શહેરમાં થાય છે મફતમાં એન્ડોસ્કોપી સર્જરી

05 Nov, 2014

ભાવનગર શહેરમાં દર્દીઓને સુવિધાઓથી સંપન્ન હોસ્પિટલમાં સારવાર મળી રહે એ હેતુસર રજવાડાઓ દ્વારા સખ તખતસિંહ જનરલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જે ગુજરાતની એકમાત્ર એવી હોસ્પિટલ છે, જ્યાં એન્ડોસ્કોપી સર્જરી મફતમાં કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી એન્ડોસ્કોપી સર્જરી વિભાગ કાર્યરત છે અને ત્યાં તમામ પ્રકારના એન્ડોસ્કોપીના જટિલમાં જટિલ ઓપરેશન મફતમાં કરી આપવામાં આવે છે. જેમાં અપરજીએસ્કોપી, કોલોનોસ્કોપી, ઇઆર્સીપી જેવા ઓપરેશન છે.

આ હોસ્પિટલમાં અન્નનળીના કેન્સરના દર્દી કે જેમને ખાવા-પીવામાં અસહ્ય વેદનાઓ વેઠવી પડે છે, તેમના ઓપરેશન પર નિશૂલ્ક કરવામાં આવે છે. નોંધનીય છેકે અન્નનળીના કેન્સરના દર્દીઓને અન્નનીળામાં ગાંઠ થતી હોય છે અને તેમને ખાવા-પીવા ઉપરાંત થૂંક ગળવામાં પણ મુશ્કેલી અને પીડાનો સામનો કરવો પડતો હોય છે. તેવા દર્દીઓનું ઓપરેશન કરવામાં આવે છે અને અન્નનળીમાં એક સ્ટેન્ટ ફાયર કરવામાં આવે છે. જે પ્રકારે હૃદયમાં ધમનીઓ બ્લોક થતાં એન્જોપ્લાસ્ટી કરવામાં આવે છે, તે જ પ્રકારે અન્નનળીનું ઓપરેશન કરવામાં આવે છે.

અન્નનળીના એપરેશન અંગે વાત કરીએ તો આ સ્ટેન્ટ સેલ્ફ એક્સ્પાન્ડેબલ મેટલ અને દવાથી કોટેડ હોય છે. તેને અન્નનળીમાં પહેલા દાખલ કરવામાં આવે છે અને બાદમાં જે સ્થળે ગાંઠ હોય ત્યાં ફાયર કરવામાં આવે છે. ઓપરેશન સફળ થયા બાદ અન્નનળી ખુલી જાય છે અને દર્દી સહેલાયથી ખાઇ-પી શકે છે. આ સ્ટેન્ટની કિંમત અંદાજે 20 હજાર રૂપિયાની આસપાસ હોય છે, પરંતુ આ હોસ્પિટલમાં તે મફતમાં કરી આપવામાં આવે છે. જેના કારણે ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે.