ગુજરાત બન્યું બીજુ રાજ્ય: અ'વાદનાં 1 હજાર બાળકોને ફ્રી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ

06 Nov, 2014

રાજ્યનાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ થેલિસિમિયાગ્રસ્ત બાળકોનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરતાં રાજ્યનાં 10 હજાર અને અમદાવાદનાં 1 હજાર  થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને તેમનાં માતા-પિતામાં આશાનું નવું કિરણ જન્મ્યું છે.દેશમાં થેલિસિમિયા મેજર બાળકનું આયુષ્ય 20થી 30 વર્ષનું હોય છે અને તેમની સારવાર પાછળ પરિવાર રૂ. 10થી 30 લાખ ખર્ચવા છતાં બચાવી શકાતું નથી, ત્યારે રાજ્ય સરકારનાં આ નિર્ણયથી હવે થેલિસિમિયા બાળકો રોગમુક્ત બનશે.
 
થેલિસિમિયા જાગૃતિ ફાઉન્ડેશનનાં સેક્રેટરી ડો. અનિલ ખત્રીએ જણાવ્યું હતું કે, થેલિસિમિયાનાં બાળકોને અત્યાર સુધી મુખ્યમંત્રી ફંડમાંથી રાહત અપાતી હતી તે પૂરતી ન હતી, પરંતુ આરોગ્ય મંત્રી દ્વારા થેલિસિમિયાનાં દર્દીનાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો તમામ ખર્ચ ઉપાડવાની જે પહેલ કરી છે તે ગુજરાતમાં 8થી 10 હજાર અને અમદાવાદનાં 1 હજાર જેટલાં થેલિસિમિયાગ્રસ્ત બાળકો માટે જીવાદોરી સમાન સાબિત થશે. તેમજ દેશમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં સરકારે થેલિસિમિયાનાં બાળકો માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પહેલ કરી છે.
 
એચએલએ ટેસ્ટનો ખર્ચ 8થી 10 હજાર
 
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે એચએલએ મેચિંગ હોવું જરૂરી છે જેના ટેસ્ટનો ખર્ચ અંદાજે રૂ. 8થી 10 હજાર થાય છે. આ ટેસ્ટમાં લોહીમાં રહેલાં ઓછામાં ઓછા પાંચ અને વધુમાં 6 એન્ટિજન મેચિંગ હોય તો બોનમેરો ટ્રાન્સ્પ્લાન્ટમાં સારા પરિણામો મળે છે.

Loading...

Loading...