ગુજરાતના આ ચાર ગામનો ડંકો: વિદેશ ગયેલાં ગુજરાતીઓએ બનાવ્યું ‘પેરિસ’

20 Nov, 2014

ગામમાં પ્રવેશતાં જ તમામ માર્ગો પાકા અને બાજુમાં બ્લોક બેસાડેલાં જોવા મળે છે. ગામડું હોવા છતાં ક્યાંય ઉકરડાં કે કચરાંના ઢગ ખડકાયેલાં નથી. કાદવ-કિચ્ચડ તો ઠીક પાણીનું ખાબોચિયું પણ જોવા નહીં મળે. માર્ગ પર કચરો તો ઠીક માટી કે ધૂળ પણ નથી. કલ્પના ન કરી શકીએ એવા આણંદ જિલ્લાના ચાર ગામોમાં સ્વચ્છતા વારસામાં મળેલી છે. દેશમાં ભલે સ્વચ્છતા ઝૂંબેશ હમણાં હાથ ધરવામાં આવી હોય પણ અહીં વર્ષો અગાઉ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગામમાં પંચાયત દ્વારા જ સાફ-સફાઈ કામ કરાવવામાં આવે છે, જેમાં ગ્રામજનો સ્વચ્છતા જાળવવાની પોતાની જવાબદારી સમજીને આ ગામ ચોખ્ખાચણાંક રાખે છે. અલબત્ત, પંચાયતની સાથે અહીંના એનઆરઆઇ પણ ગામોને સમયે સમયે મદદરૂપ થતાં રહે છે.


વાસણા (બો) : ઉકરડાં કોને કહેવાય એ આ ગામને ખબર નથી

બોરસદ તાલુકાના વાસણા (બો) ગ્રામ પંચાયતમાં 13 વોર્ડ અને 9230 લોકોની વસતિ છે. અહીં વર્ષ 1992થી એકપણ ઉકરડો નથી. ગામમાં શિક્ષણ અને સફાઇ માટે એનઆરઆઇ તરફથી સમાયંતરે સહાય મળે છે. ગામની શેરીઓ અને ફળિયાની સફાઇ ત્યાંની મહિલાઓ અને ગામના માર્ગોની સફાઇ પંચાયત દ્વારા કરાવવામાં આવે છે. સ્વચ્છતા માટે સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર અને નિર્મળ ગ્રામ સ્વર્ણિમ ગામનો પુરસ્કાર ઉપરાંત રૂ.4 લાખનું ઇનામ પણ આ ગામ મેળવી ચૂક્યું છે.

ભાદરણ : પંચાયતની આવકનાં 50 ટકા સ્વચ્છતા માટે

બોરસદ તાલુકાના ભાદરણ ગામમાં 23 વોર્ડ અને 12 હજારની વસતિ છે. આ ગામમાં 50 વર્ષ અગાઉ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તમામ માર્ગો પાકા છે અને માર્ગની બાજુમાં બ્લોક પેવિંગ કરવામાં આવ્યું હોવાથી કચરો તો ઠીક ક્યાંય માટી કે ધૂળ પણ જોવા મળતી નથી. ભાદરણને સ્વચ્છ અને સ્વસ્થ ગામનો રૂ.2.70 લાખનો અને સ્વર્ણિમ ગામનો રૂ.4 લાખનો પુરસ્કાર મળ્યો છે.

થામણા : વાસરસામાં શીખ્યાં સ્વચ્છતાના પાઠ

ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં 13 વોર્ડ અને 5 હજાર ઉપરાંતની વસિત છે. થામણા ગામ સ્વચ્છતા માટે પ્રસિદ્ધ છે. ગ્રામજનોને સ્વચ્છતા વારસામાં મળી હતી. સ્વાતંત્ર્ય સેનાની બબલભાઈ મહેતાએ વર્ષ 1965માં જાતે સફાઇકામ કરીને ગ્રામજનોને જાગૃત કર્યા હતા. ત્યારથી તમામ ગ્રામજનો સ્વચ્છતા માટે નિયમબદ્ધ થઇને તેને જાળવી રાખી છે. વિશ્વના અનેક દેશોમાં ફરીને પરત આવેલાં એનઆરઆઇ સરપંચ ચંદ્રકાન્તભાઈ પટેલે (મુખી) વર્ષ 2002થી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન (ઘરે ઘેરથી કચરો ઉઘરાવવાનું) શરૂ કર્યુ હતું. સ્વચ્છતા માટે થામણાને વર્ષ 2004માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકારનો નિર્મળ ગામ એવોર્ડ ગુજરાત સરકાર તરફથી નિર્મળ ગામ એવોર્ડ અને રૂ.3 લાખનો પુરસ્કાર તથા શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો રૂ.2 લાખનો પુરસ્કાર મળ્યો છે.

ધર્મજ: વિદેશ ગયેલાં ગ્રામજનોએ ‘પેરિસ’ બનાવ્યું

પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં 25 વોર્ડ અને 11334ની વસતિ છે. વર્ષ 1895થી નોકરી ધંધા અર્થે વિદેશમાં ગયેલાં ગ્રામજનોએ ધર્મજને ચરોતરના ‘પેરિસ’ની ઉપમા અપાવી છે. વિદેશમાં જઇને સ્વચ્છતાનું મહત્વ સમજતાં ગ્રામજનોએ સ્વયં સ્વચ્છતા માટે અલર્ટ રહે છે. તેમજ સ્વચ્છતા માટે રોડ સ્લીપર જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં પણ અગ્રેસર રહે છે. પંચાયત દ્વારા જાહેરમાં કચરો નાખનાર પાસેથી રૂ.100નો દંડ વસૂલવાનો નિયમ બનાવવામાં આવ્યો છે, પરંતુ આજસુધી એકપણ વ્યક્તિ દંડાયો નથી.
 
વાસણા: મહિલાઓ રોજ અડધો કલાકનો સમય ફાળવે છે

‘પંચાયત દ્વારા ખેડાસા રોડ પર ઉકરડા માટે જમીન ફાળવવામાં આવી છે. જેથી ઘર કે ફળિયા આગળ વાસીદું (પશુના છાણ-મૂત્ર) નાખવાના બદલે અડધો કિમી ચાલીને ગામની બહાર નાખવા જઇએ છીએ. ગામમાં ઉકરડો ન રહે તે માટે દરરોજનો અડધો કલાક ફાળવીએ છીએ.’ - વિમળાબહેન ચાવડા, રહેવાસી, વાસણા(બો)

એનઆરઆઇ તરફથી સહયોગ મળે છે

‘વર્ષો અગાઉ વિદેશમાં સ્થાયી થયેલાં ગામના એનઆરઆઇ દ્વારા યુનાઇટેડ ટ્રસ્ટ ઓફ વાસણા બનાવવામાં આવ્યું છે, જેમાં એક કરોડનું ફંડ જમા કરવામાં આવ્યું છે. આ ફંડના વ્યાજની રકમના 75 ટકા શિક્ષણ માટે અને 25 ટકા સફાઇ માટે ખર્ચવામાં આવે છે. આ ફંડની રકમમાંથી તમામ દુકાનદારોને કચરાંપેટી આપવામાં આવી છે.’ - ચેતનભાઈ પટેલ, સરપંચ, વાસણા(બો)
 
શેરીઓમાં સફાઇની જવાબદારી રહીશોની

‘ગામમાં શેરીઓ અને ફળિયામાં સફાઇની જવાબદારી રહીશોએ ઉપાડી લીધી છે. દરરોજ સવારનાં મહિલાઓ જાતે ઘરઆંગણું અને શેરીમાં સફાઇ કરે છે. આ કચરો ભેગા કરીને કચરાપેટીમાં રાખીએ છીએ. પંચાયતની ટેમ્પીની સાયરન સંભળાય એટલે ટેમ્પીમાં જઇને કચરો ઠાલવી દઇએ છીએ. ગામનાં માર્ગોનું સફાઇકામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.’ -મનિષાબેન પટેલ રહેવાસી, વાસણા(બો)

દારૂખાનાના કચરાંમાંથી પંચાયતને આવક

વાસણા (બો) ગ્રામ પંચાયતમાં 30મી જૂન, 2014ના રોજ ગામમાં લગ્નપ્રસંગે દારૂખાનું ફોડવું હોય તો રૂ. 150 પંચાયતમાં ભરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેથી દારૂખાનું ફોડવામાં આવે ત્યારબાદ પંચાયત દ્વારા ત્યાં તાકીદે સફાઇ કરી દેવામાં આવે છે. જેનાંથી ચાર મહિનામાં જ પંચાયતને રૂપિયા બે હજારની આવક થઇ છે.
 
ભાદરણ: વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીનો ઉપયોગ

‘પંચાયતના 25 સફાઇ કર્મીઓ દ્વારા સફાઇ કામ કરવામાં આવે છે. સફાઇ કામમાં નિયમિતતા જળવાય તે માટે સફાઇકર્મીઓની હાજરી માટે પંચાયતમાં ઇલેક્ટ્રિક મશીન મુકવામાં આવ્યું છે. દરરોજ 8થી 10 ટ્રેકટર ભરીને કચરાંનો ગામની બહાર ફાળવેલી જમીનમાં નિકાલ કરવામાં આવે છે. સ્વચ્છતા માટે સરકાર તરફથી મળેલી પુરસ્કારની રકમમાંથી જેટિંગ મશીન ભાડે લાવીને ડ્રેનેજની સફાઇ કરવામાં આવી હતી. જેથી ગટરલાઇન લીંકેજ થવાનો કે ચોકઅપ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી.’ - હંસાબેન રાણા, સરપંચ, ભાદરણ
 
3000 કચરાંપેટીનું પંચાયતે કરેલું વિતરણ

‘પંચાયત દ્વારા ગામના તમામ ઘર અને દુકાનોમાં 3000 કચરાંપેટી આપવામાં આવેલી છે. ગ્રામજનો ઘરની કે દુકાન આગળ મુકેલી કચરાંપેટીમાં જ કચરો નાખે છે. આ કચરો સફાઇ કર્મીઓ આવીને લઇ જાય છે. ગ્રામજનોએ સ્વયં સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે.’ - જલ્પેશ પટેલ, રહેવાસી, ભાદરણ

ગામને ડસ્ટ ફ્રી બનાવ્યું
 
ગામના માર્ગો પાકા હતાં, પરંતુ માર્ગની બાજુમાંથી ધૂળ ઉપર ના આવે તે માટે દાતાઓ તરફથી મળેલાં રૂ. દોઢ કરોડના ખર્ચે તમામ જગ્યાએ બ્લોક પેિવંગ કરવામાં આવ્યું છે. ગામના કોઇપણ ખૂણે માટી કે ધૂળ જોવા નહીં મળે. જાહેરમાં કચરો નાખનારાં પાસેથી રૂ.100નો દંડ વસૂલવાનો નિયમ છે, પરંતુ એકપણ વ્યક્તિ દંડાયો નથી.
 
થામણા : વિદેશની સિસ્ટમનો વતનમાં અમલ

‘ગામમાં સ્વચ્છતા વારસામાં મળી હતી. છતાં સમય અનુસાર સ્વચ્છતા માટે સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો અને ઘેર-ઘેરથી કચરો ઉઘરાવવાની પરદેશમાં ચાલતી સિસ્ટમને ગામમાં અમલમાં મુકી હતી. ગામમાં તમામ ઘર અને દુકાનદીઠ ડસ્ટબિન આપવામાં આવેલાં છે. કચરો ડસ્ટબિનમાં નાખવો એ ગામના નાના બાળકોથી લઇને વડિલોએ નિયમ બનાવી દીધો છે. ડસ્ટિબનમાં એકત્ર થતો કચરો દરરોજ સફાઇ કર્મીઓ લઇ જઇને વ્યવસ્થિત નિકાલ કરે છે.’ - ચંદ્રકાન્ત પટેલ (મુખી), સરપંચ, થામણા.
 
વડિલોએ સ્વીકારેલી જવાબદારી

‘ગામનું સ્મશાનગૃહ, બગીચો અને માર્ગો પર સ્વચ્છતા જળવાઇ રહે તેની જવાબદારી થામણા સિનિયર સિટીઝન ફોરમે સ્વીકારેલી છે. મહિનામાં બે વખત ફોરમના સભ્યો સફાઇકાર્ય કરે છે. ગામનાં માર્ગો પર કયાંય કાગળ કે પ્લાસ્ટિક પડ્યું હોય તો તે પણ વીણી લે છે. બબલભાઇ મહેતાની પ્રેરણાંથી શરૂ થયેલું શ્રમકાર્ય આજે પણ ચાલું છે.’
-ચંદ્રકાન્ત એસ. પટેલ, પ્રમુખ, સિનિયર સિટીઝન ફોરમ, થામણા.

લગ્નપ્રસંગે દારૂખાનું ફોડવા વેરો ભરવો પડે

લગ્નપ્રસંગે દારૂખાનું ફોડવામાં આવતાં માર્ગ પર કચરો થતો હોય છે, જેથી વર્ષ 2002થી પંચાયત દ્વારા પ્રસંગોપાત દારૂખાનું ફોડવા માટે રૂ.200નો ટેકસ વસૂલવામાં આવે છે. જેનાં કારણે પંચાયતને દર વર્ષે રૂ.2500 ઉપરાંતની આવક થાય છે.
 
ધર્મજ: એકપણ વ્યક્તિ દંડાયો નથી

‘ધર્મજમાં ગ્રામજનોના સહકારથી પંચાયત દ્વારા નિયમિત સફાઇકામ થાય છે અને ગામમાં સ્વચ્છતા જળવાય છે. આમછતાં જાહેરમાં કચરો નાખનાર જોવામાં આવે તો રૂ.100નો દંડ કરવાનું પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જોકે, આજદિન સુધીમાં એકપણ વ્યક્તિને દંડ થયો નથી. કારણ કે ધર્મજનાં લોકો સ્વયં શિસ્તથી વર્તે છે.’ - વિજયભાઈ પટેલ, સરપંચ, ધર્મજ.

સ્વચ્છતા માટે સુઘળ વ્યવસ્થા

‘પંચાયતના તમામ વોર્ડ દીઠ કચરાંપેટી મુકવામાં આવી છે. સફાઇ કર્મીઓ દ્વારા ઘેર-ઘેરથી કચરો ઉઘરાવીને કચરાંપેટીમાં ઠાલવવામાં આવે છે. આ કચરાંનો ટ્રેકટરથી ગૌચરમાં આવેલી ડમ્પિંગ સાઇટ પર નિકાલ કરવામાં આવે છે. વર્ષ 1970-71માં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાખ્યાં બાદ તમામ માર્ગો પાકા બનાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી ગામમાં કયાંય ખુલ્લી નીક, ખાબોચિયાં, ઉકરડાં કે કચરાંનાં ઢગ જોવા મળતાં નથી. સવારના શેરીઓ અને ફળિયાની સફાઇ બાદ બપોરનાં માર્ગોની સફાઇ કરવામાં આવે છે. જેમાં રોડ સ્લીપરનો ઉપયોગ કરીને માર્ગો પરથી ધૂળ પણ ઊઠાવી લેવામાં આવે છે.’ - ભરતભાઈ બારડ, તલાટી, ધર્મજ.
 
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડ્યો

‘સૌથી વધુ કચરો પ્લાસ્ટિકના કારણે થતો હોવાથી ગ્રામજનોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી દીધો છે. શાકભાજી લેવા પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવામાં આવે છે.’ - હિમાંશુ પટેલ, રહેવાસી, ધર્મજ.

સ્વચ્છતા માટે ગ્રામજનો પહેલેથી અલર્ટ

‘ગામમાં સ્વચ્છતા જાળવવા પંચાયત જ નહીં તમામ ગ્રામજનો પણ જવાબદારીપૂર્વક વર્તે છે. ગામમાં કયાંક કચરો દેખાય તો તરજ જ પંચાયતને જાણ કરીને દૂર કરાવીએ છીએ. કોઇ ખુલ્લામાં કચરો નાખે તો પણ અટકાવીએ છીએ. અહીં કચરો ફેંકવો એ નીચે જોવા જેવું કૃત્ય ગણવામાં આવે છે.’ - નૈનેષ પટેલ, વહીવટી અધિકારી, ધર્મજ.


 

Loading...

Loading...