ગુજરાતનું પ્રથમ ગ્રિન સિટી: ગાંધીનગરમાં સૌથી વધુ 8.66 લાખ જેટલાં વૃક્ષો

04 Nov, 2014

ગુજરાત રાજયની લીલૂંડી ધરતી પર જુદી જુદી 410 જાતિનાં 30.14 કરોડ વૃક્ષો 6.30 કરોડ ગુજરાતીઓનું જતન કરી  રહ્યા છે. વિકાસ કામોને લઇને દર  વર્ષે હજારોની સંખ્યામાં વૃક્ષો કપાઇ રહ્યા છે તો બીજી તરફ તેની ખોટ પુરવા વન વિભાગ તથા સામાજીક વનીકરણ હેઠળ સરકાર ગુજરાતની હરીયાળી જાળવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે ગુજરાતનાં 8 મહાનગરોમાં ગાંધીનગર મહાનગર હરીયાણી સંપતિમાં નંબર 1 હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતનાં મેગા શહેરોમાં વિકાસ કામોને લઇને વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યુ હોવાની બાબત વારંવાર ચર્ચાનો મુદ્દો બનતો રહે  છે. દર વર્ષે હજારોની  સંખ્યામાં વૃક્ષો  કપાતા રહે છે. તો બીજી તરફ સરકાર કપાયેલા વૃક્ષોની સામે હરીયાળી  જાળવવા અન્ય વિસ્તારોમાં વૃક્ષો ઉગાડવામાં આવતા હોવાનો દાવો કરતી રહે  છે. ત્યારે ગુજરાતની 8 મહાનગર પાલીકાઓ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ, જામનગર તથા  જુનાગઢ મહાનગર પાલીકા વૃક્ષોની સંખ્યાની દ્રષ્ટિએ કેટલી સમૃધ્ધ છે તે દિશામાં એક નજર કરીએ.

‘સ્ટેટસ  ઓફ ટ્રી કવર ઓફ  ગુજરાત અર્બન એરીયા’ માં ગુજરાત વન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ગાંધીગનર મહાનગર પાલીકા સૌથી સમૃધ્ધ હોવાનું સામે  આવ્યુ છે. ગુજરાતની આ 8 મહાનગર પાલીકાનાં કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા 33,00,975 હોવાનું નોંધાયુ છે. જેમાં ગાંધીનગર  મહાનગર પાલીકાનાં  વિસ્તારમાં સૌથી વધુ 8.66 લાખ જેટલા વૃક્ષો લહેરાઇ રહ્યા છે.
 
ગાંધીનગર મહાનગર પાલિકામાં લીંમડો, ગોરાડ, આસોપાલ, ગાંડો બાવળ, દેશી બાવળ તથા ગરમાળા સહિત વિવિધ જાતિનાં વૃક્ષો જોવા મળે છે. જેમાં સૌથી વધુ સંખ્યા લીમડાની 1.42 લાખ, આસોપાલવ, 70 હજાર, કણજી 41 હજાર તથા દેશી બાવળની સંખ્યા 40 હજાર છે.

- રાજયમાં ગુડાનાં ગામો પણ હરિયાળા

રાજયનાં  શહેરી વિકાસ સતા મંડળ હેઠળ આવતા વિસ્તારોમાં પણ ગાંધીનગર શહેરી વિકાસ  સતા મંડળ (ગુડા)નાં ગામોસૌથી હરીયાણા હોવાનું છે.  ગાંધીનગનાં 39 ગામોમાં ગણતરી મુજબ   38,800 હેકટર વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા 22,60,100 નોંધાઇ હતી. રૂડા(રાજકોટ)માં 1.66 લાખ, ઔડા(અમદાવાદ) વિસ્તારમાં  7.95 લાખ, વુડા(વડોદરા) વિસ્તારમાં 1.81 લાખ, સુડા(સુરત) વિસ્તારમાં 4.64 લાખ, બડા(ભાવનગર) વિસ્તારમાં 1.80 લાખ, જુડા(જુનાગઢ) વિસ્તારમાં 3.70 લાખ, જડા (જામનગર) વિસ્તારમાં 3.08 લાખ વૃક્ષોની સંખ્યા નોંધાઇ છે.
 
- જિલ્લામાં 10 વર્ષમાં 10 લાખ વૃક્ષોનો ઉમેરો

સોશીયલ ફોરેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2013માં કરવામાં આવેલી ગણતરી પ્રમાણે જિલ્લામાં 10 લાખ વૃક્ષો ઉમેરાયા છે. આ ગણતરી મુંજબ વર્ષ 2003માં 123.59 લાખ વૃક્ષો જિલ્લામાં નોંધાયા હતા. વર્ષ 2013માં આ સંખ્યા વધીને 133.81 લાખને આંબી ગઇ છે.

- શહેરનાં  એક નાગરિક દીઠ ચાર વૃક્ષો

રાજયની જુદી જુદી મહાનગરપાલીકાઓ અમદાવાદ પાસે પ્રતિ 100 વ્યકિતએ 11.08 વૃક્ષો, સુરત પાસે 7.48 વૃક્ષો, વડોદરા પાસે 44.82 વૃક્ષો, ગાંધીનગર પાસે 416 વૃક્ષો, રાજકોટ પાસે 10 વૃક્ષો, ભાવનગર પાસે 88 વૃક્ષો,  જુનાગઢ પાસે 23 વૃક્ષો તથા જામનગર પાસે 9 વૃક્ષો નોંધાયા છે.