ગુજરાતી મહિલાએ દૂધમાંથી 44 લાખની કરી કમાણી: ટેક્નોલોજીથી રહે છે અપડેટ

26 Nov, 2014

બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકાના સલેમપુરા ગામનાં નિરક્ષર મહિલા ઈશાબહેન પશુપાલનના વ્યવસાયથી ડેરીમાં દૂધ ભરાવીને વાર્ષિક રૂ.44 લાખની કમાણી કરી પશુપાલન ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. નિરક્ષર મહિલાએ પશુપાલનના વ્યવસાયથી પરિવારને સમૃદ્ધ બનાવી મહિલાઓને પ્રેરણા પૂરી પાડી છે.

 પાલનપુર તાલુકાના સલેમપુરા ગામે રહેતાં ઇશાબહેન મેડાત (ઉ.વ.52) પતિ લખુભાઇ અને ત્રણ પુત્રો અશોકભાઇ, મહેશભાઇ અને પરેશભાઇ સાથે રહે છે. તેમના શબ્દોમાં જ તેમણે મેેળવેલી સમૃદ્ધિની ગાથા સાંભળીએ તો શરૂઆતમાં 15 પશુઓનું દૂધ ડેરીમાં ભરાવતાં હતાં. જેમાં ફાયદો જણાતાં મહેનતથી ધીમેધીમે  વધુ પશુ ખરીદી તબેલો બનાવ્યો હતો. જેમાં હાલમાં 62 ગાયો અને 17 ભેસો છે. આ પશુઓનું દૂધ મંડળીમાં ભરાવી દર માસે રૂ. ત્રણથી સાડા ત્રણ લાખ અને વાર્ષિક રૂ.44 લાખની આવક મેળવી રહ્યાં છે.
 
જેમાં પશુઓના છાણથી તૈયાર કરેલું ખાતર જરૂરિયાત મુજબ પોતાની 8 એકર જમીનમાં નાખ્યા બાદ બાકીનું ખાતર વેચવાથી વાર્ષિક રૂ. દોઢ થી બે લાખ ઉપજે છે. પશુઓ ન હતા ત્યારે આર્થિક સંકડામણમાં જીવતો પરિવાર આજે દૂધના વ્યવસાયથી સમૃદ્ધ બન્યો છે. ત્રણેય પુત્રો ગ્રેજ્યુએટ થયા છે. જેમાં એક પુત્ર વર્તમાન સમયે ગામના સરપંચ છે. જ્યારે બે પુત્રો માર્કટયાર્ડમાં પેઢી ધરાવે છે.

મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે

નિરક્ષર ઈશાબહેન પશુઓ વધારે હોઈ દોહવામાં પહોંચી ન વળતાં મોર્ડન ટેક્નોલોજીનો સહારો લીધો છે અને પશુ દોહવા માટે મશીનનો ઉપયોગ પણ કરે છે.

મુખ્યમંત્રી, રાજ્યપાલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત ર્ક્યા

 બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને બનાસડેરી દ્વારા બનાસલક્ષ્મી એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં ઇશાબહેન ‌વર્ષ 2006થી 2014 દરમિયાન પ્રથમ, બીજા કે ત્રીજા સ્થાને  રહ્યાં છે. ઉપરાંત વર્ષ 2008 અને 10માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમજ વર્ષ 2010માં રાજ્યપાલ કમલાદેવી બેનીવાલ સહિતના અગ્રણીઓના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત ર્ક્યો છે.

Loading...

Loading...