International

ઓસી.માં ગુજરાતી યુવતીની બોલબાલા: ગોરાઓને ખવડાવે છે 'MODI કેક'

મોદીની ઓસ્ટ્રેલિયા વિઝિટના છેલ્લા પડવા એવા મેલબોર્નમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. સિડનીમાં આયોજિત પીએમના કોમ્યુનિટી રિસેપ્શનમાં અહીંયાથી ખાસ 'મોદી એક્સપ્રેસ' ટ્રેન ઉપાડવામાં આવી હતી. મોદી જ્યારે ઇલેક્શનમાં વિજયી બન્યા હતા ત્યારે મેલબોર્નમાં હોમ બેકરી ચલાવતા એક પ્રોફેશનલ બેકરે એક ખાસ મોદી કેક તૈયાર કરી હતી. મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસની અંતિમ કડી સમા મેલબોર્નમાં રહેતા આ પ્રોફેશનલ બેકર મૂળ ગુજરાતી અને અમદાવાદી છે. દિવ્યભાસ્કર.કોમે આ અમદાવાદી અને પ્રોફેશનલ બેકર શ્રૃતિ સાથે ખાસ વાત કરી અને મેલબોર્ન શહેર, ત્યાંની રહેણીકરણી અને તેમની ખાસ કેક અંગે ખાસ વાત શેર કરી હતી.
 
શ્રૃતિ અમદાવાદી હોવાની સાથે મેલબોર્નમાં એગલેસ હોમ બેકરી ચલાવે છે. ઇન્ડિપેન્ડેન્ટ અને આંત્રપ્રિન્યોર એવી 30 વર્ષીય શ્રૃતિએ જણાવ્યું હતું કે, હું તો પાક્કી અમદાવાદી છું. હું મણિનગરમાં રહેતી અને સ્કૂલિંગ દીવાન બલ્લુભાઇમાં જ થયું. બાદમાં આઇટીમાં એન્જિનિયરિંગ કમ્પ્લિટ કર્યું. લગભગ છ વર્ષ આઇટી કંપનીમાં જોબ કરી, ધેન મેરેજ કર્યા ને ઓસ્ટ્રેલિયા આવવાનું થયું.

અમદાવાદથી ઓસ્ટ્રેલિયા આવ્યા બાદના શરૂઆતના અનુભવો અંગે શ્રૃતિ જણાવે છે કે, હું 2012ના અંતમાં ઓસ્ટ્રેલિયા આવી. શરૂઆતમાં મને અહીંના માહોલમાં સેટ થતાં સમય લાગ્યો હતો. પરીવાર અને મિત્રોની ખૂબ યાદ આવતી હતી તો સામે નવા કલ્ચર, નવી લાઇફ સ્ટાઇલ અને નવા સ્થળો જોવાની -સમજવાની મજા પણ આવતી હતી અને સમય જતાં અહીંની નવી લાઇફસ્ટાઇલમાં પોતાની જાતને ઢાળી દીધી. જો કે, અહીંયાની ઠંડી ટેરિફિક હોય. એમાંય અહીંયાનો પહેલો શિયાળો બહુ ટફ હતો, કારણ કે અહીંયા શિયાળો આઠ મહિના ચાલે.

આઇટી એન્જિનિયરમાંથી પ્રોફેશનલ બેકર કેવી રીતે બન્યા?ના જવાબમાં તે કહે છે કે, આમ તો હું ઇન્ડિયામાં હતી ત્યારે પણ ફૂડ બ્લોગિંગ કરતી જ હતી. હું SJ નામ સાથે ફૂડ બ્લોગ લખતી ને તે સિવાય હું જોબ તો કરતી જ હતી. લગ્ન પછી મેલબોર્ન આવ્યા બાદ શરૂઆતનો સમય તો સેટ થવામાં જ નીકળી ગયો. થોડાક જ મહિનાઓમાં બધું સેટ થઇ ગયું, પણ પછી ઘરમાં કંટાળો બહુ આવતો. અહીંયા પરિવાર કે મિત્રોની બર્થ-ડે હોય ત્યારે હું જાતે જ કેક તૈયાર કરતી જે લોકોને પસંદ પણ આવતી. કેકની પ્રશંસાને કારણે હું પણ વિવિધ ફ્લેવર્સની અલગ-અલગ ટેક્નિકની કેક બનાવતી થઇ. ધીમે ધીમે મારી બેકિંગ સ્કિલ્સ ઇમ્પ્રૂ થવા માંડી.  પછી અચાનક એક દિવસ અમદાવાદી દિમાગમાં આઇડિયા આવ્યો ને મેં SJ BAKES 'Eggless' Bakery નામની હોમ બેકરી શરૂ કરી. મારી હોમ બેકરીની ખાસિયત હતી એગલેસ કેક, પેસ્ટ્રી ને ડીઝર્ટ. અહીંયા એગલેસ કેક્સ મળે પણ ફ્લેવર્સમાં કોઇ વેરિએશન ના મળે આથી SJ BAKES એ વિવિધ ફ્લેવર્સની  પ્રોવાઇડ કરવાનો મારો પ્લાન હતો.

લગભગ ચારેક મહિના પહેલા SJ BAKESનો શુભારંભ થયો ને તે અંગે શ્રૃતિ જણાવે છે કે, આ બિઝનેસની શરૂઆતમાં ગ્રાહકો તરીકે ફક્ત થોડા મિત્રો જ હતા. પણ બાદમાં એકબીજાના સંપર્કથી મારા કસ્ટમર બેઝમાં પણ વધારો થવા લાગ્યો. પછી તો કેટલાંક ઓસ્ટ્રેલિયન નાગરિકો જે વેજિટેરિયન અને વેગન હોય તે પણ કેક લેવા આવવા લાગ્યા. અહીંયાના બાળકોમાં પોપ્યુલર એવી peppa pigની થીમ પર સાત-આઠ અલગ-અલગ કેક મેં તૈયાર કરી છે. હાલમાં જ ફેશન અને ગેજેટ થીમ્સ પર પણ કેક બનાવી છે. મોદી જ્યારે ઇલેક્શન જીત્યા ત્યારે અહીંયાના એક મોદી ફેને ખાસ કેક તૈયાર કરાવી હતી.

અમદાવાદી આંત્રપ્રિન્યોર ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ સેટઅપ અંગે જણાવે છે કે, જો તમે અહીંયાના કાયદાઓ બરાબર રીતે ફોલો કરો તો બિઝનેસ સેટઅપ કરવો એટલો મુશ્કેલ નથી. હું હોમ બેકરી ચલાઉં છું ને ખાસ કરીને ફેસબુક પેજ કે ઇમેલથી ઓર્ડર લઉં છું. અહીંયાના લોકો બહુ સારા છે. કલ્ચર અલગ છે એટલે અમુક ફરક તો રહેશે જ. ટીનેજર્સ એકદમ ફાસ્ટ હોય જ્યારે અહીંયાના વૃદ્ધો ખૂબ પ્રેમાળ છે.
 
પોતાના ડ્રીમ અંગે શ્રૃતિ જણાવે છે કે, મારે તો હજુ કેટલીય નવી બેકિંગ ટેક્નિક્સ શીખવી છે અને બેકિંગ પ્રોફેશનલ બનવું છે. ભવિષ્યમાં બિઝનેસ માટે મારે એક વેબસાઇટ અથવા મોબાઇલ પણ બનાવવી છે. 

મેલબોર્નના ભરપેટ વખાણ કરવા છતાં શ્રૃતિ અમદાવાદને જ પ્રથમ પ્રેફરેન્સ આપે છે. તે કહે છે કે, અમદાવાદની તો વાત નિરાળી છે. સવારના ફાફડા જલેબી, લો ગાર્ડનની શોપિંગ ને દર ચાર રસ્તે મળતી રેસ્ટોરાં અહીંયા ક્યાં? આ બધી વસ્તુઓ અને ખાસ કરીને આપણું ખાવાનું હું સૌથી વધુ મિસ કરું છું.
 
શ્રૃતિ એક્સ્પીરિયન્સ ફૂડ બ્લોગર છે. તેઓ છેલ્લા ચાર વર્ષોથી SJના નામથી ફૂડ બ્લોગ લખે છે, જ્યાં અઢળક વેજિટેરિયન વાનગીઓ અંગે તમે જાણી શકશો.
ફૂડ બ્લોગ- http://cookingwithsj.com
 SJ Bakes 'Eggless' Bakeryની વિવિધ કેક તથા અન્ય વાતો જાણવા માટે ફેસબુક પેજ- https://www.facebook.com/sjbakeseggless ની વિઝિટ કરી શકો છો.

 

Source By : Divyabhaskar

Releated Events