બી એડનો અભ્યાસક્રમ હવે બે વર્ષનો થશે

20 Dec, 2014

 દેશભરમાં ગુણવત્તા શિક્ષણની માગને જોતા નેશનલ કાઉન્સિલ ફોર ટિચર એજન્યુકેશન આગામી વર્ષથી BEdના સમયગાળામાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. હવેથી બીએડનો એક વર્ષનો સમયગાળો બે વર્ષ લાંબો બનશે, આ સાથે તેના અભ્યાસક્રમમાં પણ ફેરફારો કરાશે.

હવેથી શિક્ષક બનવા માટે પણ ચાર વર્ષનો સમય લાગશે. બીએડ કરવા માટે કોઈ પણ શાખામાંથી ગ્રેજ્યુએટ હોવું અનિવાર્ય છે. જે બાદ ઉચ્ચ માધ્યમિક ધોરણોમાં ભણાવવા માટે MEd કરવું પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ફેરફારથી વિદ્યાર્થીઓને ઘણું શિખવાનું રહેશે. હાલમાં BE માટે ચાર વર્ષ અને MBBS માટે સાડા ચાર વર્ષનો સમય લાગતો હોય છે.

નવા ફેરફારો પ્રમાણે વિદ્યાર્થીએ એડમિશન લીધાના ત્રણ વર્ષમાં ફરજિયાત રીતે બીએડ પૂરું કરવાનું રહેશે. સમગ્ર વર્ષ દરમિયાન વર્ગમાં ૮૦ ટકા હાજરી ફરજિયાત બનશે. એટલું જ નહીં બીએડ કરાવતી કોલેજો પાસે ૨૫ વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો અનિવાર્ય બનશે.

NCTEના પ્રાદેશિક ડિરેક્ટર પી. રેવાથી રેડ્ડીના જણાવ્યાનુસાર નવો અભ્યાસક્રમ તમામ યુનિવર્સિટીઓને મોકલી આપવામાં આવશે. આ સુધારાનો મૂળ હેતુ દેશમાં ગુણવત્તા યુક્ત શિક્ષકો તૈયાર કરવાનો છે, અને તમામ યુનિવર્સિટી, કૉલેજોએ નવો નિયમ પાળવાનો રહેશે.

ગુજરાતમાં હાલ અંદાજે ૪૨૦ જેટલી બીએડ કોલેજો છે.  NCTEના સર્ક્યૂલર પ્રમાણે રાજ્યના તમામ કોલેજોએ આ નવો અભ્યાસક્રમ સ્વીકારવાનો રહેશે. જોકે જો કોઈ કૉલેજ ઈચ્છે તો તે પોતે અભ્યાસક્રમના અમલીકરણમાં અક્ષમ હોવાની રજૂઆત કરી શકે છે. જોકે આવું બનવાની શક્યતા નહીવત જેવી છે. જે કોલેજોને નવા માળખા પ્રમાણે માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધાઓ જોઈતી હશે તેમને પણ માન્યતા મળશે.

શિક્ષણ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પણ અગાઉ ૨૫૦ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો સાથે બેઠક યોજી  બીએડના અભ્યાસક્રમને અસરકારક બનાવવા બેઠક કરી હતી. આ બેઠકમાં વર્તમાન બીએડ, એમએડનો અભ્યાસક્રમ શિક્ષકોની તાલીમ માટે પુરતો નથી તેઓ મત વ્યક્ત કરાયો હતો.

જુલાઈમાં નેશનલ કાઉન્‍સિલ ફોર ટીચર્સ એજ્‍યુકેશન દ્વારા ગઠીત સમિતિએ આ એક્‍સટેન્‍શનનો અમલ પાંચ વર્ષના સમયગાળામાં કરવાની ભલામણ કરી હતી, જેની શરૂઆત શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી કરીને તેની સમાપ્તિ ૨૦૧૯-૨૦માં કરવી જોઈએ એવું સુચન હતું.

Loading...

Loading...