ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિ, વીજળી અને વેટમાં રાહત આપી

14 Nov, 2014

લાંબા સમય બાદ બુધવારે રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસી (2014-'19) જાહેર કરી હતી. આ પોલિસીમાં વેટમાં રાહત અને સીએસટીમાં 100 ટકા વળતર આપવામાં આવશે તેવી જાહેરાત મુખ્યપ્રધાને જાહેર કરેલી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીમાં કરવામાં આવી છે. રાજ્ય સરકાર 2020 સુધીમાં આ ક્ષેત્રમાં 5 લાખ રોજગારીની તકો સાથે આ ક્ષેત્રના ટર્ન ઓવરને રૂપિયા 16 અબજ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખી રહી છે.

રાજ્ય સરકારના પ્રવક્તા નીતિન પટેલ અને સૌરભ પટેલે જણાવ્યું હતું કે, "આ નવી પોલિસીથી રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કલ્સ્ટર ધરાવતા ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન્ડ ફિલ્ડ એકમોનો વિકાસ થશે. સાયન્સ એન્ડ ટેક્‌નોલોજી વિભાગે જારી કરેલી પોલિસીમાં જીટુબી (ગવર્નમેન્ટ ટુ બિઝનેસ)ને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે.
ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની માંગ અને પુરવઠા સંદર્ભમાં વર્ષ 2020 સુધીમાં આ ક્ષેત્રની આયાત ભારતમાં પેટ્રોલિયમ પેદાશોની આયાતથી પણ વધી જવાની સંભાવનાને ધ્યાને લઈને નવી પોલિસીમાં નવા એકમો માટે વિશેષ મહત્ત્વ અપાયુ છે. વડાપ્રધાને જારી કરેલા મેક ઇન ઇન્ડિયા કેમ્પેનને અનુરૂપ પ્રોત્સાહનો આ નીતિમાં આપવામાં આવ્યાં છે.

આ પોલિસીમાં જે પ્રોત્સાહનો આપવમાં આવ્યાં છે, તેમાં સેમિ-કંડક્ટર ફેબ્રિકેશન એકમો, મેગા એકમો, એન્કર એકમોને ખાસ પ્રોત્સાહન, ગ્રીન ફિલ્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને રૂપિયા 10 કરોડની મર્યાદામાં 25 ટકા સુધી સહાય, નોંધણી ફી તથા સ્ટેમ્પ ફીમાંથી મુક્તિ, નવા કે વિસ્તરણ પામનારા એકમોને વેટમાં મૂડીરોકાણના 90 ટકા સુધીનું વળતર, સેન્ટ્રલ સર્વિસ ટેક્સમાં 100 ટકા વળતર, વ્યાજ સબસીડીમાં નાના એકમોને પાંચ વર્ષ માટે સાત ટકા (રૂપિયા 25 લાખની મર્યાદામાં) સબસીડી અને મોટા એકમોને 2 ટકા (રૂપિયા 50 લાખની મર્યાદામાં) સબસિડી, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન એકમોને વીજદરમાં પાંચ વર્ષ માટે રૂપિયા 1 પ્રતિ યુનિટ સબસીડી, પાત્રતા ધરાવતા એકમોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં 100 ટકા મુક્તિ, પાંચ લાખની મર્યાદામાં ઇપીએફ રાહત અન્વયે મહિલા કર્મચારીઓને 100 ટકા અને અન્યોને 75 ટકા રાહતનો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે તાલીમી સંસ્થાઓ અને તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે.

રાજ્ય સરકાર 2020 વર્ષ સુધીમાં આ ક્ષેત્રમાં 5 લાખ રોજગારીની તક સાથે આ ક્ષેત્રના ટર્નઓવરને 16 અબજ સુધી લઈ જવાની યોજના ધરાવે છે. આ ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ મિશનની સ્થાપના કરવામાં આવશે. રાજ્ય સરકાર રાજ્યમાં સેમિ-કંડક્ટર ફેબ્રિકેશન એકમો તથા નવાં રોકાણોને પ્રોત્સાહન આપશે.

Loading...

Loading...