દેવભૂમિ દ્વારકાને મળ્યું આવું જોરદાર સ્થાન, જાણીને તમને થશે ગર્વ

20 Dec, 2014

કેન્દ્ર સરકારના શહેર વિકાસ મંત્રાલય દ્વારા હદય હેરીટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના અંતર્ગત દેશના 12 શહેરોનો હેરીટેજ સિટી તરીકે વિકાસ કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા શહેરની પસંદગી કરવામાં આવી હોવાનું જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમે જણાવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી યોજના સાથે ગત અંદાજપત્રમાં હેરીટેજ સિટી ડેવલપમેન્ટની નાણામંત્રીએ ઘોષણા કરી હતી. તે યોજનામાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વૈંકૈયા નાયડુએ ગુજરાત રાજ્યમાંથી દ્વારકા શહેરની પસંદગી કરી છે. સંસદસભ્ય પુનમબેન માડમના જણાવ્યા અનુસાર હ્ય્દય હેરીટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના અંતર્ગત દ્વારકા શહેરનો આગામી ચાર વર્ષમાં સર્વાગી વિકાસ કરવામાં આવશે, અને તેના ફળ સ્વરૃપે દ્વારકામાં આવતા યાત્રિકોને તેમજ દ્વારકાના સ્થાનિક રહેવાસીઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. સાથે સાથે તેના હેરીટેજ મુલ્યને યથાવત જાળવી વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના નિર્દેશ મુજબ આગામી ચાર વર્ષમાં દ્વારકા શહેરના સર્વાગી વિકાસની કામગીરી પૂર્ણ થશે.

હેરીટેજ યોજનામાં દેશના 12 શહેરોમાં તેમના સંસદીય મત વિસ્તારમાંથી દ્વારકાની પસંદગી થતા સંસદીય મત વિસ્તારના તમામ પ્રજાજનો વતી તેમજ વિસ્તારના સંસદસભ્ય પુનમબેન માડમે વડાપ્રધાન અને શહેરી વિકાસ મંત્રીનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો.

Loading...

Loading...