વાપી શહેર દેશનું સૌથી પહેલું વાઈફાઈ શહેર બનશે

31 Jan, 2015

આઝાદી બાદ વાપીમાં પહેલીવાર ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૪માં ગાંધીનગરથી પ્રતિમા મુકવાના આદેશ બાદ છેક આજે ગાંધી નિર્વાણ દિને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે વાપી શહેરને દેશનું સૌથી પહેલું વાઈફાઈ શહેર બનાવવા જનભાગીદારીથી પ્રયાસ શરૃ કરાયા હોવાનું જણાવ્યું હતું. વીજ કટોકટીને નિવારવા સમગ્ર વાપી શહેરમાં એલઈડી લગાવવાનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું.
આઝાદીથી અત્યાર સુધી વાપીમાં ગાંધીજીની પ્રતિમાનુ ક્યાંય નામોનિશાન ન હતું. ગાંધી જયંતિ કે ગાંધી નિર્વાણ દિને ગાંધીપ્રેમીઓએ ગાંધીજીના ફોટાને સુતરની આંટી પહેરાવી સંતોષ માનવો પડતો હતો. આ બાબતે વર્ષ ૨૦૦૭માં વાપી નગરપાલિકામાં પ્રતિમા પ્રસ્થાપિત કરવાનો ઠરાવ પણ કરાયો હતો. જોકે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આળસને કારણે તે પણ શક્ય ન બન્યું. આખરે વર્ષ ૨૦૧૪માં ગાંધીજીની પ્રતિમા મુકવાનો ગાંધીનગરથી આદેશ કરાતાં આખરે આજે પીડબલ્યુડી ચાર રસ્તા પર ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી આ વિસ્તારને ગાંધી સર્કલ નામ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું  કે વાપી શહેરમાં વિકાસની તકો પુષ્કળ રહેલી છે. જેને લઈ સમગ્ર દેશમાં વાપી શહેરને સૌથી પહેલું વાઈફાઈ સેન્ટર બનાવવા માટેની ગતિવિધિઓ શરૃ કરી દેવાઈ છે. વાપીને સ્માર્ટ શહેર બનાવવાની કામગીરી અંતર્ગત સમગ્ર વાપીમાં એલઈડી લાઈટ લગાવવા માટે પ્રયાસો પણ થઈ રહ્યા છે. જેને કારણે વીજળીની ખાસ્સી બચત થઈ શકે તેમ છે. વાપી પાલિકામાં ટુંક સમયમાં  ત્રણ સિવિક સેન્ટર, ક્લબ હાઉસ, સ્વીમીંગ પુલ,ઈ-લાયબ્રેરી શરૃ કરાશે.
કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારી કલ્પેશ શાહે પ્રોટોકોલ સાચવ્યો ન હોવાની પણ ચર્ચા ચાલી હતી. ચીફ ઓફિસરના હસ્તે ઉપપ્રમુખનું સ્વાગત કરાવામાં આવ્યું હતું. સાથે જિલ્લાના પ્રથમ નાગરિક ગણાતા કલેક્ટરના સ્વાગત પહેલાં ભાજપના જિલ્લા પ્રમુખનું સ્વાગત કરાવી પ્રોટોકોલ નહીં સાચવી ઉલ્ટી ગંગા વહેડાવી હોવાનો  હાજર લોકોમાં ગણગણાટ ચાલ્યો હતો.

Loading...

Loading...