આવતી દિવાળી સુધી બની જશે સાબરમતી નદીમાં 'ફ્લોટિંગ રેસ્ટોરન્ટ', જેમાં છે આ જબરજસ્ત સુવિધાઓ

14 Nov, 2014

શહેરના ખાણી-પીણીના શોખીન શહેરીજનો હવે અગામી દિવાળી સુધીમાં સાબરમતી નદી ઉપર તરતી એટલે કે, ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની અંદર ગુજરાતી ભોજનનો સ્વાદ માણી શકશે. સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ પ્રોજેકટ કંપની દ્વારા સાબરમતી નદીના વાસણા બેરેજથી સરદાર બ્રિજના પશ્ચિમ કિનારે રૃ. ૫ કરોડના ખર્ચે 'ફ્લોટિંગ રેસ્ટોરન્ટ' ઉભી કરવાના ટેન્ડરને મંજુરી આપી દીધી છે.

ગોવાની એક ખાનગી કંપની સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બાંધશે જેમાં ખાસ ગુજરાતી ભોજન પિરસવામાં આવશે. અગામી ૧૫ દિવસમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઉભી કરવાની કામગીરી શરૃ કરી દેવાશે ઉપરાંત અગામી દિવાળી સુધીમાં કામ પૂર્ણ કરી દેવાશે. મ્યુનિ.કોર્પોરેશનની સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઉભી કરવા માટે ચાર વાર ટેન્ડર બહાર પાડયા હતા પણ કોઇ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો. આખરે છેલ્લે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં બે કંપનીઓએ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઉભી કરવા માટેનો રસ દાખવ્યો હતો જેમાં ગોવાની એક અનુભવી કંપનીની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે આવેલા ટેન્ડરને મંજુરી આપવામાં આવી છે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટેના ટેન્ડરને મંજુરી માટે સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કંપનીના બોર્ડની બેઠકમાં મુકાશે જેને બોર્ડની મંજુરી મળ્યા બાદ કામકાજનો પ્રારંભ થશે.

સાબરમતી નદીના પશ્ચિમ કિનારે વાસણા બેરેજથી સરદાર બ્રિજની વચ્ચે આવેલા વિસ્તારમાં આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરશે ઉપરાંત એનઆઇડીના પાછળના ભાગમાં તેનો કાયમી સ્થળ રહેશે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ૩૦૦ લોકોની ક્ષમતા ધરાવતી હશે જેમાં ગુજરાત મેરેટાઇમ બોર્ડના નિયમો પ્રમાણે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઉભી કરાશે જેમાં કોન્ટ્રાક્ટરે મેરેટાઇમ બોર્ડની મંજુરી લેવી પડશે. આ સાથે રેસ્ટોરન્ટમાંથી કોઇપણ પ્રકારનું નદીમાં પ્રદુષણ ન ફેલાય તેની પણ ખાતરી લેવામાં આવી છે.

'ફ્લોટિંગ રેસ્ટોરન્ટ' માટે સાબરમતી નદીમાં ૧૦ મહિના સુધી બે કાંઠે વહેશે

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કંપનીએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે એક વર્ષમાં ૧૦ મહિના સુધી નદીમાં પાણી રાખવાની ખાતરી કોન્ટ્રાક્ટરને આપી છે. આમ શહેરમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે ૧૦ મહિના સુધી નદી બે કાંઠે વહેશે. પહેલા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા તેમાં કોન્ટ્રાક્ટરોએ ૧૨ માસે નદીમાં પાણી આવે તેની ખાતરી માંગી હતી જોકે, મ્યુનિ.એ આ ખાતરી ન આપતા કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો ન હતો. આમ છેલ્લા ત્રણ વર્ષથી નદીમાં કેટલા મહિના પાણી રહેશે તે મુદ્દે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની યોજના અટવાયેલી હતી.

સાબરમતી નદીમાં ગુજરાતી ભોજનની મજા માણી શકાશે
સાબરમતી નદીની ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ખાસ ગુજરાતી ભોજન પિરસાશે. મ્યુનિ.ની સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કંપની દ્વારા કોન્ટ્રાક્ટર સાથે કરેલી શરતોમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં માત્ર શાકાહારી ગુજરાતી ભોજન પિરસવાની શરત મુકવામાં આવી છે. આમ દરેક પ્રકારનું ગુજરાતી અને શાકાહારી ભોજનનો સ્વાદ શહેરીજનો ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં માણી શકશે.

ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ખાસિયત

ખર્ચ ૫ કરોડ
દૈનિક નિભાવ ખર્ચ ૧૪ લાખ
ઊંચાઇ ૪.૫ મીટર
ક્ષમતા ૩૦૦ લોકોની
એન્જિન ૧૮૦૦ આરપી એન્જિન
દરરોજ સવાર, બપોર અને રાત ત્રણ ટાઇમ જમવાનું પિરસાશે
વિક એન્ડમાં પાંચ ટાઇમ જમવાનું પિરસાશે
નવું શું કોન્ફરેન્સ અને સેમિનાર માટેની જગ્યા

Loading...

Loading...