ગુજરાતઃ 1500 ખેડૂતોને અપાશે સોલાર પાવર પમ્પ

25 Nov, 2014

રાજ્યમાં કૃષિ ક્ષેત્રે વીજ માંગ ઉત્તરોત્તર વધતી જાય છે અને ખેડૂતોને વીજ બીલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષે સરેરાશ 3500 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. કૃષિ વિષયક વીજ જોડાણો માટે કરવાની થતી ભારે તથા હળવા દબાળની વીજ લાઇનો ટ્રાન્સફોર્મર્સ વગેરે માટે ભારે ખર્ચ થાય છે અને અમુક સંજોગોમાં આંતરિયાળ વિસ્તારોમાં વીજ લાઇનો ઊભી કરવાનું કામ ઘણું મુશ્કેલીભર્યું હોય છે, તથા તેનો ખર્ચ વધુ હોય છે. આ સંજોગોમાં છેવાડાના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વડપણ હેછળ રાજ્ય સરકારે વર્ષ 2014-15ના બજેટમાં સોલાર પાવર પમ્પ આપવાની યોજનાનું આયોજન કર્યું છે.
આ અંગે વધુ વિગતો આપતા ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છેકે આ યોજના સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવાનું ઠરાવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીઓમાં હાલમાં પ્રાયોગિક ધોરણે 150 સોલાર પમ્પ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં 1050 સોલાર પમ્પ ખેતીવાડી વીજ જોડાણો માટે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ સમગ્ર ગુજરાતમાં 1500 સોલાર પમ્પ આપવામાં આવશે.

આ યોજના હેઠળ રાજ્ય સરકાર જેમણે ખેતી વિષયક વીજ જોડાણ માટે અરજીની નોંધણી કરાવી છે તેવા લાભાર્થી ખેડૂતને જરૂરિયાત અનુસાર 3થી 5 હોર્સ પાવરના સોલાર પમ્પ પૂરા પાડશે. એક સોલાર પમ્પ સેટની અંદાજીત કિંમત 6 લાખ રૂપિયાની આસપાસ છે. પરંતુ તેની સામે ખેડૂતોને રાહત દરે સોલાર પમ્પ આપવામાં આવશે.

કૃષિ ક્ષેત્રે સૂર્ય ઉર્જાના વપરાશની દિશામાં રાજ્ય સરકારે ઉઠાવેલા આ કદમ બિન પરંપરાગત ઉર્જાના વપરાશને મહત્વ આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની સાથેસાથે છેવાડાના માનવીને પણ વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરે છે.