૧૧ વર્ષનો છોકરો ક્લિનિકલી ડેડ બાદ ૪૫ મિનિટ પછી ફરી જીવતો થયો

10 Dec, 2014

સામાન્ય રીતે સાયન્સ ચમત્કારમાં નથી માનતું, પણ સોમવારે વહેલી સવારે રાજાવાડી હૉસ્પિટલમાં ઘાટકોપર (ઈસ્ટ)ના કામરાજ નગરમાં રહેતા ૧૧ વર્ષના સ્ટુડન્ટ સુભાષ ચૌધરીને બેભાન અવસ્થામાં દાખલ કર્યા બાદ તે ક્લિનિકલી ડેડ થવા છતાં ૪૫ મિનિટ બાદ ફરીથી જીવતો થયો હતો. આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી.

રવિવારે રાત્રે સુભાષ ચૌધરી તેના ભાઈ સાથે મોબાઇલમાં ગેમ રમીને સૂઈ ગયો, પણ મધરાત બાદ તેને જોરદાર ઊલટી થઈ અને તે બેભાન થઈ ગયો. એથી રાત્રે એક વાગ્યે તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. એ સમયે ડૉ. મહેન્દ્ર લોખંડેએ જોયું કે આ છોકરાના ધબકારા ઓછા થઈ રહ્યા હતા અને એથી તેને મેડિકલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

એ પછી શું થયું એ વિશે જાણકારી આપતાં ડૉ. લોખંડેએ કહ્યું હતું કે ‘ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ પર તેના હાર્ટના ધબકારા દેખાવાને બદલે સીધી લાઇન દેખાતી હતી. નાડીના ધબકારા પણ દેખાતા નહોતા. આ ઇન્ડિકેટ કરે છે કે પેશન્ટ ક્લિનિકલી ડેડ છે. જોકે છોકરાની ઉંમર જોતાં આવું શક્ય ન લાગ્યું. એથી તેના હાર્ટને ફરીથી ધબકતું કરવા માટે અમે પ્રયાસો કર્યા. આમાં બીજા ડૉક્ટર સુશીલ યાદવની મદદ પણ લેવામાં આવી. પેશન્ટના હાર્ટ કે નાડીના ધબકારા ન હોવા છતાં અમે ૪૫ મિનિટ સુધી તેને જિવાડવાનો પ્રયાસ કર્યો અને હાર્ટમાં થોડું હલનચલન જણાતાં અમને લાગ્યું કે તે છોકરામાં જીવ આવી ગયો છે. તેને જિવાડવા માટેના અમારા પ્રયાસો સફળ રહ્યા હતા. સામાન્ય રીતે ક્લિનિકલી ડેડ વ્યક્તિ જીવંત નથી થતી, પણ આ એક ચમત્કાર સમાન છે.’

સુધરાઈ સંચાલિત સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતા સુભાષ ચૌધરીની તબિયત હવે સારી છે અને તેને થોડા દિવસોમાં રજા આપવામાં આવશે. પંદર દિવસ પહેલાં તેની સ્કૂલમાં મલેરિયાના ચેક-અપ બાદ ગોળીઓ આપવામાં આવી હતી અને રવિવારે રાત્રે તે ગોળી ગળીને સૂઈ ગયો એ પછી તેને ઊલટી થઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

Loading...

Loading...