Gujarat

એકાદશી વિશેષઃ શ્રીનાથજીની પીઠિકામાં ભાગવતની લીલાનું આવું છે રહસ્ય

 આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જે લીલા ભાગવતમાં ગૂઢ રૂપ છે એ બધી જ લીલા આ ચિહનો દ્વારા શ્રીનાથજી બાવાએ પ્રગટ કરી છે. પહેલાં અને બીજા સ્કંધની સંગતિ જોઇએ તો શ્રીનાથજી બાવાની બરાબર ઉપર એખ શુક બેઠો છે તે કોણ છે? પ્રથમ સ્કંધમાં પરીક્ષિત રાજાનાં ઉદ્ધાર માટે જેમનું આગમન થયું એવા શુકદેવજી એ શુક છે અને કહેવાય છે કે શુકદેવજીએ નિત્યલીલામાં શુકનાં સ્વરૂપથી વિહાર કરે. એકવાક નિકુંજમાં વૃક્ષની ડાળી પર બેસી રાધે રાધે રાધેનું જ્ઞાન કરતાં હતા અને ત્યારે જ રાધાજી આવ્યા અને કહેવા લાગ્યા કે, હે શુક, રાધામાં વદ, વદ કૃષ્ણ કૃષ્ણ. તું રાધા રાધા ન કહે. કૃષ્ણ કૃષ્ણ કહે અને ત્યારથી રાધાજીએ કૃષ્ણ નામની દીક્ષા શુકદેવજીને આપી અને ત્યારથી કૃષ્ણ કૃષ્ણનો ઉચ્ચાર કરતો. તે લીલા શુક એ શુકદેવજી છે, કે જેને શ્રીનાથજીએ પોતાનાં મસ્તક પર ધારણ કર્યો છે.

શ્રીનાથજીની પીઠિકામાં એક સર્પ પણ છે, તે કોણ છે. પ્રથમ સ્કંધની લીલામાં પરીક્ષિતને શ્રાપ મળ્યો કે તને તક્ષક નાગ દંશ દેશે અને તારૂં મૃત્યુ થશે. તેની સંગતિ પ્રથમ સ્કંધમાંથી મળે છે.  એક તરફ બે ગાયનું યુગ્મ છે તે કોણ છે? જ્યારે પરીક્ષિત આખેટ કરવા વનમાં ગયાં અને જોયું કે ધર્મરૂપી બળદ અને પૃથ્વી રૂપી ગાય બંને સંવાદ કરી રહ્યા છે. પ્રથમ સ્કંધની સંગતી જોઇએ તો ધર્મરૂપી બળદ અનવે પૃથ્વીરૂપી ગાય એ આ યુગ્મ છે.

શ્રીનાથજીની પીઠિકામાં દક્ષિણ ભાગમાં એક મુનિ બિરાજમાન છે. આ મુનિ કોણ છે? તૃતિય સ્કંધમાં જેમની કથા આવે છે કે માતાનાં ઉદ્ધાર માટે જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો તેવા કપિલ મુનિ.
ચતુર્થ સ્કંધનું દર્શન કરીએતો વામ પીઠિકામાં બે મુનિ છે તે કોણ છે? ચતુર્થ સ્કંધની લીલામાં એક નર બીજા નારદ. નર એટલે પૃતુ રાજા અને નારાદ કે જેમણે પ્રચેતાઓને ઉપદેશ આપી પ્રભુની સન્મુખ કર્યા.
પંચમ સ્કંધની લીલા જોઇએ તો તેમાં ભૂગોળ ખગોળનું વર્ણન આવે છે. જેમાં શ્રીજીબાવા જેમની કંદરામાં ઊભા છે તે ગિરિરાજ બાવા.
 
છઠ્ઠા સ્કંધમાં એક તરફ રહેલી બે ગાયો પૈકી આપણે એકને ગાય અને વાછરડું માનીએ છીએ. વાછરડું માને શીંગડા મારીને હેરાન કરે તો પણ મા હંમેશા પોતાના વાછરડાને દૂધ પાઇને તેનું પોષણ કરે છે. છઠ્ઠો સ્કંધ પુષ્ટિ લીલા છે. નાનું વાછરડું ભલે ભગવાનને પરેશાન કરે પણ ભગવાન પોતે કૃપા વર્ષણ દ્વારા ભક્તને પોષણ આપી પુષ્ટ કરે છે.
 
સાતમો સ્કંધ જોઇએ તો એક તરફ નરસિંહનું દર્શન થાય છે તે ભક્તનાં વચનને સિદ્ધ કરવા માટે ભગવાન નરસિંહ સ્વરૂપે થાંભલામાંથી પ્રગટ થયા તે છે.
 
સર્પનું ચિહ્ન આપણે લઇએ તો આઠમા સ્કંધની સંગતિ સાથે મળે છે. આઠમા સ્કંધમાં સમુદ્ર મંથનની કથા આવે છે, જે પ્રમાણે વાસુકી સર્પથી સમુદ્રનું મંથન થયું.
 
નવમા સ્કંધની સંગતિ જોઇએ તો પીઠિકામાં રહેલો મયુર એટલે કે મોર નિષ્કામ જીવ છે. નવમા સ્કંધમાં ઇશાનું કથા લીલા જેમાં પ્રભુનાં નિષ્કામ ભક્તોની કથા છે. દશમ સ્કંધની સંગતિ જોઇએ તો પીઠિકામાં જેટલા પણ ચિહ્નો છે તે બધી લીલા આપણને દશમ સ્કંધમાં જોવા મળે છે.
 
એકાદશ સ્કંધએ મુક્તિ લીલા છે. એ પણ સર્પનાં પ્રતીક સાથે સંગત છે. કારણ કે સર્પની કાંચળી દૂર કરવાનો સમય આવ્યો હોય ત્યારે એ કાંચળી દૂર ન કરે ત્યાં સુધી આંખો હોવા છતાં બહાર કંઇ જોઇ ન શકે એને કંઇ દેખાય નહીં. જ્યારે કાંચળી દૂર થાય ત્યારે જોતો થાય. કારણકે તે મુક્તિ લીલા છે. આપણે પણ આપણી અહંતા મમતાની કાંચળીને આ સંસારરૂપી કાંચળીને એવી તો ઓઢી છે માટે આંખો હોવા છતાં વાસ્તવિકતા આપણને દેખાતી નથી. બધુ સ્પષ્ટ હોવા છતાં આપણે જોઇ શકતા નથી. જેમ સર્પ કાંચળી દૂર કરે પણ અહંતા મમતાનું સમર્પણ કરીએ ત્યારે વાસ્તવિક સ્વરૂપને સમજીએ છીએ.
 
દ્વાદશ સ્કંધએ આશ્રય લીલા અને શ્રીજીબાવાનો વામ શ્રીહસ્ત. શ્રીજી બાવા વામ હસ્ત ઊંચો કરીને આપણા જેવા જીવોને પોતાની પાસે બોલાવીને કહે છે કે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એક શરણં વ્રજ અહંત્વામ સ્રવ પાપેભ્યો મોક્ષ વિશ્યામિમાશુચ અર્થાત હે જીવ તું તારા બધા સાધનોને છોડીને મારા એકનાં શરણમાં આવી જા. હું તને ક્યારેય ભટકવા નહિં દંઉ. તારૂં યોગક્ષેમ હું વહન કરીશ.
 
એક દૃષ્ટાંત જોઇએ. એક માણસની દુકાનમાં આગ લાગી હતી. દુઃખી હતો પણ મનથી સ્વસ્થ હતો. બીજા માણસે પૂછ્યું, અરે તારી દુકાનમાં આગ લાગી છે તને એનું દુઃખ નથી? પેલો કહે ઇન્સ્યુરન્સ છે. હવે લૌકિક ઇન્સ્યુરન્સ હોય તો પણ આપણે આટલા નિશ્ચિત થઇ જઇએ છીએ, જયારે ગીતામાં ભગવાને સ્વયં આપણને ઇન્સ્યુરન્સ આપ્યું છે કે જીવ મારા શરણે આવે એને હું ભટકવા નહીં દંઉં.
 
પ્રભુ વામ હસ્ત ઊંચો કરી આપણને બોલાવે કે હે જીવ તું બહું દોડ્યો, બહુ ભટક્યો, હવે થાકી જઈશ.  હવે તું મારા શરણોમાં આવ નહિતર એટલું મોડુ થઇ જશે કે પછી ક્યારેય આવી નહિ શકે.
 
શ્રીનાથજી બાવા તો પોતાનો હસ્ત ઊંચો કરીને આપણને બોલાવે છે.  સંસારની થપાટો ખાઇ ખાઇને વિચાર કરે કે પ્રભુ હું આપને છોડીને બહુ ભટક્યો પણ હવે આપને શરણે આવ્યો છું. પ્રભુ આપ હવે મારો હાથ એવો મજબૂતીથી પકડજો કે પ્રભુ હું કદાચ આપને છોડવાનો પ્રયત્ન કરૂં પણ આપ મને ક્યારે નહિં છોડતા. જ્યારે જીવ પ્રભુનાં શરણમાં આવે છે ત્યારે પ્રભુનાં ચરણ પકડી લે છે.
 
શ્રીમદ્ ભાગવતજીનાં પહેલાં બે સ્કંધ પ્રભુના બે ચરણારવિન્દ છે. અંગની સંગતિ જોઇએ તો ચરણારવિન્દ પછી ત્રીજો-ચોથો સ્કંધ પ્રભુનાં બે ઉરૂ હોવા જોઇએ. ચરણારવિન્દ પછી ઉરૂ આવે પણ ઉરૂ ન કહેતા ત્રીજો અને ચોથો સ્કંધ પ્રભુનાં બે બાહુ કહ્યા. કારણકે જે જીવ સંસારમાં તાપથી પરિતપ્ત થઇને સંસારની માયાજાળ છોડી ભગવાનનાં શરણમાં જાય ત્યારે ભગવાન પણ પ્રસન્ન થઇ કૃપા કરીને એ જીવને પોતાના બંને બાહુથી ઊંચકી હૃદયથી લગાડી લે છે. આમ, શ્રીજીબાવા પોતાનો વામ શ્રીહસ્ત ઊંચો કરીને આપણને બોલાવે છે.
 
શ્રીનાથજીનો જમણો શ્રીહસ્ત કટિ પર છે અને કટિ પર શ્રીહસ્ત રાખીને આપ પોતાનાં ભક્તોને અંગૂઠો બતાવે છે. કટિપર હસ્ત રાખીને પ્રભુ ભક્તોને કહે છે  જો તું મારી શરણમાં આવી જઇશ તો આ ભવસાગર હું તને કટિ જેટલો કરી આપીશ. જેથી તું તારી મેળે ચાલીને બીજા કોઇનાં સહારા વગર આ ભવસાગર પાર કરી શકીશ. બીજું કારણ આપણા પરમાનંદ દાસજીએ એનો ભાવ કરતાં લખ્યું કે શ્રીનાથજી પોતાના ભક્તોને અંગૂઠો બતાવે તેનું કારણ શું તો કહે કે આપણે જ્યારે પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરવા જોઇએ. ફૂલઘર, પાનઘર, શાકઘર, જલ સેવા કરીએ તો આ બધી સેવા દ્વારા જે ભગવદ્ રસ આપણી અંદર એકત્ર કર્યો હોય તે રસને શ્રીનાથજી બાવા આપણને અંગૂઠો બતાવીને લઇ લે. શું વાત કરો છો? પ્રભુ એ રસને લઇ લે. તો કે હા લઇ લે. એટલે તો પરમાનંદદાસજી કહે છે
 
કીર્તનઃ પરમાનંદ વ્રજવાસી સાંવરો...
અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રી...
મેરી ભરી મટુકિયા લે ગયો રી... મેરી ભરી...
 
જે જીવ શ્રીનાથજી બાવાની સન્મુખ જઇ સેવા કરી જે ભગવદ્ રસ એકત્ર કરે તેને શ્રીનાથજી બાવા અંગૂઠો દેખાડીને એ રસ લઇ લે. તેના બદલામાં પ્રભુ શું આપે?
 
તમે બધા શ્રીનાથજી જઇને શું લાવો છો? આપણે ભલે બીજું કંઇ ન લાવીએ પણ પ્રભુનો પ્રસાદી ઠોર અવશ્ય લાવીએ છીએ. ઠોર એટલે શું? વ્રજભાષામાં ઠોર એટલે સ્થાન. શ્રીનાથજી બાવા આપણો એકત્રિત કરેલો ભગવદ્ રસ લઇને તેના બદલામાં પોતાનાં ચરણોમાં આપણને ઠોર અર્થાત સ્થાન આપે. પ્રભુ પોતાનાં ચરણોમાં આપણને રાખી લે છે અને આપણો દૃઢ આશ્રય સિદ્ધ થાય છે.
આમ, શ્રીનાથજીબાવાની પીઠિકાના ચિહ્નોનું અનોખું માહાત્મ્ય છે. આપણે જ્યારે પણ દર્શન કરીએ ત્યારે પીઠિકા દર્શનનો પણ લાભ લેવો જોઇએ.
 
જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહાધિપતિ પ.પૂ.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (અમરેલી-ચંપારણ્ય-કાંદિવલી-સુરત)

Releated News