ટોમેટો સોસ, છાશ, લસ્સી, બ્રેડ, માખણ ખાવાના ફાયદા ને નુકસાન ચોક્કસ જાણો

18 Nov, 2015

 ખાવાની કેટલીક વસ્તુઓ ઓલ ટાઈમ હિટ હોય છે. બસ નામ પડે ને લોકો ખાવા માટે તૈયાર થઈ જાય છે. સાથે જ આ વસ્તુઓ હેલ્ધી પણ માનવામાં આવે છે. જેમ કે છાશ, બ્રેડ, બટર, પનીર વગેરે. પરંતુ આવી વસ્તુઓને ખાતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુઓ ખાવાથી કેટલી કેલરી મળે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ વસ્તુ વધારે સ્વાસ્થ્યવર્ધક છે. જેથી તમે યોગ્ય વસ્તુઓનું સેવન કરી શકો. તો ચાલો આજે અમે તમને જણાવીશું કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ વિશે જેને તમે રોજ આરોગો છે અને હકીકતમાં તે કેટલી હેલ્ધી છે.

ટોમેટો અને મસ્ટર્ડ સોસમાંથી કયું ઉત્તમ?
 
ટોમેટો સોસના ફાયદા અને નુકસાન- ટોમેટો સોસમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. ટોમેટો સોસ ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેમાં રહેલું ફ્લેવોનાઈડ લાઈકોપીન ત્વચાને સૂર્યની કિરણોથી બચાવે છે. પરંતુ તેમાં હાઈ કોર્ન ફ્રૂક્ટોઝ સિરપ પણ હોય છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર અને વોટર રિટેન્શનની સમસ્યા થઈ શકે છે.
 
મસ્ટર્ડ સોસના ફાયદા અને નુકસાન- મસ્ટર્ડ સોસમાં વિટામિન બી હોય છે, જે નર્વ સિસ્ટમ અને મેટાબોલિઝ્મને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ, કોપર અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. સરસિયાના દાણામાં તેલ હોય છે. જેથી તેમાં કેલરી વધારે હોય છે.
 

 

ન્યૂટ્રિશનિસ્ટની સલાહ- દરેક પ્રકારના સોસમાં પ્રિઝર્વેટિવ હોય છે. જેથી કોઈપણ સોસને હેલ્ધી ન કહી શકાય. છતાં પણ મસ્ટર્ડ સોસની સરખામણીમાં ટોમેટો સોસ વધુ હેલ્ધી હોય છે. પરંતુ કોઈપણ સોસ ઓછી માત્રામાં જ ખાવું જોઈએ.
 
વ્હાઈટ અને બ્રાઉન બ્રેડમાંથી કઈ હેલ્ધી?
 
વ્હાઈટ બ્રેડના ફાયદા અને નુકસાન- સફેદ બ્રેડ ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ બહુ ઝડપથી વધે છે. તેમાં રહેલું ગ્લાઈસિમિક ઈન્ડેક્સ શરીરની પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે અને શુગરથી પણ નુકસાન થાય છે. સતત ગ્લાઈસિમિક ઈન્ડેક્સ શરીરમાં વધવાથી ડાયાબિટીસ, કિડનીમાં સ્ટોન અને હાર્ટની બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તેનાથી વિટામિન ડીની ઉણપ સર્જાય છે. જેના કારણે પાચન ક્રિયામાં ગરબડ થાય છે. કબજિયાત અને પેટની સમસ્યા ઉદભવે છે અને કોલેસ્ટ્રોલ વધે છે.
 
બ્રાઉન બ્રેડના ફાયદા અને નુકસાન- આવી બ્રેડમાં ફાઈબર, વિટામિન બી12 અને ઈ હોવાથી પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. બ્લડશૂગર સંતુલિત થાય છે. કારણ કે તેમાં રહેલું કાર્બોહાઈડ્રેટ બહુ ધીમી ગતિએ શરીરમાં વધે છે પરંતુ આ બ્રેડ પણ વધુ પડતી ખાવાથી પાચન સંબંધી પરેશાનીઓ થઈ શકે છે.
 
ન્યૂટ્રિશનિસ્ટની સલાહ- સફેદ બ્રેડની સરખામણીમાં બ્રાઉન બ્રેડ વધુ ફાયદાકારક હોય છે. ભલે બન્નેની કેલરીમાં કોઈ ફેર પડતો નથી પરંતુ બ્રાઉન બ્રેડ ઘઉંમાંથી બને છે. તેમાં ફાઈબર અને વિટામિન બી કોમ્પલેક્સ હોવાથી તે પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે.
 
છાશના ફાયદા અને નુકસાન-
 
છાશમાં પાણીનો ભાગ વધારે હોય છે જેથી તેના સેવનથી પાચન ક્રિયા મજબૂત બને છે. તેનાથી પેટમાં ઠંડક પણ થાય છે. તેમાં કેલ્શિયમ, વિટામિન બી અને રાઈબોફ્લેબિન હોય છે, જે શરીર ગુણકારી હોય છે. આપણે જે ખાઈએ છીએ તેને એનર્જીમાં પરિવર્તિત કરવા અને હોર્મોન્સના સ્તરમાં સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. જેમને દૂધ પચવામાં ભારે પડતું હોય તો તેમના માટે છાશ બહુ ફાયદાકારક હોય છે. છાશમાં ઠંડક આપનારા ગુણો હોવાને કારણે ગળું ખરાબ થવું કે શરદી થવાની સંભાવના રહે છે. જેથી તેમાં વઘાર કરીને પીવામાં આવે છે. છાશ ખાલી પેટ સવારે પીવામાં આવે તો એસિડિટી થાય છે. બજારમાં ઉપલબ્ધ પેકેટમાં મળનારી છાશમાં પ્રિઝર્વેટિવ મિક્ષ કરવામાં આવે છે. જેથી ઘરની છાશ પીવી જોઈએ.
 
ન્યૂટ્રિશનિસ્ટની સલાહ- છાશમાં શેકેલું જીરૂં, મીઠું અને થોડું આદુ મિક્ષ કરીને પીવાથી લાભ થાય છે. કેટલાક લોકો તેમાં મલાઈ નાખે છે. તેનાથી સ્વાદ અને કેલરી બન્ને વધે છે.
 
લસ્સી અને છાશમાં કઈ વસ્તુ સારી?
 
દહીંમાંથી બનતા આ પીણામાં પ્રોબાયોટિક હોય છે. તેમાં એન્જાઈમ્સ અને સારા બેક્ટેરિયા હોવાને કારણે આપણે જે પણ ખોરાક લઈએ છીએ તેમાં રહેલી પૌષ્ટિકતા શરીરમાં શોષાઈ જાય છે. આનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વિકસે છે. પેટના સંક્રમણ થવાની સંભાવના પણ ઘટી જાય છે. જો તમને દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓથી એલર્જી છે તો તમે તેની જગ્યાએ લસ્સીની જગ્યાએ નારિયેળ પાણી કે સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો.
 
પનીર અને ટોફૂમાં ઉત્તમ શું?
 
પનીરના ફાયદા અને નુકસાન- પનીરમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. ડાયટમાં પનીર સામેલ કરવાથી દાંત અને નખ મજબૂત થાય છે. ઓસ્ટિયોપોરોસિસના કારણે થનારા સાંધાના દુઃખાવામાં આરામ મળે છે. મોટી ઉંમરમાં પણ આ બહુ લાભકારક હોય છે. સરળતાથી પચી જાય છે. પેટની ગરબડને ઠીક કરે છે. પનીર અનેક પ્રકારના હોય છે. સાદું પનીર, મલાઈ પનીર, મસાલા પનીર, દહીંથી તૈયાર પનીર. મલાઈવાળા પનીરમાં કેલરી વધારે હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. જેથી સાદું પનીર બેસ્ટ છે. સાદું અને મસાલા પનીર સરળતાથી ઘરમાં બનાવી શકાય છે. જ્યારે તમે ઘરમાં પનીર બનાવતા હોવ ત્યારે દૂધ ફાડીને તેમાં શેકેલું જીરૂ, કોથમીર, લીલા મરચાં મિક્ષ કરી એક કપડામાં બાંધી લટાકાવી દેવું. બધું પાણી નિતરી જાય પછી તેને કાપીને ઉપર ચાટ મસાલો નાખીને નાસ્તા તરીકે ખાઈ શકો છો.
 
ટોફૂના ફાયદા અને નુકસાન-   
 
ટોફૂ સોયાબીનના દૂધમાંથી તૈયાર થાય છે, તેમાં કેલરી ઓછી હોય છે, જેટલી પનીરમાં હોય છે. તેમાં ભરપૂર માત્રામા કેલ્શિયમ હોય છે. થાઈરોઈડ ગ્લેન્ડની વધુ સમસ્યા થવા પર સોયાબીન ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાવામાં ટોફૂ પનીર જેટલું સ્વાદિષ્ટ હોતું નથી. જેથી તેને ટેસ્ટી બનાવવામાં માટે લોકો તેના પર મસાલો નાખે છે. ત્યારે તે હળવો અને હેલ્ધી હોવા છતાં હાનિકારક થઈ જાય છે. જેથી તેને ઓછા તેલ મસાલામાં બનાવવું.
 
ન્યૂટ્રિશનિસ્ટની સલાહ-  પનીરને ટેસ્ટી બનાવવાના ચક્કરમાં વધુ તેલ મસાલા અને કાજૂ જેવી વસ્તુઓ નાખીને તેની કેલરીમાં વધારો કરનો નહીં. ઓછા તેલ, મસાલા અને પાલક અને અન્ય શાક નાખીને પનીરનો ઉપયોગ કરવો. જેમનું કોલેસ્ટ્રોલ વધારે હોય તેઓ ટોફૂ ખાઈ શકે છે.
 
વ્હાઈટ બટર અને પીળું બટરમાં કયું ઉત્તમ?
 
વ્હાઈટ બટર અને પીળા બટરના ફાયદા અને નુકસાન- સફેદ માખણ ભૂખને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી ત્વચા ગ્લો કરે છે. તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. પેટમાં ગરબડ, શરદીમાં તમે સફેદ માખણ ખાઈ શકો છો. મોટાભાગે પેટ ખરાબ થયું હોય તો દર્દીને ઢીલી ખીચડીમાં ઘી કે સફેદ માખણ નાખીને આપવામાં આવે છે. સફેદ માખણમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, વિટામિન એ અને ડી હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે. સાંધાનો દુખાવો હોય કે ઘૂંટણમાં લ્યૂબ્રિકેન્ટની ઉણપ થઈ હોય, થોડું સફેદ માખણ ખાવું. બાળકોના મગજના વિકાસ માટે સફેદ માખણ બહુ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલું અરૈકિડોનિક મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ માખણ વધુ ખાવામાં આવે તો હૃદયની બીમારી થઈ શકે છે. પરંતુ આવું મોટી વયે થાય છે.
 
પીળા બટરના ફાયદા અને નુકસાન-
 
પીળું માખણ સફેદ માખણ કરતાં વધુ સારું માનવામાં નથી આવતું. પરંતુ તેમાં વિટામિન કે અને ડી હોય છે. જેના કારણે શરીરમાં સરળતાથી કેલ્શિયમ એબ્સોર્બ થઈ જાય છે. તેમાં એન્ટી ટ્યૂમર અને એન્ટી કેન્સર ગુણ હોય છે. આ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સંક્રમણને દૂર કરવામાં પણ મદદ કરે છે.
 
ન્યૂટ્રિશનિસ્ટની સલાહ-  સફેદ અને પીળા બન્ને જાતના માખણમાં કેલરીમાં કોઈ ફરક હોતો નથી, પરંતુ મેકિંગ પ્રોસેસ અને મીઠાને કારણે પીળું બટર નુકસાનકારક હોય છે.