આર્મીમાં જોડાવા ગુજ્જુ યુવતીઓમાં થનગનાટ

16 Nov, 2014

ગુજરાત રાજ્યમાંથી આર્મી માટે અરજી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે, તેમાં પણ યુવતીઓ વધારે ઉત્સાહ દાખવી રહી છે. નેશનલ કેડેટ્સ કોર (એનસીસી)ના સફાઈ અભિયાન માટે સુરતમાં આવેલા ગુજરાત એનસીસીના મેજર જનરલ દિવાલરસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી આર્મી માટે થયેલી અરજીઓમાં ૪૦ ટકા જેટલી છોકરીઓ હતી. આ વખતે કુલ ૨૭૫ જેટલી અરજીઓ ગુજરાતમાંથી આર્મી માટે કરવામાં આવી હતી.

રાંદેર રોડ સ્થિત એનસીસીના કેડેટ્સનો સફાઈ અભિયાન માટે ઉત્સાહ વધારવા માટે શનિવારે એનસીસી ગુજરાતના મેજર જનરલ દિવાલરસિંહ સુરતમાં ઉપસ્થિત હતા. તેમણે પોતાની વાતમાં જણાવ્યું હતું કે પહેલાની સરખામણીમાં હવે ગુજરાતમાંથી આર્મી માટે થતી અરજીઓમાં વધારો થયો છે. છેલ્લાં બે વર્ષમાં ૧૪ જેટલા છોકરાઓ એનસીસીમાંથી ટ્રેનિંગ લઈને આર્મીમાં જોડાયા હતા, જ્યારે અગાઉ બે-ત્રણ વર્ષમાં માત્ર એક અથવા બે ઉમેદવારો જ જોડાતા હતા.

હવે ગુજરાતમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહિલાઓને પણ આર્મીમાં જવા માટેનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ વર્ષે ૨૭૫ જેટલી અરજીઓ એનસીસી દ્વારા આર્મીમાં ગઈ હતી, જેમાંથી ૪૦ ટકા જેટલી મહિલાઓ હતી.

આ ઉપરાંત તેમણે આવનારા સમયમાં એનસીસીની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું કે હાલમાં રાજપીપળા ખાતે એનસીસીની એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવી અન્ય ત્રણ એકેડમી એનસીસી રાજકોટ, વલ્લભવિદ્યાનગર અને અમદાવાદ રિજનમાં પણ શરૃ કરશે. આ ઉપરાંત ટૂંક સમયમાં આખા ગુજરાતમાં એનસીસીની નવી છ બટાલિયન પણ શરૃ કરવામાં આવશે. આવનારા સમય માટે એનસીસીનો ગોલ કાંઠા અને આદિવાસી વિસ્તારના કોલેજ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને લીડરશીપની ટ્રેનિંગ પૂરી પાડવાનો છે. આ માટે વિવિધ પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે.