આનંદો! ભારતમાં ભ્રષ્ટાચાર ઘટયો

04 Dec, 2014

જાણીને નવાઈ લાગશે પરંતુ હા, ભારતમાં ભ્રષ્ટાચાર ઘટયો છે. દુનિયના દેશોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર પર નજર રાખતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાની ૨૦૧૩ની યાદીમાં ભારતને ૧૭૫ દેશોમાં ૯૪મું સ્થાન પ્રાપ્ત થયું હતું જ્યારે ૨૦૧૪માં ભારતે દેખાવ સુધારીને ૮૫મું સ્થાન મેળવ્યું છે, જેને પગલે કહી શકાય કે ભારતમાં ભ્રષ્ટાચાર ઘટયો છે. ડેન્માર્કે ૯૨ પોઇન્ટ સાથે ૨૦૧૪માં પણ સૌથી ઓછા ભ્રષ્ટ દેશનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ફક્ત આઠ પોઇન્ટ સાથે ઉત્તર કોરિયા અને સોમાલિયા સૌથી છેલ્લા સ્થાને રહ્યા છે. ટીઆઇઆઇના કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ(સીપીઆઇ) પ્રમાણે ૨૦૧૩માં ભારતનો સીપીઆઇ ૩૬ હતો જે ૨૦૧૪માં બે પોઇન્ટ વધીને ૩૮ પર પહોંચતાં ભારતને ભ્રષ્ટાચારી દેશોની યાદીમાં ૮૫મું સ્થાન પ્રાપ્ત થયું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ્સની માહિતીના આધારે ભારતના સીપીઆઇમાં સુધારો થયો છે. ભારતને રેન્કિંગ આપવા માટે નવ સ્વતંત્ર ડેટા સૂત્રોની માહિતીનો પણ ઉપયોગ કરાયો હતો, જેમાં બર્ટેલ્સમેન ફાઉન્ડેશન, વિશ્વબેંક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સહિતની ઘણી સંસ્થાઓ દ્વારા કરાયેલા આકલનનો સમાવેશ કરાયો હતો.

આંકડા લોકસભા ચૂંટણી પહેલાં લેવાય હતા

ભ્રષ્ટાચાર એ દુનિયાના તમામ દેશોને લગતો પ્રશ્ન છે. આ રિપોર્ટમાં ખરાબ અંકનો અર્થ એ થાય છે કે જે તે દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે અને પબ્લિક સંસ્થાનું લોકોની જરૃરિયાત પર ધ્યાન નથી આપતી. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, ભારતમાં નવી સરકારને મેન્ડેટ ભ્રષ્ટાચાર વિરોધી માનસ મુખ્ય હતું. પરંતુ આ રીપોર્ટ માટે લેવાયેલા આંકડા ચૂંટણી પહેલાના હતા. પરંતુ ભારતે આ નવા જાહેર થયેલા આંકડાથી દસ કદમનો કુદકો પ્રામાણિકતા તરફ લગાવ્યો છે. અને તેના અંકમાં બે નો સુધારો થયો છે.

પાડોશી દેશો ભારત કરતાં પણ ભ્રષ્ટ

ભારતનું કટ્ટર પ્રતિસ્પર્ધી મનાતું ચીન ભ્રષ્ટાચારના ભોરિંગમાં સપડાયું છે. ગયા વર્ષે ૮૦મું સ્થાન પ્રાપ્ત કરનાર સામ્યવાદી પાડોશી ચીનમાં ભ્રષ્ટાચારે માઝા મૂકતાં ૧૦૦માં સ્થાને ધકેલાઈ ગયું છે. પાકિસ્તાન અને નેપાળ પણ દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં આવે છે, તેમને ૧૨૬મું સ્થાન મળ્યું છે. શ્રીલંકાને ભારત સાથે જ ૮૫મું સ્થાન મળ્યું છે જ્યારે અફઘાનિસ્તાન ૧૭૨મા સ્થાને છે.

ભારતમાં બિઝનેસ માટેનાં વાતાવરણમાં સુધારો

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના જણાવ્યા અનુસાર ભારતમાં લાંચ અને ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી બિઝનેસ માટે સારુંં વાતાવરણ તૈયાર થઇ રહ્યું છે, તેવી જ રીતે વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ્સની માહિતી પ્રમાણે ભારત સરકારનાં જાહેર ક્ષેત્રનાં એકમોમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. આ બંને સંસ્થાઓના રેટિંગ પ્રમાણે ભારતના સીપીઆઇમાં બે પોઇન્ટનો વધારો થયો છે. આમ પણ નવી સરકાર તેનાં પ્રો બિઝનેસ અભિગમ માટે જાણીતી છે. આ જ કારણે દુનિયામાં ભારત રોકાણ માટે અને બિઝનેસ માટે એક નવું ડેસ્ટીનેશન બન્યું છે.

Loading...

Loading...